________________
ગાથા-૧૧૩
૫૩૧ કરતું. પોતાની સર્વ શક્તિ પોતામાં કામ કરે છે, પરમાં તે જરા પણ કામ નથી કરતી. એક પરમાણુમાં પણ ફેરફાર કરવાનું કોઈ સામર્થ્ય આત્મામાં નથી, છતાં આત્માનો સ્વભાવ સ્વયંમાં પૂર્ણ છે. દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન પોતપોતાને કારણે થાય છે. દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય સહજ રીતે, પોતાના ક્રમ પ્રમાણે કરતાં રહે છે અને એમાં જ બધાંની સુંદરતા છે અને એ જ આ વિશ્વની વ્યવસ્થા છે. વિશ્વ અને કેવળી ભગવાન વચ્ચે માત્ર જ્ઞેય-જ્ઞાતારૂપ સંબંધ છે. કેવળી ભગવાન પરના પરિણમનમાં કાંઈ કરતા નથી. પર તેમના જ્ઞાનનું જ્ઞેયમાત્ર છે. આમ, કેવળી ભગવંતને આત્માનું અખંડ જ્ઞાન વર્તે છે અને તેની સાથે સમસ્ત પદાર્થોનું જ્ઞાન પણ વર્તે છે, પરંતુ તેઓ પરજ્ઞેયમાં લુબ્ધ નથી થતા કે પરના પરિણમનમાં કાંઈ હસ્તક્ષેપ નથી કરતા. કેવળી ભગવાન પોતાના નિજસ્વભાવના વેદનમાં મગ્ન હોય છે.
માત્ર નિજસ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે તેને કેવળજ્ઞાન કહેવા યોગ્ય હોવા છતાં, ‘અનંત જ્ઞેય પદાર્થોને જાણે તે કેવળજ્ઞાન' અથવા ‘ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળના વ્યવસ્થિત ભાવ જેમાં પ્રગટ થાય તે કેવળજ્ઞાન' એવી કેવળજ્ઞાનની પરલક્ષી વ્યાખ્યા જ લોકસમૂહને વિષે પ્રચલિત છે; અને તેનું કારણ એ છે કે જગતના બહિર્દષ્ટિ જીવોને લોકાલોક જાણવામાં જ કેવળજ્ઞાનનો મહિમા ભાસે છે. લોકાલોકને જાણવું તે કેવળજ્ઞાન અથવા ભૂત-ભવિષ્યને જાણવું તે કેવળજ્ઞાન એ કથન વ્યવહારથી છે, ઉપચારથી છે, નિમિત્તથી છે. મૂળ વસ્તુને બતાવનાર નિશ્ચયનય છે, વ્યવહારનય તો પરના આધારે વસ્તુને બતાવે છે. સ્વરૂપમાં નિરંતર રહેવારૂપ જે કેવળજ્ઞાનની વ્યાખ્યા છે એમાં સ્વવસ્તુ ઉપર લક્ષ કરવામાં આવે છે, જ્યારે લોકાલોકને જાણવારૂપ જે કેવળજ્ઞાનની વ્યાખ્યા છે તેમાં પરવસ્તુ ઉપર લક્ષ કરવામાં આવે છે. સર્વ આભાસથી રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ જ્ઞાન વર્તે તે કેવળજ્ઞાનની મુખ્ય, યથાર્થ, નિશ્ચયનયથી કરેલી વ્યાખ્યા છે. જ્ઞાનની નિર્મળતા થતાં તેની સ્વપરપ્રકાશક શક્તિના કારણે પરવસ્તુ સહેજે જણાય છે. કેવળીભગવંતને ત્રણ કાળ અને ત્રણ લોકવર્તી સમસ્ત પદાર્થો જણાય’ તે કેવળજ્ઞાનની ગૌણ, ઉપચારથી, વ્યવહારનયથી કરેલી વ્યાખ્યા છે.
નિશ્ચય-વ્યવહારની વાતમાં નિશ્ચયની વાત મુખ્ય હોવા છતાં વર્તમાનમાં તે લગભગ ભુલાઈ ગયા જેવી થઈ ગઈ છે. સામાન્ય જનો તો પ્રાયઃ લોકાલોકના જ્ઞાનને જ કેવળજ્ઞાન સમજે છે. કેવળજ્ઞાનના નામે લોકાલોકના જ્ઞાનને જ મહત્ત્વ આપવામાં આવે છે, તેનાં જ ગીત ગવાય છે. સામાન્યપણે વર્તમાન પ્રરૂપણામાં શેય એવા જગતને અનુલક્ષીને જ કેવળજ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવે છે. આ શેયલક્ષી વ્યાખ્યા તો પરલક્ષી છે, તે સત્ય હોવા છતાં આત્મલક્ષને પુષ્ટિ આપતી નથી; જ્યારે જ્ઞાયકલક્ષી વ્યાખ્યા, જે સ્વલક્ષનું નિરૂપણ કરે છે, તે જ આત્મહિતકારી છે અને તેથી તે પ્રધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org