Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૫
પ૬૭
જપ-તપાદિ બધી ક્રિયાઓ દેહાધ્યાસ દૂર કરવા માટે જ છે. જેટલો દેહાધ્યાસ ઘટ્યો તેટલો ધર્મ પરિણમ્યો કહેવાય. તેથી જીવે તપ-ત્યાગાદિ કઈ રીતે, ક્યા લક્ષે કરવાં એ પ્રથમ સમજવાની જરૂર છે. તપ-ત્યાગાદિ દ્વારા દેહાધ્યાસ નહીં છૂટે તો બધું નિરર્થક નીવડશે. અનાદિથી જીવ દેહથી જ પરિચિત છે, સ્વભાવનો તેને પરિચય નથી, તેથી તેણે ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વભાવનો પરિચય કરી દેહાધ્યાસ છોડવા યોગ્ય છે.
ધર્મ વાસ્તવમાં શું છે એની સાચી અને સ્પષ્ટ સમજણ જો જીવને પ્રાપ્ત થાય તો તેની અનાદિની ગૂંચ સ્વયં ઊકલી જાય. તેથી જ શ્રીમદે નિષ્કારણ કરુણાથી પ્રસ્તુત ગાથામાં ધર્મનું રહસ્ય જેમ છે તેમ સંક્ષેપમાં છતાં સંપૂર્ણપણે પ્રગટ કરતાં કહ્યું છે કે મિથ્યા બોધથી ઉત્પન્ન થતી દેહાત્મબુદ્ધિ છૂટી જાય અને સ્વ-પરનો ભેદ યથાર્થપણે સમજાય તો પછી જીવને કર્મના કર્તા-ભોક્તાપણાનો ભાવ રહેતો નથી. દેહાધ્યાસરૂપ મૂળ દોષ હયાત છે ત્યાં સુધી બીજા દોષો ઊભા છે અને દેહ સાથેની એકતા તૂટે ત્યાં અન્ય સર્વ દોષ જવા માંડે છે. હું દેહ છું' માન્યું ત્યાંથી ભૂલોનું ઊગમણું થાય છે અને હું શુદ્ધાત્મા છું' એ ભાન થતાં ભૂલોનું ઊઠમણું થવા માંડે છે. હું કોણ છું' - માત્ર આટલું જ નહીં સમજાયાથી જાતજાતની ખોટી માન્યતાઓ ઊભી થઈ છે.
પોતાના શુદ્ધ, આનંદઘન, જ્ઞાયક સ્વરૂપને ભૂલી જવાના કારણે હું દેહ છું' એવી દેહાત્મબુદ્ધિરૂપ મિથ્યા માન્યતા અનાદિથી પ્રવાહપણે ચાલી આવી છે. અનાદિ કાળના વિપર્યાસના કારણે તેને જડ-ચેતન વચ્ચેનો ભેદ ભાસતો નથી. ઇન્દ્રિયજ્ઞાન ઉપર તે આધાર રાખતો હોવાથી તેને માત્ર શરીરાદિ જડ સંયોગો જ જ્ઞાનમાં જણાય છે. શરીરાદિ પુગલદ્રવ્યોની પર્યાયો ઇન્દ્રિયો દ્વારા તેને સતત જણાતી રહે છે, તેથી ‘દૃશ્યમાન શરીર તે જ હું' એવી ભ્રામક કલ્પના થાય છે. “શરીર ગોરું, ઊંચું, પાતળું તો હું ગોરો, ઊંચો, પાતળો'; “શરીર રોગી તો હું રોગી' - એવી વિપરીત માન્યતાઓ બંધાય છે. શરીરના વિયોગથી હું મૃત્યુ પામીશ' એમ માનીને તે અત્યંત ભયમાં રહે છે. જીવ મિથ્યા શ્રદ્ધાનથી શરીરના નાશને પોતાનો જ નાશ સમજીને સંક્લેશભાવથી અનંતી વાર કુમરણ આચરે છે.
જેમ સ્વ સંબંધી તેને મિથ્યા શ્રદ્ધાન પ્રવર્તે છે, તેમ પર સંબંધી પણ તેને મિથ્યા શ્રદ્ધાન પ્રવર્તે છે. તે પરમાં સુખ-દુ:ખની કલ્પના કરે છે, પરથી સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે એમ માને છે, તેથી તેને પરમાં અનુકૂળતા-પ્રતિકૂળતાની ઊંધી માન્યતા પ્રવર્તે છે. આ ઊંધી માન્યતાના જ કારણે અજ્ઞાનીનો ઉપયોગ પરમાં ફેરફાર કરવા માટે તેમજ પરને ભોગવવા માટે દોડે છે. સમસ્ત દ્રવ્યોની પર્યાયો કોઈને પણ માટે અનુકૂળતા અથવા પ્રતિકૂળતા ઉત્પન્ન કર્યા વગર પોતપોતાના ક્રમ અનુસાર અનાદિ-અનંત કાળ નિબંધગતિપણે સ્વતંત્ર પરિણમન કરતી જ રહે છે. પુદ્ગલ દ્રવ્યનાં એ અનુકૂળ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org