Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૦
૪૭૫
સદ્ગુરુના બોધનો વિચાર અને સદ્ગુરુની દશાનું અવલોકન કરતાં તેનું જીવન આત્મમય બનતું જાય અને તે પોતાના આત્મસ્વરૂપમાં લીન થવા તત્પર બને છે. જ્ઞાનાનંદસ્વરૂપની ઉપાસના કરી સમ્યગ્દર્શનરૂપી અણમોલ રત્ન પામું એવી ભાવનાનું તે નિરંતર ઘોલન કરે છે અને પોતાના જ્ઞાનસ્વભાવનો અગાધ મહિમા ચિંતવે છે. તેને આત્માની જ ઇચ્છા તથા ઝંખના વર્તે છે. આત્માની રુચિ એવી તીવ્ર થઈ જાય છે કે સંસાર તરફ તેની દૃષ્ટિ જતી નથી. પરની રુચિ ઘટતાં અને આત્માનો મહિમા અંતરમાં વધતાં તેનું વીર્ય ઊછળે છે.
સ્વરૂપની આવી ખુમારી સહિત આત્મસ્વરૂપને સાધવા નીકળેલો જિજ્ઞાસુ જીવ આત્મસાધનાના પંથે ઝડપથી આગળ વધે છે. કર્મના ઉદય અનુસાર જે સંગ-પ્રસંગ આવે, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો જે પણ સંયોગ પ્રાપ્ત થાય, તેમાં તે આત્મસ્મરણપૂર્વક રહેવાનો - ટકવાનો યથાર્થ અભ્યાસ કરે છે. આત્મસ્વભાવને લગતા અનેક પ્રકારના વિચારો વડે તે સ્વભાવના મહિમાને વધારે ને વધારે પુષ્ટ કરતો જાય છે. ક્યારેક પોતે જ્ઞાનસ્વરૂપ છે એવા વિચાર હોય, તો ક્યારેક સિદ્ધ જેવું પોતાનું આત્મસ્વરૂપ છે એવા વિચાર હોય, તો ક્યારેક આત્માની અનંત શક્તિના વિચાર હોય, તો ક્યારેક સદ્ગુરુની આત્મદશાના વિચાર હોય. કોઈ પણ પ્રકારે પોતાના સ્વભાવ તરફ વળવાના વિચાર જિજ્ઞાસુ જીવને હોય છે. નિરંતર આતમભાવના ભાવતાં પરનો રસ તૂટીને ચૈતન્યનો રસ ઘૂંટાય છે, એટલે કે તેની પરિણતિ સ્વભાવ તરફ ઉલ્લસતી જાય છે.
પ્રત્યેક પ્રસંગમાં ભેદજ્ઞાન પ્રગટાવી પરદ્રવ્ય-પરભાવથી આત્મસ્વભાવની ભિન્નતાના સંસ્કાર તે સિંચે છે. એ સંસ્કારથી અનાદિના મિથ્યાત્વ ઉપર હથોડા પડતા જાય છે. ‘હું અનંત ગુણોના પિંડરૂપ એક ચૈતન્યતત્ત્વ છું, પુદ્ગલપિંડ અને રાગાદિ ભાવો સાથે મારો મેળ નથી. હું તેનાથી ભિન્ન નિત્ય શાશ્વત શાયક આત્મા છું. પુદ્ગલાદિ તો પ્રગટ જડ છે અને હું તો ગુપ્ત ચેતન છું. જડ તો પ્રગટ ઇન્દ્રિયગોચર છે અને હું તો અતીન્દ્રિય ચેતન છું. તેલ અને પાણીની જેમ તેની અને મારી વચ્ચે સર્વથા ભિન્નતા છે. મારી ચેતનામાં આનંદ વગેરે અનંત ગુણો સમાય છે, પણ રાગાદિ કોઈ પરભાવો તેમાં સમાતા નથી. તે તો ચેતનાથી જુદા જ સ્વરૂપવાળા છે.' આવા વિચારો વડે ભેદજ્ઞાનની દઢતા વધતી જાય છે.
સ્વરૂપાનુસંધાનની સાધનામાં પ્રથમ ‘હું શરીરવાળો, કર્મવાળો, રાગવાળો નથી’ એમ નાસ્તિથી આત્મસ્વરૂપની તે ભાવના કરે છે. સર્વ સંયોગ અને સંયોગી ભાવથી ભિન્નતાના વિચારથી પરિણામને સ્થિર કર્યા પછી તેને પરના વિચાર છૂટીને નિજ સ્વરૂપના વિચાર રહે છે. નાસ્તિના વિચારો ગૌણ થઈને ‘હું એક, અભેદ, અસંગ, નિર્વિકલ્પ, પરમ શુદ્ધ, ચિદ્ધાતુ છું; જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org