Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૩
૫૨૩
સુગમપણે સમજાય. આ પરમાર્થ આશય સમજ્યા વગર, આશયાંતરથી રુઢિગતપણે કેવળજ્ઞાનની જે વ્યાખ્યા કરવામાં આવે છે તેમાં અને યથાર્થ પરમાર્થ આશય સમજીને જે વ્યાખ્યા કરવામાં આવે છે તેમાં ઘણું અંતર છે. વર્તમાન રુઢિ-અર્થમાં કેવળજ્ઞાનની મુખ્ય વ્યાખ્યાને ગૌણ અને ગૌણ વ્યાખ્યાને મુખ્ય કરવામાં આવી છે. શ્રીમદે કેવળજ્ઞાનની રૂઢિગત વ્યાખ્યાપ્રણાલિકાથી જુદી જ તરી આવે એવી મૂળભૂત અને મૌલિક પરમાર્થવિચારણાથી શાસ્ત્રીય વ્યાખ્યાનો અપૂર્વ પરમાર્થ આશય બતાવી, કેવળજ્ઞાનના સ્વરૂપ ઉપર અલૌકિક પ્રકાશ નાખ્યો છે. આ ગાથામાં શ્રીમદે પ્રકાશેલા કેવળજ્ઞાનના સ્વરૂપ અંગે વિચારણા કરીએ.
આત્માર્થીએ કેવળજ્ઞાન પ્રગટ કરવા અર્થે પહેલાં રાગથી આત્માની ભિન્નતાની તથા જ્ઞાન સાથે આત્માની એકતાની શ્રદ્ધા કરવી જોઈએ અને પછી જ્ઞાનને સ્વરૂપમાં સ્થિર કરી, વીતરાગભાવ પ્રગટ કરી, સંપૂર્ણ એકતા કરવી જોઈએ. પોતાના રાગરહિત શુદ્ધ જ્ઞાયકસ્વભાવના લક્ષે રાગ-દ્વેષ છૂટે છે અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પોતાના રાગરહિત ચૈતન્યસ્વભાવનો વિશ્વાસ કરતાં પર્યાયમાંથી પણ રાગ ટળવા માંડે છે. જીવને પોતાના દોષથી પરલક્ષે રાગ રહે છે, સ્વલક્ષે કદી રાગ-દ્વેષ થતા નથી. દૃષ્ટિ પર તરફથી હટાવી સ્વ તરફ વાળતાં જ નવીન રાગ ઊપજતા અટકી જાય છે. આ જ મોક્ષનો માર્ગ છે. આ જ દુઃખ ટાળવાનો યથાર્થ ઉપાય છે.
જીવે કદી પણ પોતા તરફ જોવાની દરકાર જ કરી નથી. તે વિચારતો નથી કે રાગ સ્વભાવમાં છે કે તેનાથી જુદો છે? આ રાગ પ્રત્યેક સમયે નવો થાય છે કે એક ને એક જ અનાદિ કાળથી ચાલ્યો આવે છે? જ્ઞાની પુરુષો કહે છે કે આત્માનો સ્વભાવ ત્રિકાળી શુદ્ધ છે, તેમાં કશે પણ રાગ નથી. આત્માના સ્વભાવમાં રાગ છે જ નહીં. રાગાદિ પરિણામ સદાકાળ ટકી રહેતાં નથી. તે અનિત્ય છે. રાગ પર્યાયમાં થાય છે, તેથી તેનો કાળ માત્ર એક સમયનો જ છે. એક પર્યાયનો રાગ લંબાઈને બીજી પર્યાયમાં આવી શકતો નથી. એક સમયની ભૂલ પછી બીજા સમયે જીવ સ્વતંત્ર છે કે તેણે સ્વભાવમાં રહેવું કે વિભાવમાં જવું. રાગરહિત આત્મસ્વભાવ પ્રત્યે દૃષ્ટિ નહીં હોવાથી અજ્ઞાની જીવ બીજા સમયે મળેલી આ સ્વતંત્રતાને પરભાવના જોશમાં ખોઈ બેસે છે. પ્રત્યેક સમયે તે ઊંધો પુરુષાર્થ કરી, નવીન નવીન રાગ ઉત્પન્ન કરતો રહે છે અને આ રીતે રાગ લંબાતો રહે છે.
રાગમાં એકત્વબુદ્ધિ થઈ હોવાથી અજ્ઞાની જીવ રાગને પોતાનું સ્વરૂપ માને છે. તે એક સમયની લાગણી જેટલું જ પોતાનું સ્વરૂપ માને છે. રાગ તો એક સમયની વિકૃત અવસ્થા છે. તે વખતે શુદ્ધ જ્ઞાનસ્વભાવ પણ વિદ્યમાન છે જ; પરંતુ મિથ્યાષ્ટિ જીવને એકલો રાગ જ ભાસે છે, પોતાનો જ્ઞાયકસ્વભાવ નથી ભાસતો. જેને સ્વભાવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org