Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૩૨
ગણવા યોગ્ય છે. આ વિષે શ્રીમદ્ લખે છે
જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ ‘કેવળજ્ઞાન' મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન' છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.''૧
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
શ્રીમદ્ અહીં કહે છે કે કેવળજ્ઞાનનું માહાત્મ્ય બાહ્ય વસ્તુઓથી નહીં પણ નિજ સ્વભાવની અખંડ જાગૃતિના કારણે છે; અને આ પરમાર્થવ્યાખ્યા જ પુરુષાર્થપ્રેરક છે. જો કે તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય છે એમ જાણીને શાસ્ત્રમાં આ જગતલક્ષી વ્યાખ્યાનું કથન કરવામાં આવ્યું છે, જેથી જગતના જ્ઞાન ઉપર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. જિનાગમમાં કેવળજ્ઞાનની જે વ્યવહાર વ્યાખ્યા કરવામાં આવેલ છે, તેની પોતાની પણ એક ઉપયોગિતા છે, તેનું પણ એક મહત્ત્વ છે. જેવી રીતે મ્લેચ્છને મ્લેચ્છ ભાષા વિના સમજાવી ન શકાય, તેમ જગતના જીવોને વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ આપી શકાતો નથી અને તેથી જિનવાણીમાં વ્યવહારનું કથન આવે છે.
બહિર્દષ્ટિ જીવોને કેવળજ્ઞાનનો મહિમા જગાડવા અર્થે આ વ્યવહાર વ્યાખ્યાનું મૂલ્ય છે, પણ જ્યાં આત્મસાક્ષાત્કારનું પ્રયોજન ત્યાં પરલક્ષી વ્યાખ્યા ગૌણ બની જાય છે. શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે તેને ગૌણ કરવા યોગ્ય છે. દવાની બાટલી ઉપર દવાનું નામ છાપવામાં આવે છે, પણ એ તો માત્ર દવાનો સંકેત કરે છે, ખરી દવા તો બાટલીની અંદર હોય છે. જેમ દવાની બાટલીની બહાર લગાવેલી નામની કાપલીને ચાટવાથી દવાનો લાભ મળતો નથી, તેમ વ્યવહારનાં કથનનો આશ્રય કરવાથી પરમાર્થ સધાતો નથી. ગંગા નદીની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ વગેરે સંબંધી ભૌગોલિક માહિતી તો નકશામાંથી મળી જાય છે, પણ તેનાથી કોઈની તરસ છિપાતી નથી. વ્યવહારનાં કથનો પણ નકશાની નદી જેવાં છે. તે દ્વારા વસ્તુસ્થિતિને સમજી તો શકાય છે, પણ તેના આશ્રયથી આત્માનુભવ કરી શકાતો નથી. શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે શુદ્ધ સ્વભાવનો લક્ષ આવશ્યક બને છે. બહાર જતી વૃત્તિઓને અંતર્મુખ કરવાનું પ્રયોજન હોય ત્યાં નિશ્ચયને મુખ્ય કરવાનો હોય છે. જ્યાં શુદ્ધાત્માની પ્રસિદ્ધિનું પ્રયોજન હોય ત્યાં શુદ્ધાત્માનું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૮ (પત્રાંક-૬૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org