Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જ્યાં જોડાવાથી રાગ-દ્વેષનાં પરિણામ થાય એવાં નિમિત્તોથી તે સહજે દૂર રહે છે. પાંચે ઇન્દ્રિયના વિષયવ્યાપાર શિથિલ થતાં જાય છે. તે આત્મકલ્યાણના પ્રયત્નોમાં લાગી જાય છે. આત્મવિકાસ અને આત્મશુદ્ધિ ઉપર તેનું લક્ષ કેન્દ્રિત થાય છે. (૩) દેશનાલબ્ધિ
જેને ક્ષયોપશમલબ્ધિ પ્રગટી છે અને જેનાં પરિણામ વિશુદ્ધ થયાં છે એ દેશનાલબ્ધિને યથાર્થપણે ગ્રહણ કરી શકે છે. દેશના એટલે ઉપદેશ. આપ્તપુરુષોએ ઉપદેશેલાં તત્ત્વોનું ગ્રહણ તથા તેના ઉપર વિચાર થવો તે દેશનાલબ્ધિ છે. પ્રત્યક્ષ સદ્ગુરુ આદિના યોગ દ્વારા તત્ત્વાર્થનાં ગ્રહણ, ધારણ તથા વિચારણાની પ્રાપ્તિ થવી તેને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે. નરકાદિ ગતિમાં જ્યાં ઉપદેશ આપનાર કોઈ નથી, ત્યાં પૂર્વભવમાં રહણ કરેલા તત્ત્વાર્થના સંસ્કારબળથી આ લબ્ધિ પ્રાપ્ત થાય છે.
સદ્ગુરુ દેશના દ્વારા આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે. તેઓ વિશ્વવ્યવસ્થા, વસ્તુવ્યવસ્થા, છ દ્રવ્ય, નવ તત્ત્વ, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર આદિનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે. સદ્દગુરુએ બોધેલું તત્ત્વજ્ઞાન સુપાત્ર જીવના અંતરને સુવાસિત કરે છે. તે સગુરુની દેશના સાંભળે છે અને લક્ષમાં લે છે. દેશનાનો અને દેશનાદાતાનો પુનઃ પુનઃ પરિચય, તેમના પ્રત્યે અપાર પ્રીતિ, પ્રમોદ અને પ્રતીતિનું પ્રાગટ્ય તે જ દેશનાલબ્ધિની સાર્થકતા છે. તે સગુરુના તત્ત્વોપદેશનો વારંવાર અભ્યાસ કરે છે. તે તત્ત્વનો વિચાર કરે છે અને તેનું જ વારંવાર ઘોલન કરે છે. આ રીતે પ્રવર્તતાં “મારું સ્વરૂપ આવું જ છે' એવી બુદ્ધિપૂર્વકની દઢ પ્રતીતિ તેને થાય છે. તેને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર તાલાવેલી જાગે છે. દેશનાલબ્ધિ એ જીવની મોક્ષયાત્રાનું અતિ મહત્ત્વનું સોપાન છે, કારણ કે કલ્યાણ સ્વરૂપ સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમના પરમ આધારભૂત અવલંબને તે પોતાના કલ્યાણ મહેલનો મક્કમ પાયો અહીં રચે છે. (૪) પ્રાયોગ્યલબ્ધિ
સત્તાગત કર્મોની સ્થિતિ સ્વયં ઘટીને માત્ર અંતઃકોડાકોડી સાગરપ્રમાણ રહી જાય એવાં આત્માનાં પરિણામ થવાની યોગ્યતા પ્રાપ્ત થવી તે પ્રાયોગ્યલબ્ધિ છે. ઉપરોક્ત ત્રણ લબ્ધિઓને પ્રાપ્ત થયેલ જીવ વિશુદ્ધતાની વૃદ્ધિ કરે અને તેના આયુકર્મ સિવાયનાં સાતે કર્મોની સ્થિતિ ઘટીને માત્ર અંતઃકોડાકોડી સાગરોપમથી ન્યૂન કાળ થઈ જાય તેમજ તે કર્મોની ફળ આપવાની શક્તિ નિર્બળ બની જાય, નવો કર્મબંધ પણ આયુકર્મ છોડીને અંતઃકોડાકોડી સાગરોપમના સંખ્યામા ભાગ જેટલો થાય અને તે પણ આ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જાય તથા કેટલીક પાપ પ્રકૃતિઓનો બંધ ક્રમથી મટતો જાય ઇત્યાદિ અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org