Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४८८
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્યારે સ્વસંવેદન પ્રગટે છે ત્યારે નિર્વિકલ્પ દશા જ હોય છે, ઉપયોગ અંતરમાં થંભી ગયો હોય છે; પણ એવી નિર્વિકલ્પ દશા લાંબો કાળ ટકતી નથી, એટલે ફરીથી સવિકલ્પ દશા આવે છે. સમ્યગ્દષ્ટિનાં પરિણામ નિર્વિકલ્પ અને સવિકલ્પ એમ બને દશારૂપ થઈને પ્રવર્તે છે. સવિકલ્પ દશામાં આવે ત્યારે અનેક ઉદયપ્રસંગોમાં ઘેરાયેલા હોવા છતાં તેમને સ્વરૂપનું લક્ષ તો રહે જ છે. તેઓ જ્યાં જાય ત્યાં તેમને પોતાના ત્રિકાળી સ્વરૂપની સંધિ તૂટતી નથી, અખંડ જ રહે છે. જીવ જો કોઈ વસ્તુમાં અતિ મમત્વથી વળગ્યો હોય તો તે જીવનાં પરિણામમાં તે વસ્તુ પ્રત્યે રહેલો સર્વસ્વપણાનો ભાવ પ્રદર્શિત થાય છે, તેવી રીતે નિજ અસ્તિત્વમાં રહેલ અનંત જ્ઞાન, દર્શન આદિ ગુણસંપત્તિરૂપ પોતાનું સર્વસ્વ એક વાર ભાસ્યમાન થતાં આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જેમ નજરબંધી કરી હોય તો તેની નજર બીજે જઈ શકતી નથી, તેમ નિજ અસ્તિત્વ નજરાય છે, અર્થાત્ લક્ષમાંથી લક્ષ્ય ખસતું નથી. તેથી જ શ્રીમદ્ કહે છે કે –
આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી.’
સમ્યગ્દર્શન થતાં જે અપૂર્વ આનંદ અનુભવમાં આવ્યો, અંદર અભુત આત્મશાંતિનું જે વેદન થયું, તેનું તેમને વિસ્મરણ થતું નથી અને તેમાં જ ફરી ફરી લીન થવાની ભાવના રહે છે. તેમને આત્માનુભવના વિરહની વેદના થાય છે, તેથી તેમને સ્વરૂપમાં પાછા જવાનો ઉત્સાહ તેમજ તાલાવેલી હોય છે. જેમ કોઈ મનુષ્ય જંગલમાં ગયો હોય અને પાંચ કરોડનો ચરુ મળી આવે, પરંતુ ઉપાડીને લઈ જવાની શક્તિ કે અનુકૂળતા ન હોય તો કોઈ જોઈ ન જાય એમ ચરુને ઢાંકીને તે પાછો ગામમાં આવે, પણ તેનું લક્ષ તો ત્યાં જ હોય કે ક્યારે હું એ ચરુ કાઢીને લઈ આવું'; તેમ જ્ઞાનીએ અનંત ગુણોનો નિધાન એવો પોતાનો સ્વભાવ જોઈ લીધો છે અને હું જ અનંત ગુણોનો રાશિ છું' એવી શ્રદ્ધા અને જ્ઞાન વર્તતાં હોવાથી જ્ઞાનીનું લક્ષ તો એક જ છે કે હું ક્યારે મારા સ્વભાવમાં એકાગ્ર થઈને નિધાન ખોલી નાખું.” આમ, તેઓ આત્મસન્મુખ રહે છે.
જ્ઞાનીને ક્યારેક આત્માનો લક્ષ ન હોય તો પણ તેમને સ્વરૂપ પ્રતીતિ તો સતત વર્તે જ છે. ઉદય અનુસાર સર્વ બનતું રહે છે, પરંતુ અંતરમાં નિજ પરમાત્મસ્વરૂપની પ્રતીતિ સતત રહે છે. હું આ સર્વથી નિરાળો, એક ચૈતન્યસ્વરૂપી છું' એવી પ્રતીતિ નિરંતર રહે છે. લોકોને પોતાના નામની પ્રતીતિ સદા રહે છે. ગમે તેટલા કોલાહલની વચમાં પણ જો કોઈ તેના નામની બૂમ મારે તો તરત તેનું ધ્યાન ત્યાં જાય છે. બાહ્ય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૦ (વ્યાખ્યાનમાર-૧, ૨૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org