Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાગ વખતે પણ રાગ સાથે એકતા થતી નથી. રાગ સાથે તેઓ એકરૂપ થતા નથી. તેમની ભેદજ્ઞાનધારા રાગને અડતી નથી. આવું ભેદજ્ઞાન થયું હોવાથી જે રાગ છૂટો પડ્યો છે તે હવે બહુ સમય સુધી સાથે રહી શકતો નથી. તે રાગ ક્ષણવત પર્યાયમાંથી પણ ચાલ્યો જ જાય છે. જ્ઞાનભાવે પરિણમતા સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પોતાના પુરુષાર્થ વડે રાગધારાને તોડતા અને જ્ઞાનધારાને વધારતા ચાલે છે અને અંતે તેમની રાગધારા નષ્ટ થઈ જાય છે અને એકલી જ્ઞાનધારા રહી જાય છે.
રાગ વખતે પણ જ્ઞાનીની જ્ઞાનધારા તો એવી ને એવી જ વર્તે છે અને તેથી જ તે વખતે પણ મોક્ષ સાધવાનું તેમનું કાર્ય ચાલુ જ રહે છે. જ્ઞાનધારા કાયમ રહેતી હોવાથી જ્ઞાનીનો રાગનો રસ તૂટી ગયો હોય છે. સામાન્યપણે રસનું સ્વરૂપ એવું છે કે જ્ઞાનમાં જે શેય આવે તેમાં જ્ઞાન તદાકાર થાય, અર્થાત્ તેમાં લીન થઈ જાય અને અન્ય શેયની ઇચ્છા પણ ન રહે. જ્ઞાનીને દાનમાં એકાકાર થઈ જવારૂપ રસ હોય છે. અને અજ્ઞાનીને શેયમાં એકાકાર થઈ જવારૂપ રસ હોય છે. રાગ અને પરમાં એકાકાર થઈને રસ લેવાનું જ્ઞાનીને ગોઠતું નથી.
જ્ઞાનનો ઉપયોગ બહાર જાય છે, પણ એ ઉપયોગ રસ વિનાનો હોય છે. સ્વરૂપમાં સ્થિર ન રહી શકાતું હોવાથી ઉપયોગ બહાર આવે તોપણ બધું ફોતરાં જેવું, અર્થાતુ રસકસ વિનાનું લાગે છે. જ્ઞાનાનંદ એ પોતાનું સ્વરૂપ છે, આ રાગાદિ તો ફોતરાં સમાન નિઃસાર છે - એવી જાગૃતિ તેમને કાયમ વર્તે છે. સક્કરકંદ અંદરથી મીઠાશનો પિંડ છે, જે એનો કસ છે અને ઉપરની છાલ તો કસ વિનાની નિઃસાર છે; તેમ જ્ઞાનીને નિજાત્માનાં જ્ઞાન, આનંદ અને ધ્રુવ સ્વભાવમાં જ રસ લાગે છે અને રાગાદિ તેમજ બહારના સંયોગ કસ વિનાનાં, નિઃસાર લાગે છે. તેમને બહાર કસ દેખાતો નથી, માટે તેમાં રસ રહેતો નથી. રસકસ તો માત્ર આત્મામાં છે. જેમ એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં, તેમ જેને આત્માનો રસ હોય તેને રાગાદિનો રસ ઊડી જાય અને રાગાદિનો રસ હોય તેને આત્માનો રસ આવી શકે નહીં. જ્ઞાનીને આત્માનો રસ હોવાથી રાગનો તથા બાહ્ય વિષયોનો રસ છૂટી જાય છે.
આત્માના અપરિમિત આનંદનો સ્વાદ જેમને અનુભવમાં આવ્યો છે એવા જ્ઞાનીને તો તે આનંદદશા છોડીને બહાર કશે પણ ગમતું નથી. ચૈતન્યસુખનો અનુભવ કર્યા પછી વિષયસુખ તુચ્છ લાગે છે. અંતરના ચૈતન્યસુખ પાસે વિષયસુખ આકુળતારૂપ લાગે છે. ચૈતન્યસુખનો સ્વાદ ચાખી લીધો હોવાથી સ્વપ્નમાં પણ પરમાં સુખબુદ્ધિ થતી નથી. આત્માના પ્રેમ સિવાય બીજે કશે પણ પ્રેમ આવતો નથી. આત્માના અચિંત્ય મહિમા આગળ જગતની કોઈ વસ્તુનો મહિમા લાગતો નથી. પોતાના અનુભવજ્ઞાન વડે શુદ્ધ સ્વરૂપનો અપરંપાર મહિમા જાણ્યો હોવાથી તેમનું ચિત્ત હવે જગતના કોઈ પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org