________________
૪૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઊંઘ ન આવતી હોય તેને હજાર નખરાં સૂઝે છે. જેમ સાચી ઊંઘવાળાને બહારની પ્રતિકૂળતા નડતી નથી, તેમ આત્મહિતની સાચી રુચિવાળા જીવને બાહ્યની પ્રતિકૂળતા અટકાવી શકતી નથી. તે જાણે છે કે “મારે જે કંઈ કાર્ય કરવાનું છે તે અંતરમાં કરવાનું છે અને આ તમામ પ્રતિકૂળતાઓ તો બહાર રહેલી છે. સ્વરૂપ પ્રાપ્તિના કાર્યમાં તો રુચિનો અભાવ એ જ એકમાત્ર પ્રતિકૂળતા છે, માટે હું પ્રતિકૂળતાની ચિંતા છોડી સ્વપ્રયોજનની સિદ્ધિમાં મંડી પડું.'
આત્માને મેળવવા માટે કોઈ સંયોગની જરૂર નથી, જરૂર છે રુચિની. આત્માને મેળવવા માટે સ્થાનની જરૂર નથી, જરૂર છે સંકલ્પની. સંકલ્પથી સાધનાનું સાતત્ય જળવાઈ રહે છે. સંકલ્પની દઢતા જેટલી વધુ, સાધનાનું સાતત્ય એટલું વધારે. સાધના નિરંતર હોવી જોઈએ. જેમ પર્વત ઉપરથી સતત પડતો પાણીનો ધોધ તળેટીના પથ્થરને પણ તોડી નાખે છે, તેમ સાધક અજ્ઞાનરૂપી પથ્થર તોડવાનો પ્રયત્ન કરે તો એક દિવસ તે પથ્થર રેતી બનીને રસ્તો આપી દે છે. રસ્તો તો ચોક્કસ મળે છે, પણ એ રસ્તો તૈયાર નથી હોતો. તેને પુરુષાર્થના સાતત્ય વડે તૈયાર કરવો પડે છે; અને તે માટે દઢ સંકલ્પની, તીવ્ર જિજ્ઞાસાની આવશ્યકતા રહે છે.
જિજ્ઞાસા હોય તો જ જીવ સ્વરૂપમાં પ્રવેશી શકે છે. જીવે બાહ્ય પદાર્થોની ઝંખના છોડી, બહાર ભટકવું છોડી પોતાના આત્માની જિજ્ઞાસા કરવી જોઈએ. તેણે નિજાત્માની શોધ કરવી જોઈએ કે જે મેળવ્યા પછી કંઈ પણ મેળવવાનું બાકી રહેતું નથી. તેના અંતરાત્મામાંથી એવો અવાજ ઊઠવો જોઈએ કે ‘હું એ પ્રાપ્ત કરવા ઇચ્છું છું કે જે પ્રાપ્ત થયા પછી કાંઈ જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી.' આવી સર્વોત્કૃષ્ટ આત્મવસ્તુ પાછળ જ જીવન લગાવી દેવાનો અંતરમાં ભાવ જાગવો જોઈએ.
જો આત્માને પામવો હોય તો નાના નાના પ્રયાસ કામ નહીં આવે. તે માટે તો સમગ્ર જીવન જ પ્રયાસ બની જવું જોઈએ, રતીએ રતી દાવ ઉપર લગાવી દેવી જોઈએ. સંપૂર્ણ દાવ ઉપર લગાવવામાં આવે તો જ સફળ થવાય છે. મહાન કાર્ય કરવું હોય તો મહાન ઉદ્યમ કરવો પડશે. ધગશપૂર્વક શ્રમ કરવો પડશે. જીવ જાગૃત થઈ કમર કસશે અને પોતાની પૂરી શક્તિ લગાવશે તો તેને વિજય મળશે જ. જીવ જો પાત્રતા પ્રગટાવી પુરુષાર્થ કરશે તો તે અવશ્ય સિદ્ધિ મેળવશે.
આમ, જેને આત્મકલ્યાણની ભાવના હોય તેણે કષાયની ઉપશાંતતાદિ ચાર ગુણોરૂપ પાત્રતા અવશ્ય કેળવવી જોઈએ. મોક્ષમાર્ગની રુડી આરાધના અર્થે આ ચાર ગુણો અતિ ઉપયોગી હોવાથી શ્રીમદે પુનરુક્તિના ભોગે પણ આ પવિત્ર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તેનું ત્રણ વાર આલેખન કર્યું છે. ગાથા ૩૨માં તેનું નાસ્તિથી આલેખન કરવામાં આવ્યું હતું. ગાથા ૩૮માં આત્માર્થીનાં લક્ષણો દર્શાવતાં જે ગુણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org