Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેમને સુદેવ-સુગુરુ-સુધર્મ મળે છે, પરંતુ પોતાની પાત્રતા નહીં હોવાના કારણે તે યોગ પણ નિષ્ફળ જાય છે. મુમુક્ષુતાના અભાવના કારણે સુયોગ સાંપડ્યા પછી પણ તેમને સમ્યગ્દર્શન થતું નથી અને તેથી સંસારચક્રમાં રખડે છે.
મુમુક્ષુતાના અભાવના કારણે અનેક સાધનો કરવા છતાં પણ જીવનાં જન્મ-મરણ ટળ્યાં નથી. જીવની અનેક ભૂલોમાંથી મુમુક્ષુતાનો અભાવ એ જ એક મુખ્ય ભૂલ છે. જીવને મોહનું પોષણ કરવામાં મૂંઝવણ નથી અનુભવાતી, બલ્ક મીઠાશ લાગે છે. જ્યારે વૈરાગ્ય-ઉપશમ પ્રગટે, વિષય-કષાય મંદ થાય, સુદેવ-સુગુરુ પ્રત્યે અત્યંત પ્રેમબહુમાન આવે ત્યારે જ ધર્મ પામવાની ભૂમિકા તૈયાર થઈ ગણાય. મુમુક્ષુતા પ્રગટતાં ઉત્સાહપૂર્વક સંનિષ્ઠ અને પ્રામાણિક પુરુષાર્થ શરૂ થાય છે.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને અંતર દયા એ ચાર સગુણો પ્રાપ્ત થતાં ધન, સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવવિલાસ પાછળની આંધળી દોડ અટકી જાય છે; તેમજ સમાજમાં પ્રતિષ્ઠા કે પદપ્રાપ્તિ અર્થેની લાલસા, યશકીર્તિ વિસ્તારવાની કામના કે જગતમાં પોતાનું નામ મૂકી જવાની ખેવના આદિ તૃષ્ણાઓ અંતરમાંથી ઓસરી જાય છે. આમ, નિરર્થક અને અશુભ સંકલ્પ-વિકલ્પની જાળથી મુમુક્ષુનું ચિત્ત બહુધા મુક્ત રહેતું હોવાથી વિક્ષેપ વિના તે એકાગ્રતાપૂર્વક સત્સાધનમાં પ્રવૃત્ત રહે છે.
કષાયની ઉપશાંતતાદિ ચાર લક્ષણોથી સંપન્ન એવા મુમુક્ષુને સ્વરૂપજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ‘મારું મૂળ સ્વરૂપ કેવું છે એ ઓળખવું મારે જરૂરી છે' એવી સ્વરૂપની અંતરજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તે સ્વતત્ત્વનો વિચાર કરે છે કે હું કોણ છું? હું મારી જાતને શું સમજું છું? જે હું દેખાઉં છું તે શું ખરેખર હું છું? મારામાં શું થઈ રહ્યું છે? મારી દશામાં દુ:ખ અને અશાંતિ કેમ છે? તે ટાળીને સુખ-શાંતિ પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ? દુ:ખમાંથી તો કાંઈ સુખ ન આવે, તો દુ:ખ વગરનું એવું કયું તત્ત્વ છે કે જેમાંથી મને સુખ મળે? મારામાં એવું શું છે કે જેની સન્મુખ જોતાં દુઃખ ટળે અને સુખ પ્રગટે? મારા આત્મસ્વભાવમાં એવું શું છે કે જેના એક ક્ષણના અવલોકનથી અનંત કાળનું દુ:ખ અને અનંત કાળનો થાક મટી જાય છે? સ્વરૂપમાં એવું તો શું છે કે જેથી કેવળી ભગવાનનો ઉપયોગ એક વાર અંદર જાય છે પછી તે બહાર આવતો જ નથી? કયા ઉપાયથી સ્વરૂપની પ્રાપ્તિ થાય? શું કરવાથી આ પ્રાપ્ત થયેલ મોંઘો માનવભવ સાર્થક થાય? અનંત કાળના પરિભ્રમણથી કઈ રીતે મુક્ત થવાય?'
જિજ્ઞાસા પ્રગટી હોવાથી આવા અનેક પ્રશ્નો તેને સહેજે ઊઠે છે. આ પ્રશ્નો તેના ઊંડાણમાં પ્રતિધ્વનિત થાય છે. આ જિજ્ઞાસાના પરિણામે તેનામાં એક અપૂર્વ જાગૃતિ આવે છે અને તેથી આત્માનુભૂતિની પુરોગામી એવી તત્ત્વમંથનની વૈચારિક પ્રક્રિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org