Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૬૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ગ્રંથિભેદ કરી શુદ્ધ સમકિતને પ્રાપ્ત કરે છે.
જ્યાં સુધી જીવ અપૂર્વ આત્મપરિણામરૂપ ભાવોલ્લાસ પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ સ્કુરાવી, અસાધારણ પ્રયત્ન દ્વારા પોતાના સર્વ સામર્થ્યથી ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગનો ભેદ કરવામાં પ્રવર્તતો નથી; ત્યાં સુધી તે સ્વાનુભવરૂપ કાર્યમાં સફળ થતો નથી. આ અપૂર્વ પુરુષાર્થ હુરાવવા અર્થે જીવને મૂર્તિમાન મોક્ષરૂપ સદ્ગુરુનાં વચનામૃત, મુદ્રા, સત્સમાગમ અને આજ્ઞાનું અવલંબન પરમ ઉપકારી છે. પોતાનાં મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે જીવ સદ્ગુરુના લક્ષે આત્મસાધના કરે છે, તે ક્રમે ક્રમે અંતરશુદ્ધિ પામી, અપૂર્વ આત્મપરિણામરૂપ ભાવોલ્લાસ પ્રગટાવી, અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ કરી શુદ્ધ સમકિત પામે છે.
અનંત જન્મ-મરણને છેદવાવાળું કોઈ હોય તો તે એકમાત્ર સમકિત જ છે. સમ્યગ્દર્શન સ્વરૂપની ભ્રાંતિ ઉત્પન્ન થવા દેતું નથી. સમ્યગ્દર્શન એક એવો બળવાન યોદ્ધો છે કે જેના પ્રભાવથી કર્મરૂપી સર્વ યોદ્ધા દૂરથી જ પીઠ દેખાડીને ભાગવા લાગે છે. સમ્યગ્દર્શન જ અનંત ગુણોના પ્રાગટ્યનું મૂળ છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. અનંત કાળમાં, અનંત વાર, અનેક પ્રકારે સાધના કરવા છતાં તેની પ્રાપ્તિ થઈ નથી એ જ તેની દુર્લભતા સિદ્ધ કરે છે. તેથી વિચારવાન જીવે સમ્યકત્વની પ્રાપ્તિ કઈ રીતે થાય તેનો ઊંડાણથી વિચાર કરવો જોઈએ.
અનાદિ કાળથી આજ પર્યત યમ, નિયમ, સંયમ, શાસ્ત્રાધ્યયન આદિ સાધનો અનંત વાર કરવા છતાં સમ્યગ્દર્શન તો થયું નહીં, ઊલટાં તે સર્વ સાધનો બંધનરૂપ નીવડ્યાં, કારણ કે તે સાધનો સદ્ગુરુની આજ્ઞાએ થયાં ન હતાં. જે જીવ પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન લેતો નથી, તે જીવની બધી જ કરણી નિષ્ફળ જાય છે અને તે સંસારમાં અનંત કાળ પર્યત પરિભ્રમણ કરે છે. પરમાર્થસ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારો અજ્ઞાની જીવ પોતાની રીતે ધર્મ કરવા ઇચ્છે છે અને તે પોતાની મતિકલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરે છે. તે બાહ્ય ધર્મપ્રવૃત્તિઓમાં સ્વચ્છેદથી વર્તે છે અને બહિર્ભાવે પ્રવર્તતો હોવા છતાં તેમાં પરમાર્થ-આરાધનની કલ્પના કરે છે. આ તેની મોટી ભ્રાંતિ છે. જીવ જેનાથી અનાદિથી અજાણ છે તેવા પરમાર્થના વિષયમાં મતિકલ્પનાથી આગળ વધી શકાતું નથી. નિજકલ્પનાથી અંતર્મુખ પરિણમન થતું નથી. સદ્ગુરુની આજ્ઞા વિના સ્વચ્છેદે કરેલું કોઈ પણ સાધન કાર્યકારી થતું નથી. શ્રીમદ્ પ્રકાશે છે –
સ્વચ્છેદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે.' ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૭૭ (ઉપદેશનોંધ-૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org