Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૨
પ૦૫ પરિણામ સ્વરૂપને અવલંબીને - ત્રિકાળી દ્રવ્યના આશ્રયપૂર્વક અંતર્મુખ થાય છે અને તે જીવ સમ્યકત્વને યોગ્ય બને છે.
અંતર્મુખી જીવને સ્વાનુભવ સિવાય કોઈ પણ ઇચ્છા નથી હોતી. પંચેન્દ્રિયના વિષયોમાં આસક્તિ અને રસનાં તેનાં પરિણામ ફિક્કા પડી ગયાં હોય છે. ‘અણુમાત્ર પણ જગતનો કોઈ પદાર્થ મારો નથી. જગતના પદાર્થોનું જેમ બનવાનું હોય તેમ બનો, મારે તો મારા આત્મહિતનો જ પ્રયત્ન કરવો છે. મારે એક શુદ્ધાત્માનુભૂતિ જ કરવી છે' - આવી દઢ વૃત્તિ તેને પ્રગટી હોય છે. જે જીવને સ્વરૂપની પ્રાપ્તિની અપૂર્વ ભાવના અંતરના ઊંડાણમાંથી જાગી હોય છે, તે જીવ સંવેગપૂર્વક પોતાના ધ્યેય પ્રત્યે પૂરી લગનીથી લાગેલો રહે છે. તેની આ લગની જ કાર્યને સિદ્ધ કરી આપે છે. તેની પર્યાયદૃષ્ટિ છૂટતી જાય છે અને દ્રવ્યદૃષ્ટિ ઘુંટાતી જાય છે. પર્યાય દ્રવ્ય તરફ ઝૂકવા લાગે છે, દ્રવ્યને ભેટવા આતુર બને છે. પોતાને નિહાળવાનો રસ વધે છે અને અનુક્રમે સ્વમાં લીનતા સધાતાં સ્વાનુભૂતિ થાય છે.
સ્વાનુભવ થતાં જીવ પોતાના અખૂટ વૈભવને ભોગવે છે. આત્મા જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે અનંત ગુણોનો પિંડ છે. સ્વાનુભૂતિમાં સર્વ ગુણોનું અંશે નિર્મળ પરિણમન થાય છે. સ્વાનુભવમાં તે અનુપમ શાંતિનું વેદન કરે છે. અત્યાર સુધી રાગ-દ્વેષને વેદી રહેલો આત્મા હવે અતીન્દ્રિય આનંદને વેદે છે. જ્ઞાન જ્યારે સ્વને જાણ્યા વિના માત્ર પરને જાણે છે ત્યારે આનંદ ગુણની વિપરીત અવસ્થા થવાથી વ્યાકુળતા વેદાય છે, પરંતુ જ્ઞાન જ્યારે સ્વને એટલે કે પોતાના આત્માને જાણે છે ત્યારે આકુળતાનો અભાવ થઈ અતીન્દ્રિય આનંદનું વેદના થાય છે. તે આનંદ સ્વાધીન, નિરપેક્ષ, બાધારહિત હોય છે. આત્માનો સ્વભાવ આવા ત્રિકાળી, શાશ્વત સુખથી ભરેલો છે, તેમાં દુ:ખનો એક અંશ પણ નથી. આત્મા સુખ વડે રચાયેલો છે. તે પૂર્ણ સુખમય છે, તે સ્વયં સુખસ્વરૂપ છે. તેથી આત્માની અનુભૂતિ થતાં જ સુખની અનુભૂતિ થાય છે. અતીન્દ્રિય આનંદનો કંદ, જ્ઞાનાદિ ગુણોનું ગોદામ એવા આત્મામાં તે એવો ઊંડો ઊતરી જાય છે કે ત્યાંથી બહાર નીકળવું ગમતું જ નથી.
સ્વાનુભવ થતાં અભુત અંતરંગ દશા પ્રગટે છે. સમ્યગ્દર્શન થતાં તે જીવને પાકી ખાતરી થાય છે કે હવે હું મોક્ષના માર્ગમાં છું, મારા ભવનો છેડો આવી ગયો છે. સિદ્ધ ભગવાનની નાતમાં હું ભળી ગયો છું.' શુદ્ધ આત્મદ્રવ્યની શ્રદ્ધા થવા છતાં તેમને હજી સાંયોગિક અવસ્થા રહે છે, અર્થાત્ દેહાદિ સંયોગો સમ્યગ્દર્શન થતાં તરત છૂટા પડી જતા નથી. જેમ સગપણ થયા પછી પિયરમાં રહેતી દીકરીને પિતાના ઘર માટે “આ મારું ઘર છે' એવી ભાવના રહેતી નથી, તેમ જીવને સમકિત થયા પછી દેહાદિ સંયોગો પ્રત્યે મારાપણું રહેતું નથી. તેમને સ્વ-પરની અનુભવપૂર્વકની ઓળખાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org