Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વાસ્તવમાં તેઓ સ્વરૂપરમસતારૂપ કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. અહા! મુનિરાજની અંતરંગ દશા ખરેખર અદ્ભુત છે! અંતરંગ પરિણતિની ધારામાં તો સુખ અને શાંતિનાં પૂર ઉમટ્યાં છે અને સાથે સાથે બાહ્ય શારીરિક અવસ્થા ઉપર પણ ઉપશમરસનો ઢોળ ચડ્યો છે. શરીરનો દેખાવ પણ શાંત, અત્યંત શાંત, જિનપ્રતિમા સમાન જણાય છે.
મુનિરાજે જ્ઞાનને સ્વભાવમય પરિણમાવ્યું છે, તેથી તેઓ સદા જાગૃત રહે છે. આત્મદ્રવ્યના ઉગ્ર આશ્રયે પ્રગટેલી ચારિત્રદશાની શુદ્ધિ, તેમના સ્વસમ્મુખતાના પુરુષાર્થથી સમયે સમયે વધતી જાય છે. ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવે, તેનાથી પોતાને ભિન્ન જાણીને, સ્વભાવમાં નિઃશંક અને નિર્ભય રહીને તેઓ ક્ષણે ક્ષણે આત્મશાંતિની વૃદ્ધિપૂર્વક વીતરાગમાર્ગે પ્રગતિ કરે છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો તેમને સ્વરૂપ સાધવામાં નડતા નથી. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ થવી તે તો પૂર્વનાં પુણ્ય-પાપ અનુસાર છે. તેનો કર્તા આત્મા નથી, પણ સંયોગની અને વિકારની રુચિનો નાશ કરીને પોતાના સ્વભાવમાં વળવું તે તો પુરુષાર્થને આધીન છે. પુરુષાર્થ કરવામાં કોઈ નિમિત્ત કે સંયોગ નડતા નથી. કોઈ બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં રોકતા નથી. મુનિને અનુકૂળ કે પ્રતિકૂળ, ગમે તે સંયોગોમાં સ્વભાવની સાધના તો નિરંતર સધાતી જ હોય છે.
મુનિને પુણ્યની કે અનુકૂળ સંયોગોની રુચિ નથી હોતી, પરંતુ આત્માની રુચિ હોય છે. જેને પુણ્યની રુચિ છે, અનુકૂળ સંયોગોની રુચિ છે, તેને આત્માના સ્વભાવની રુચિ નથી. જેને દેવપદની હોંશ છે, તેને ધર્મની રુચિ નથી. મુનિ દેવપદથી આત્માની મોટપ નથી માનતા. દેવપદ તો શુભરાગરૂપ વિકારનું ફળ છે અને દેવપદનું શરીર - દેવપદનો વૈભવ તો જડ છે. વિકારથી અને જડથી આત્માની શોભા નથી. મુનિને તો પોતાની મોટપ પોતાના સ્વભાવથી જ લાગે છે. તેમને સ્વભાવની રુચિ હોય છે અને દેવપદ આદિ પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તે છે.
મુનિ પ્રતિકૂળતામાં આકુળ-વ્યાકુળ થઈ જતા નથી, કોઈ પણ પ્રતિકૂળ પ્રસંગમાં વિક્ષુબ્ધ થતા નથી. જંગલમાં મુનિ આત્મધ્યાનમાં બેઠા હોય અને ત્યાં વાઘનું ટોળું આવીને તેમને ઘેરી વળે તોપણ મુનિ મનમાં ક્ષોભ નથી પામતા કે “આ વાઘનું ટોળું મારો નાશ કરશે.’ ‘તો અરૂપી જ્ઞાનસ્વરૂપ છું, જ્ઞાનથી ભિન્ન બીજું કાંઈ મારું નથી. મારું જ્ઞાનતત્ત્વ, જે મેં પ્રતીતમાં લીધું છે તે કદી અન્યથા થવાનું નથી. જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે મારા જ્ઞાનસ્વરૂપને અન્યથા કરી શકે. મારું જ્ઞાન અવધ્ય છે, કોઈથી હણાય તેમ નથી, એટલે આ વાઘનું ટોળું મારો નાશ કરવા સમર્થ નથી.' આમ નિઃશંકપણે વર્તતા હોવાથી તેઓ પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્થિર રહે છે. કોઈ દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org