Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન હરખના ઉછાળા આવે છે. રુચિકર વસ્તુ અલ્પ કાળમાં મળી જાય તો કેવો આનંદ થાય છે! પણ આ તો સંસારના અનુકૂળ સંયોગો છે. તેનું ફળ પરમાર્થદૃષ્ટિએ શૂન્ય છે, કારણ કે તેનાથી કોઈ પણ પ્રકારનો આત્મલાભ થતો નથી. પરંતુ કેવળજ્ઞાનથી તો અનંત આત્મલાભ છે અને તે બે ઘડીમાં પ્રગટી શકે છે. તેમ છતાં બહિર્દષ્ટિ જીવ ‘હમણાં નહીં' એવા વાયદાઓ કરી શિથિલ થઈ જતો હોય છે અને તેથી તે આત્મજ્ઞાન પ્રગટાવી શકતો નથી.
આત્માની શુદ્ધ, પવિત્ર, નિર્મળ દશા પ્રગટાવવામાં કેટલો સમય લાગે તે જીવની ત્વરા-તીવ્રતા તથા સઘન આકાંક્ષા-અભીપ્સા ઉપર આધાર રાખે છે. જીવ કીડીની ચાલે ચાલ્યા કરે તો જન્મોના જન્મો નીકળી જાય. સામાન્યપણે પરમાર્થમા લોકો જાનૈયાની જેમ ધીમી ગતિએ ચાલે છે. જો જીવ ધારે તો તે વિમાન કરતાં પણ તેજ ગતિએ આગળ વધી શકે એમ છે. જો તે સમગ્ર ભાવથી, પૂરા જોશથી ને પૂરા હોશથી અંદર ઝુકાવી દે, કંઈ પણ બચાવ્યા વિના જો સમગ્ર અસ્તિત્વ દાવ ઉપર લગાવી દે તો અત્યારે જ પહોંચી શકે, કારણ કે તે અર્થે તેણે કોઈ બહારની યાત્રા કરવાની નથી. આ યાત્રા તો અંદરની છે કે જ્યાં તે છે જ, કેવળ નજર ફેરવવાની વાત છે. તે ભટકતો અટકે તો જરા પણ અંતર છે જ નહીં, પણ જો નજર ફેરવવામાં તે વાર લગાડે, યાત્રાને સ્થગિત કરે અને કહે કે કાલે કરીશ, પરમ દિવસે કરીશ; તો પછી જેવી રીતે આવા અનંત જન્મો વેડફાઈ ચૂક્યા છે તેવી રીતે હજુ બીજા અનંત ભવો વેડફાઈ જવાનો સંભવ છે.
જીવની કેવળજ્ઞાનની તૈયારી તેના હાથમાં છે. તેનો વર્તમાન સમય તેના હાથમાં છે. તે સ્વતંત્ર છે. વર્તમાન સમયને, વર્તમાન વર્તતી પર્યાયને પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ વાળવા તે સ્વતંત્ર છે. સ્વભાવમાં જ્યારે પણ જવું હોય ત્યારે તેને કોઈ સંજોગ રોકી શકે એમ નથી. આત્મામાં સંજોગોનો ત્રિકાળ અભાવ છે. તેનું સ્વરૂપ અવ્યાબાધ છે. બહારના કોઈ સંજોગમાં એવી તાકાત નથી કે જીવને પોતાના સ્વરૂપમાં જતાં રોકી શકે. જીવને અટકાવે છે તેનો પ્રમાદ, પ્રમાદ મહારિપુ છે. જે આ પ્રમાદનો જય કરે છે, તે પરમપદને પ્રાપ્ત કરે છે. “અત્યારે જ ક્રાંતિ કરી અનંત કર્મોનો બે ઘડીમાં ક્ષય કરી શકું એવું મારું સામર્થ્ય છે' - આવી શ્રદ્ધા સહિતની કેવળજ્ઞાનની તૈયારીમાં કેવળજ્ઞાન પ્રગટે છે.
જે જીવ આત્માની ધગશપૂર્વક આગળ વધી, આત્મજ્ઞાન પ્રગટાવી, વિભાવભાવોનો સર્વથા અંત લાવી કેવળજ્ઞાન પ્રગટાવે છે; તે જીવ સિદ્ધ અવસ્થામાં સાદિઅનંત કાળ સુધી સમાધિસુખમાં બિરાજે છે. સંસારના ભૂતકાળ કરતાં સિદ્ધપદનો ભવિષ્ય કાળ અનંતગણો વધુ છે. ચૈતન્યસ્વભાવની અસંખ્ય સમયની સાધનાના ફળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org