Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૨
૫૧૧
તેઓ પોતાના જ્ઞાનસ્વભાવમાં જ ચર્યા કરતા હોય છે. તેઓ પોતાના સ્વરૂપમાં જ તન્મય હોય છે. તેમને બીજા કશાનું લક્ષ હોતું નથી. તેઓ ઇન્દ્રિયોથી પાર, દેહથી પાર, રાગથી પાર, અતીન્દ્રિય ચૈતન્યપ્રાણરૂપ જીવન જીવે છે. તેમને અતીન્દ્રિય ચૈતન્યજીવનની જ્યોત પ્રગટી છે, તેથી તેઓ દેહાતીત એવું ચૈતન્યજીવન - જ્ઞાનાનંદથી ભરેલું આત્મજીવન જીવે છે.
મુનિની દશા વિદેહી હોય છે. તેમને દેહનું વેદન નથી હોતું, પરંતુ સ્વભાવનું વેદન વર્તી રહ્યું હોય છે. આનંદધામ જ્ઞાયકના ઉગ્ર અવલંબનના બળે તેમને પ્રચુર સ્વસંવેદન પ્રગટે છે. દ્રવ્યસામાન્ય ઉપર દૃષ્ટિ કરતાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન, વીતરાગી આનંદનું અતિશય સંવેદન થાય છે. નિજાત્માનું પ્રચુર સંવેદન, અતીન્દ્રિય આનંદમાં રમણતા, અતીન્દ્રિય આનંદ જે સ્વભાવમાં છે તેની અધિકાધિક વ્યક્તતા તે મુનિનું અંતરલક્ષણ છે.
મુનિરાજને નિજાનંદમાં વિહારપૂર્વકનું ચારિત્ર વર્તે છે. તેઓ ગુણના અગાધ દરિયાના તળિયે પહોંચી ગયા છે. તેઓ અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્ત આનંદપૂર્ણ સ્વભાવમાં ડૂબકી મારે છે અને અતિશય આનંદનો અનુભવ કરે છે. વસવાટ માટે તેમને અંતરનો મહેલ મળી ગયો હોવાથી, ત્યાંથી તેમને બહાર આવવું ગમતું નથી. તેઓ નિજ સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિર થવા તલસે છે. સ્વરૂપમાં પૂર્ણપણે ઠરવા સિવાય તેમને બીજું કાંઈ જોઈતું નથી. જ્ઞાનને સ્વરૂપમાં સ્થિર કરીને, વીતરાગભાવ પ્રગટાવીને, સ્વભાવ સાથે સંપૂર્ણ એકતા કરવા સિવાય તેમને બીજું કાંઈ કરવા જેવું લાગતું નથી. રાગમાં આવવું એ તેમને પરદેશ જવા જેવું લાગે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણનું ધામ એ તેમનો દેશ છે. ત્યાં તેમના સર્વ ગુણોનો પરિવાર વસે છે. તેઓ વિભાવ તજી સ્વદેશ જવા તલસે છે. વહેલી તકે નિજવતનમાં જઈ ત્યાં કાયમ માટે વસવાની તેમને તાલાવેલી જાગી છે.
બહારથી જોતાં મુનિરાજ આત્મસાધના માટે નિર્જન વનમાં એકલા વસે છે, પણ તેમના અંતર તરફ દૃષ્ટિ કરીએ તો તેઓ એકલા પણ નથી અને વનમાં પણ નથી. સહજ જ્ઞાન અને સહજ આનંદ આદિ ગુણોથી ભરેલા નિજસ્વરૂપનગરમાં મુનિરાજ વસે છે. બહારથી જોતાં તેમને ભૂખ-તરસ હોય કે ઉપવાસ હોય, પણ અંતરમાં તેઓ આત્માના આનંદામૃતને આસ્વાદી રહ્યા છે, અતીન્દ્રિય આનંદના ભોજનથી તૃપ્ત અને પુષ્ટ છે. અજ્ઞાનીને એમ લાગે કે ઘનઘોર મેઘલી રાતે મુનિરાજ ભયંકર અંધકારમાં વસે છે, પરંતુ તેમને તો અંદર આત્મજ્ઞાનનાં અજવાળાં પથરાઈ ગયાં છે. બહાર ભલે અંધકાર હોય, પણ તેમની દૃષ્ટિ જ્યાં છે ત્યાં અનુપમ તેજ છે, તેથી તેમને સર્વત્ર પ્રકાશ છે. અજ્ઞાનીને એમ લાગે કે સૂર્યના પ્રચંડ તાપમાં મુનિરાજ બળી રહ્યા છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org