Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૩૫
જિજ્ઞાસુ જીવનો પ્રવેશ થાય છે. તે પ્રશ્નો અંતરની વેદના સાથે ઊઠતા હોવાથી તેને તેના સમાધાન માટે તાલાવેલી જાગે છે. તેને બીજું કાંઈ સૂઝતું નથી. તે કોઈ પણ હિસાબે પોતાને ઉઠેલા પ્રશ્નોના ઉત્તર મેળવવા માંગે છે. એના માટે તેને ઘણી ઉત્કંઠા અને ઝૂરણા હોય છે. એ જવાબ માટે તે પોતાનું સર્વસ્વ દાવ ઉપર લગાવવા તૈયાર થઈ જાય છે. આવી જેની તાલાવેલી હોય તે અવશ્ય સ્વરૂપની ઓળખાણ કરી સ્વરૂપની પ્રાપ્તિ કરે છે.
જેમ કોઈ ચોર એક ઓરડીમાં બેઠો છે. રાતનો સમય છે અને તે એકલો છે. બાજુની ઓરડીમાં સોનાના દાગીનાનો ડબ્બો પડેલો છે એ તે જાણે છે. વચ્ચે ફક્ત એક પાતળી દિવાલ છે. તો શું ચોરને ઊંઘ આવશે? નિરાંતે લાંબો થઈને ઊંઘી જશે? ના. તેનું મન એ સોનાના દાગીનામાં છે, માટે તે એનો જ વિચાર કરશે, એને ચોરી જવાની યોજના ઘડશે, દિવાલમાં ક્યાં ખાતર પાડી શકાય એની તપાસ કરશે અને કોઈને ખબર ન પડે એ રીતે કેમ છટકી જવાય એનો રસ્તો શોધશે. ચોરનું દિલ સોનામાં છે અને સોનું પાસે જ છે, પછી ચોરને ઊંઘ આવે કઈ રીતે? તેવી જ રીતે આત્મા પાસે જ છે. જ્ઞાનીપુરુષો સ્વાનુભવના આધારે વારંવાર બોધ આપે છે કે તારી અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પડ્યાં છે. તેના ભોગવટા આડે અજ્ઞાનની એક પાતળી દિવાલ જ નડે છે.' આવો બોધ મળ્યા પછી સાધકને ઊંઘ આવે જ કઈ રીતે? અને ઊંઘ આવે તો એ સાચો સાધક નથી. ચોરને સોનાની પ્રાપ્તિ માટે જેવી તાલાવેલી લાગે છે, તેવી તાલાવેલી ધર્મની નિધિ માટે સાધકને લાગે છે. તે ગ્રંથિનો ભેદ કરી નિજસ્વરૂપમાં સ્થિર થવા તડપતો હોય છે.
ગાથા-૧૦૮
સ્વરૂપને જાણવા માટે તીવ્ર જિજ્ઞાસા જોઈએ. જો જિજ્ઞાસા ન હોય તો સાધનામાં પ્રગતિ થવી સંભવતી નથી. એક ધ્યેયપૂર્ણ યાત્રાથી, એક દિશા તરફ સમગ્ર જીવનધારાને લઈને ચાલવાના શ્રમથી મંજિલ પ્રાપ્ત થાય છે. જો જીવને દઢ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો તેને સત્યની મંજિલ અવશ્ય પ્રાપ્ત થાય છે. દઢ જિજ્ઞાસા બધી શક્તિઓને જાગૃત કરે છે. જિજ્ઞાસા દ્વારા શક્તિઓ પ્રગટ થતાં જીવ સંસારમાંથી નીકળી સત્ય તરફ વિહાર કરે છે. જિજ્ઞાસા વડે સંસારમાંથી નીકળી સત્ય તરફ જવાય છે અને કાર્ય શીઘ્રમેવ સિદ્ધ થાય છે.
સાધકની જિજ્ઞાસા એટલી તીવ્ર હોય છે કે ગમે તે થાય, મારે કાર્ય સાધવું જ છે. મારે ગમે તે ભોગે સ્વરૂપસુખ જોઈએ જ છે.’ જ્યાં આવી તીવ્ર રુચિ હોય ત્યાં કોઈ પ્રતિકૂળતા આવે તોપણ નડતરરૂપ બનતી નથી. વ્યવહારમાં પણ જોવા મળે છે કે જેને ખરેખર ઊંધ આવતી હોય તે બહારની કોઈ અનુકૂળતા-પ્રતિકૂળતા જોવા-વિચારવા અટકતો નથી, ગમે તે સ્થળે ગમે તેવા સંજોગોમાં પણ તે સૂઈ શકે છે; પરંતુ જેને
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org