Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪પર
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્યારે તીવ્ર રસ સહિત પરમાં સ્વપણું થઈ જાય ત્યારે અંતરમાં એવી અરેરાટી થાય છે કે જાણે બહુ મોટો ગુનો થઈ ગયો હોય.
કોઈ પણ ઉદયપ્રસંગમાં તીવ્ર રસ સહિત પ્રવર્તન ન કરવું તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. એ કારમાં પ્રવેશ ત્યારે જ થઈ શકે કે જ્યારે સર્વ ઉદયપ્રસંગો આત્માથી હીન તેમજ ભિન્ન નિશ્ચિત થયા હોય અને પરની કિંમત અભિપ્રાયમાંથી નીકળી ગઈ હોય; નહીં તો ઉદયભાવનો રસ ઊપજ્યા વિના રહેતો નથી કે જે આત્મરસનો પ્રતિબંધક છે. વિભાવરસની તીવ્રતાના કારણે જીવની સત્ય સમજવાની યોગ્યતા હાનિ પામે છે અને જ્ઞાન તેની સૂક્ષ્મતા, શાંતિ, ગંભીરતા ગુમાવે છે. નિજ અવલોકનના કારણે વિભાવરસની માત્રા અલ્પ પણ વધી તો શકતી જ નથી, સાથે સાથે તે ઘટતી પણ જાય છે. તેનો રસ મંદ પડતો જાય છે. જ્યારે આત્મલક્ષે વિભાવરસ ગળે છે ત્યારે આત્માનુભૂતિની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. આંતર અવલોકનના કારણે રાગરસ ફિક્કો પડતાં સ્વભાવની જાગૃતિ રહે છે, તેનાં રસ-રુચિ વૃદ્ધિ પામે છે અને પરિણામે સ્વદ્રવ્યના ગ્રહણની તક સુલભ થાય છે. તેથી જિજ્ઞાસુ જીવ વિભાવરસને તીવ્ર બનતો અટકાવવા આંતર અવલોકન કરે છે.
આંતર અવલોકન કરતાં જિજ્ઞાસુ જીવ તપાસે છે કે પોતાને અનુકૂળ સંયોગોની અપેક્ષા કેટલી રહે છે? તેની પ્રાપ્તિ થતાં પ્રીતિ, ઉત્સાહ, રસ વર્તે છે કે નહીં? તેમાં પહેલાં કરતાં કંઈ ફરક પડ્યો છે કે નહીં? પ્રતિકૂળ સંયોગોની સંભાવનાથી કેટલું ભયભીત અને ચિંતિત થવાય છે? તેની પ્રાપ્તિ થતાં મનમાં આકુળતા-વ્યાકુળતા થાય છે કે નહીં? પહેલાં કરતાં તેનું કંઈ અલ્પત્યુ થયું છે કે નહીં? આમ, ઉદય સાથેના પોતાના જોડાણનું તથા એ દોષ કયા વિપરીત અભિપ્રાયના કારણે થયો છે તેનું તે અવલોકન કરે છે. પોતાના ધ્યેયમાં નડતરરૂપ બનતા પોતાના દોષોનું સૂક્ષ્મતાથી અવલોકન કરે છે.
નિજ અવલોકનથી જિજ્ઞાસુ જીવમાં પોતાના દોષો પ્રત્યે એક નવીન જાગૃતિ આવે છે. જેમ કોઈ છાપરાના કાણામાંથી પ્રકાશનું કિરણ બંધ ઓરડામાં પ્રવેશે છે ત્યારે એ તેજરેખામાં હજારો ધૂળનાં કણ ઊડતાં દેખાય છે. એ ધૂળનાં કણ અંધારાના કારણે પહેલાં દેખાતાં ન હતાં અને હવે તેજોમય પ્રકાશના કિરણમાં તે દેખાવા લાગે છે. તેમ દોષોના અસ્તિત્વ પ્રત્યે અજાગૃતિ હોવાથી તે દેખાતા નથી. નિજ અવલોકન એ તેજરેખા છે. તે તેજરેખામાં પહેલાં ન દેખાતા દોષો દેખાય છે. નિજ અવલોકનથી દોષોની ઓળખ એટલી બધી સ્પષ્ટ થાય છે કે તે દોષોની બધી સૂક્ષ્મ વિગતો તથા તેની પાછળ રહેલ અભિપ્રાયનું બળ પકડાવા લાગે છે, વિભાવની શક્તિ મોળી પડે છે અને ક્રમશઃ આત્મવિકાસ સધાતાં સધાતાં અંતે પૂર્ણપ્રકાશમય એવા નિજપદની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org