Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે અને કર્તા-ભોક્તાપણાને વેદવાને બદલે હવે તેઓ જ્ઞાતા-દ્રષ્ટાપણે રહેવા લાગે છે.
સર્વ દ્વંદ્વોનું અને વિષમતાઓનું નિષ્ફળપણું તેમના આત્મામાં અપરોક્ષાનુભૂતિથી વિદિત થાય છે. તેમની દૃષ્ટિમાં સુખ-દુઃખ, લાભ-હાનિ વગેરે સર્વ ભેદો ગળી જાય અને તેમના જીવનમાં સર્વત્ર એકરૂપ, અલૌકિક દર્શનની જ મુખ્યતા થઈ જાય છે. વિશ્વના સમસ્ત જીવોમાં પોતાના જેવી જ દિવ્ય વિભૂતિનાં દર્શન તેમને થવા લાગે છે. તેમણે પોતાને જાણ્યો હોવાથી તેઓ જાણી લે છે કે આવો દીવો બધામાં બળી રહ્યો છે. દરેક જીવની અંદર એક આત્મજ્યોતિ છે, જે ગુણોની દૃષ્ટિએ સમાન છે. જ્યાં સુધી જીવ પોતાને નથી જાણતો, ત્યાં સુધી તેને અન્ય જીવ શત્રુરૂપે કે મિત્રરૂપે ભાસે છે, પણ પોતાને જાણી લેવાથી જીવ સમદર્શનને ઉપલબ્ધ થાય છે. પછી નથી કોઈ શત્રુ કે નથી કોઈ મિત્ર. નથી કોઈ પોતાનું અને નથી કોઈ પરાયું. તેમને સર્વ પ્રત્યે સમદર્શિતા સર્વાત્મમાં સમદ્રષ્ટિ રહે છે. તેમને કોઈ પ્રત્યે રાગ-દ્વેષ થતા નથી. તેઓ નિઃસ્પૃહી હોવાથી, તેમનો સર્વ વ્યવહાર અપેક્ષાવિહીન હોવાથી, કોઈનો પણ ગમે તેવો કટુ વ્યવહાર હોય તોપણ તેઓ કોઈ પ્રતિક્રિયા કરતા નથી. અજ્ઞાનમદિરામાં મસ્ત થઈને ચાલી રહેલો કોઈ જીવ તેમની સાથે અથડામણમાં ઊતરે તોપણ તેઓ ક્રોધાદિ કરતા નથી. નુકસાન કરનારનું પણ હિત સાધવામાં તેઓ પ્રવૃત્ત હોય છે અને તે પણ સહજ રીતે. દીપ જાતે બળે છે, પણ બદલામાં વિશ્વને પ્રકાશ જ આપે છે. ધૂપ જાતે સળગે છે, પણ બદલામાં સર્વત્ર સુગંધ જ ફેલાવે છે. વૃક્ષ પોતે પથ્થરનો માર સહન કરે છે, પણ બદલામાં મારનારને ફળ જ આપે છે. આ બધું જેમ સહજ ભાવથી બને છે, તેમ જ્ઞાનીને સમતા સહજ બની ગઈ હોવાથી સ્વ-પરના કલ્યાણનો સ્રોત ખુલ્લો થઈ જાય છે. તેઓ સમસ્ત જીવોના પરમ હિતકારી મિત્ર બની જાય છે.
આત્મભાન થયા પછી સ્વરૂપમાં જ તત્પર એવા જ્ઞાનીનું ચિત્ત નિરંતર ચૈતન્યસ્વભાવના ભાનમાં જ રહે છે. તેમને શરીરનું લક્ષ પણ રહેતું નથી. તેમને નિશદિન પોતાના શુદ્ધાત્માનું લક્ષ વર્તે છે. તેમને સતત જ્ઞાનસ્વરૂપ આનંદમૂર્તિ આત્માનો લક્ષ હોય છે. એનો દોર તેમણે બાંધી લીધો હોય છે. જેમ કરોળિયો પાણીમાં ચાલી ન શકે, એટલે પોતાની લાળથી લાળનો દોર બાંધીને તેના ઉપર સડસડાટ ચાલ્યો જાય છે; તેમ સમ્યગ્દષ્ટિએ ચૈતન્યની રુચિનો દોર બાંધી લીધો હોવાથી મોક્ષમાર્ગે તેમનો આત્મા સડસડાટ ચાલ્યો જાય છે. પૂર્ણપદની પ્રાપ્તિના માર્ગમાં નિઃશંક થઈ, સ્વસ્થતા અને નિશ્ચિંતતાથી તેઓ આગળ વધે છે. તેઓ નિજ પરમ ઉપાદેયતત્ત્વની આરાધનામાં મગ્ન રહે છે.
આત્માનુભવનો આવો અપાર મહિમા છે. કોઈ ભયાનક સ્વપ્નથી ભયભીત બનેલ વ્યક્તિની માનસિક અવસ્થા અને તેમાંથી જાગી જઈ હળવાશ અનુભવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org