________________
४४८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વચનામૃત પ્રેમથી સાંભળે છે, શ્રદ્ધાથી સ્મૃતિમાં ધારણ કરે છે, સુવિચારણાથી હાર્દ સમજી એને અંતરથી અંગીકાર કરે છે. સદ્ગુરુ જ્ઞાયકસ્વભાવની ખુમારીનાં ગાણાં ગાય, આત્માનાં સુખ-શાંતિ-સામર્થ્યનો બોધ વરસાવે અને જો જીવ સ્વભાવ તરફ દોટ ન મૂકે તો સદ્દગુરુનાં વચનોનું શ્રવણ ફળદાયી ન થાય. જિજ્ઞાસુ જીવ તો, તરસ્યાને શીતળ જળનો ઘડો બતાવવામાં આવે અને તે જેવી રીતે તે તરફ ધસે, તેવી રીતે સદ્ગુરુનો બોધ સાંભળીને સ્વભાવ તરફ દોટ મૂકે છે. જેમ મકાન ઉપર ત્રાંબાનો તાર ગોઠવીને તે તાર જમીનમાં ઉતાર્યો હોય તો, જ્યારે ઉપરથી વીજળી પડે છે ત્યારે વીજળી તે તાર દ્વારા સીધી જમીનમાં ઊતરી જાય છે; તેમ જિજ્ઞાસુ જીવને ચૈતન્યની રુચિરૂપ તાર આત્મા સાથે જોડાયો છે, તેથી તેના ઉપર જ્યારે સદગુરુના બોધરૂપી વીજળી પડે છે ત્યારે તે બોધ રુચિરૂપ તાર દ્વારા તરત જ આત્મામાં ઊતરી જાય છે. આવો સત્પાત્રદશાવાન જીવ સદ્ગુરુશરણમાં અલ્પ પ્રયાસે સિદ્ધિને વરે છે.
અપરંપાર કરુણામાંથી પ્રવહેલ સગુરુનો બોધ શ્રવણ કરતાં જિજ્ઞાસુ જીવને પોતાના આત્મસ્વરૂપની સમજ પ્રાપ્ત થાય છે. અંતરની સાચી લગનીપૂર્વક તે સદ્ગુરુના બોધની યથાર્થ વિચારણા કરે છે. તે પોતાના મિથ્યા અભિપ્રાયોને સવળા કરે છે. મુમુક્ષુની ભૂમિકા, અભિપ્રાયને બદલવાની ભૂમિકા છે. જેટલા પણ વિપરીત અભિપ્રાયો છે તે મુમુક્ષુની ભૂમિકામાં બદલાય છે અને યથાર્થતાને પામે છે. જિજ્ઞાસુ જીવના વિપરીત અભિપ્રાયો સદ્ગુરુના બોધની વિચારણાથી મોળા પડે છે, ઢીલા પડે છે.
જિજ્ઞાસુ જીવ અભિપ્રાયમાં એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ભેળવતો નથી. જીવાદિ છ દ્રવ્યની ભિન્નતા અને સ્વતંત્રતા તેના નિર્ણયમાં દઢ થાય છે. તેને દઢ નિર્ધાર થાય છે કે “હું શુદ્ધ જ્ઞાયક છું. આ શરીરાદિ કંઈ જ મારું નથી. હું સર્વથી ભિન્ન છું. નોકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મથી સર્વથા પ્રકારે હું મુક્ત છું. હું મારાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પૂર્ણ છું અને પરવસ્તુનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાથે મારે કોઈ સંબંધ નથી. મારી સત્તા મારા સ્વચતુષ્ટયમાં છે. મારી સત્તામાં કોઈનો પ્રવેશ કે હસ્તક્ષેપ નથી, થઈ શકે એમ પણ નથી. હું તથા સર્વ પદ્રવ્ય સ્વતંત્ર છીએ. પરદ્રવ્યનું હું કાંઈ કરી શકું એમ નથી, તેમજ પરદ્રવ્ય મને કોઈ લાભ-નુકસાન કરી શકે એમ નથી. પરથી મને સુખ-દુઃખ નથી. પર મારા માટે શેયમાત્ર છે. જગતનાં સર્વ દ્રવ્યો સાથે મારો કોઈ સંબંધ ન હોવાના કારણે મારા માટે બધાં જ પરદ્રવ્યો ઉપેક્ષણીય છે, શેયમાત્ર છે. પર મારાથી ભિન્ન છે અને હું તેમાં ફેરફાર કરી શકવા સમર્થ નથી, તો પછી શા માટે મારે તેના કર્તાપણાના ખોટા ભાવ કરી કરીને દુઃખી થયા કરવું? માટે એ જ યોગ્ય છે કે હું કર્તાભાવ છોડી દઈ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહું. હું કેવળ જ્ઞાયક છું. હું તો જ્ઞાનમાત્ર છું. હું નિર્વિકાર, નિર્મળ, જ્ઞાનાનંદસ્વરૂપ છું. મલિન પર્યાય જેવો અને જેટલો હું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org