Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નથી. ઉપર ચડી રહેલ વેલાના માર્ગમાં જે અવરોધ આવે છે તેના ઉપર વીંટળાઈને તે આગળ વધે છે; વહેતા પાણીના માર્ગમાં અવરોધ આવે છે ત્યારે તે તેને તોડીને અથવા તો રસ્તો બદલીને આગળ વધે છે; ઊડી રહેલો ગરુડ તોફાની પવન ફૂંકાવા માંડે ત્યારે ગડથોલું ખાઈ જવાને બદલે વધારે ઊંચે જઈને ઊડવાનું ચાલુ રાખે છે; તેમ જિજ્ઞાસુ જીવ સદા ઉત્સાહવંત રહી, દરેક સમસ્યાનો સામનો કરી આત્મપ્રાપ્તિના મહાન કાર્યમાં આગળ ધપે છે. તેનો પુરુષાર્થ ઉગ્રપણે ઊપડે છે. તેને એવી ધૂન ચડે છે કે આત્મા સિવાય અન્ય બધું ગૌણ થઈ જાય છે. તેને એક આત્મા માટે જ સ્નેહ આવે છે. માથું પાણીમાં હોય ત્યારે શ્વાસ માટે જેવી ઉત્કંઠા હોય, એવી ઉત્કંઠા જિજ્ઞાસુ જીવને આત્માને પામવા માટે જાગે છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે આત્મપ્રાપ્તિ બહુ નિકટ હોય છે. આવી તાલાવેલી જાગે ત્યારે આત્મપ્રાપ્તિ જરૂર થાય છે.
કોઈ પ૨પદાર્થની મને લાલસા નથી, મારે માત્ર આત્મા જ જોઈએ છે', એવી જેને તીખી તમન્ના જાગે તેને માર્ગ મળે જ છે. જગતની તમામ સ્પૃહા છોડી, ‘મારે મારું અસ્તિત્વ જ જોઈએ' એવી અંદર જવાની તીખી તમન્ના જાગે તો આત્મા પ્રાપ્ત થાય જ, પ્રગટ થાય જ. પાણી વગર માછલીને જેવો તરફડાટ થાય, એવો તરફડાટ જ્યારે સંસારમાં થાય ત્યારે આત્મજ્ઞાનની ઉપલબ્ધિ સત્વરે થાય છે, સત્ત્નું અનાવરણ થઈને જ રહે છે. સત્ત્ની આડે રહેલાં સર્વ પડળ હટી જાય છે. સર્વ દ્વાર તેના માટે ખૂલી જાય છે.
જિજ્ઞાસુ જીવને સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના હોવાથી તે સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ બોધને માત્ર વિચારની મર્યાદામાં બાંધી ન રાખતાં શીઘ્રતાથી પ્રયોગની સરાણે ચડાવે છે. સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર ભાવનાના કારણે સદ્ગુરુનો બોધ માત્ર બૌદ્ધિક સ્તર પૂરતો સીમિત ન રાખતાં હવે તે પ્રયોગપદ્ધતિ અપનાવે છે. આ જ યથાર્થ કાર્યપદ્ધતિ છે. વિચારથી આગળ વધીને પ્રયોગ કરતાં પુરુષાર્થ ઊપડે તો જ્ઞાનદશા પ્રાપ્ત થાય તેવો ક્રમ છે. માત્ર વિચારમાં રોકાવાથી કાર્ય સધાતું નથી, પ્રયોગ પણ થવો જોઈએ. જિજ્ઞાસુ જીવને સ્વકાર્ય કરવાનો ઉત્સાહ હોવાથી સદ્ગુરુનો બોધ માત્ર વિચારની મર્યાદામાં ન રહેતાં પ્રયોગમાં આવે છે. આત્મરુચિના કારણે સ્વરૂપ પ્રત્યેનું આકર્ષણ રહ્યા કરે છે, પરિણામે પ્રયોગની પ્રધાનતા પ્રવર્તે છે. નિર્ણયમાં વસ્તુ પરોક્ષ રહે છે, પરંતુ વેદનમાં પ્રત્યક્ષપણે સ્વરૂપનું ગ્રહણ થાય છે, તેથી જિજ્ઞાસુ જીવ નિજ અસ્તિત્વને વેદવા, અર્થાત્ સ્વરૂપને વેદન દ્વારા ગ્રહણ કરવા અંતરશોધ કરે છે. હવે અંતરજાગૃતિપૂર્વક તે નિજ અવલોકન કરતો રહે છે અને ભેદજ્ઞાનના પુરુષાર્થપૂર્વક જ્ઞાનમાત્રમાં સાવધાની રાખે છે.
જિજ્ઞાસુ જીવ પ્રયોગાત્મક અભ્યાસની રુચિવાળો હોવાથી તે નિજભાવોનું સૂક્ષ્મપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org