Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૦
૪૬૩
માત્ર ભવ્ય જીવને જ પ્રાપ્ત થાય છે. જેને પૂર્વની ચાર લબ્ધિ પ્રગટી ચૂકી છે તેવા ભવ્ય જીવને જ કરણલબ્ધિ પ્રાપ્ત થાય છે.૧ આ લબ્ધિ ચારે ગતિનાં મંદકષાયરૂપ વિશુદ્ધપણાના ધારક અને સમ્યક્ત્વ તરફ ઝૂકેલા એવા સંજ્ઞી પંચેન્દ્રિય, જાગૃત, સાકાર ઉપયોગયુક્ત ભવ્ય જીવને જ હોય છે. આ લબ્ધિ પ્રાપ્ત થયા પછી સમ્યગ્દર્શન નિયમથી પ્રગટે છે. કરણલબ્ધિના અંત સમયમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. જે ભવ્ય જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે તેનો આત્મવિકાસ પાંચ લબ્ધિના અનુસંધાનમાં જોઈએ
(૧) ક્ષયોપશમલબ્ધિ
જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમની એવી સ્થિતિ કે જેમાં તત્ત્વવિચાર થઈ શકે તે ક્ષયોપશમલબ્ધિ છે. ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય તથા ભાવિ કાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ. દેશધાતી સ્પર્ધકોના ઉદય સહિત કર્મોની એવી અવસ્થા થવી તેનું નામ ક્ષયોપશમ. તેની પ્રાપ્તિ તે ક્ષયોપશમલબ્ધિ છે.
સંજ્ઞી પર્યાપ્ત જીવને આ લબ્ધિ વડે તત્ત્વવિચાર કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ લબ્ધિ વડે જીવ પોતાનાં હિત-અહિત, કલ્યાણ-અકલ્યાણ તથા સુખ-દુ:ખનું યથાર્થ જ્ઞાન કરી શકે છે. સદ્ગુરુના ઉપદેશને યથાર્થપણે ગ્રહણ કરી શકે તથા તે ઉપદેશને જેમ છે તેમ બરાબર સમજી શકે એવો ક્ષયોપશમ તેની પર્યાયમાં પ્રગટ થાય છે.
(૨) વિશુદ્ધિલબ્ધિ
-
ક્ષયોપશમલબ્ધિયુક્ત જીવનાં સંકલેશ પરિણામોની હાનિ થવી તથા શુભ પરિણામોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થવી તે વિશુદ્ધિલબ્ધિ છે. શુભ પરિણામ શાતાવેદનીય વગેરે શુભ પ્રકૃતિઓના બંધનું કારણ છે. તેવાં શુભ પરિણામની પ્રાપ્તિ થવી તે વિશુદ્ધિલબ્ધિ છે. અહીં મોહનીય કર્મનો ઉદય મંદ હોય છે, કષાયભાવ મોળા હોય છે અને પરિણામે તત્ત્વ પ્રત્યે પ્રેમ જાગે છે, તત્ત્વવિચારની રુચિ પ્રગટે છે.
આ ભૂમિકાએ જીવના કષાયો શાંત પડવા લાગે છે. તેને મુક્તિની તીવ્ર ઝંખના હોય છે, અન્ય ઇચ્છાઓ હોતી નથી. અવિનાશી, સ્વાધીન સુખનો ભોક્તા થવા માટે તે ઉત્સાહિત બને છે. તેના મનમાં જન્મ-મરણનાં દુઃખોથી ભરેલા સંસા૨થી છૂટવાનો દૃઢ નિર્ધાર થાય છે. ભવભ્રમણથી તેને થાક લાગે છે. જગતના બધા જીવો પ્રત્યે અંતરથી દયાનો ભાવ પ્રગટે છે. તેનું જીવન શાંત, નિર્મળ, સંયમિત થવા લાગે છે. ૧- જુઓ સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, 'લબ્ધિસાર', ગાથા ૩૩
' तत्तो अभव्वजोग्गं परिणामं वोलिऊण भव्वो हु । करणं करेदि कमसो अधापवत्तं अपुव्वमणियहिं ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org