Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૫
૫૭૩
હર્ષ-શોકના ભાવ સાથે તેમને તેનું સાક્ષીપણું પણ સાથે ને સાથે જ વર્તે છે. જ્ઞાનીને પણ હર્ષ-શોક થાય, પરંતુ તેમને જ્ઞાતાસ્વભાવના અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો હોવાથી હર્ષ-શોકના ભોગવટાની ક્ષણે જ તેમને તે હર્ષ-શોકના સાક્ષીપણારૂપ પરિણમન પણ વર્તે છે.
જ્ઞાનીને પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવમાં તાદાત્મ્યવૃત્તિ થઈ હોવાથી તેઓ કર્મના કર્તા કે ભોક્તા થતા નથી, પરંતુ ચિદાનંદસ્વભાવને ભૂલેલો, ક્રોધાદિ આસવભાવોમાં તન્મયપણે વર્તતો એવો અજ્ઞાની જીવ ક્રોધાદિનો કર્તા-ભોક્તા થાય છે. તેના ક્રોધાદિ ભાવો નવીન કર્મબંધનમાં નિમિત્ત બને છે. પોતાના સ્વભાવને ભૂલેલો તથા કર્મ તરફ ઝુકેલો અજ્ઞાની જીવ અનાદિથી રાગ-દ્વેષ કરે છે અને આ રાગ-દ્વેષથી તેને નવીન કર્મબંધ થાય છે. જો કે રાગ-દ્વેષ અને કર્મબંધની પરંપરા અનાદિથી ચાલતી હોવા છતાં તે સ્વભાવભૂત નથી, પણ વિભાવરૂપ ઉપાધિ છે. આત્માર્થી જીવ પોતામાં તે ઉપાધિને અવલોકે છે. પોતાની પર્યાયમાં વિકારી ભાવો છે એમ તે જાણે છે. તે પોતાના શુદ્ધ સ્વભાવનો નિશ્ચય કરે છે કે મારામાં જે રાગ-દ્વેષાદિ વિકારો દેખાય છે તે મારા સ્વભાવભૂત નથી પણ આરોપિત ભાવ છે. આ રાગ-દ્વેષ તો ઉપાધિરૂપ છે, જ્યારે મારો સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમાત્ર છે. આ રાગ-દ્વેષની પરંપરા મારા સ્વભાવના આશ્રયે નથી થઈ પણ પરના આશ્રયે થયેલી છે, તેથી હું મારા સ્વભાવના આશ્રયે નિર્મળ પર્યાયની પરંપરા પ્રગટ કરીને આ રાગ-દ્વેષની પરંપરાને તોડી નાખું.' જે ક્ષણે રાગ-દ્વેષ વર્તે છે તે ક્ષણે જ આ વિવેકજ્યોતિના કારણે તે પોતાના નિરુપાધિક શુદ્ધ સ્વભાવ તરફ ઝુકતો જાય છે. તે રાગ-દ્વેષની પરંપરાને તોડતો જાય છે. રાગ-દ્વેષની પરંપરા તૂટતાં કર્મબંધ પણ છૂટતા જાય છે. ક્રમે કરીને તે કર્મથી મુક્ત થાય છે. જેમ સ્કંધમાં રહેલો પરમાણુ જ્યારે જઘન્ય ચીકાશરૂપે પરિણમવાની સન્મુખ થાય છે ત્યારે સ્કંધ સાથેના બંધનથી તે છૂટો પડી જાય છે, તેમ શુદ્ધ સ્વભાવ તરફ ઝૂકેલા જીવને રાગાદિ ચીકાશવાળા ભાવો અત્યંત ક્ષીણ થતા જતા હોવાથી તે કર્મબંધથી છૂટતો જાય છે અને અંતે તે સર્વ બંધનથી મુક્ત થઈ જાય છે.
આમ, જેમનો દેહાધ્યાસ છૂટી ગયો છે અને જેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એવા જ્ઞાની પોતાનાં નિર્મળ પરિણામને જ કરે તથા ભોગવે છે, તે સિવાય તેમને રાગાદિ ભાવ સાથે કે કર્મો સાથે કર્તા-કર્મપણું કે ભોક્તા-ભોગ્યપણું નથી. જ્યાં સુધી ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટી નથી, ત્યાં સુધી જ ભ્રમના કારણે જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું તથા ભોક્તા-ભોગ્યપણું ભાસે છે, જ્ઞાન તથા રાગ વચ્ચે પણ કર્તા-કર્મપણું તથા ભોક્તા-ભોગ્યપણું ભાસે છે. જ્ઞાનભાવમાં તે કર્તા-કર્મ તથા ભોક્તા-ભોગ્યપ્રવૃત્તિનો અત્યંત અભાવ છે. ભેદજ્ઞાન થતાં જીવ સકળ વિકારના કર્તૃત્વ-ભોક્તત્વરહિત થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org