Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૫
૩૬૯ સાચા સ્વરૂપની સમજણ પ્રાપ્ત કરી તદનુસાર સપુરુષાર્થ કરવો જોઈએ. સદ્ગુરુના બોધના આશ્રયે ધર્મનો યથાર્થ નિર્ણય કરવામાં ન આવે તો મોક્ષપ્રાપ્તિ અર્થે કરેલા સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે, માટે સૌ પ્રથમ સદ્દગુરુના અવલંબને ધર્મના સ્વરૂપની સમ્યક સમજ મેળવી ધર્મની સન્મુખ થવું જોઈએ.
ધર્મનું સાચું સ્વરૂપ જેમણે પ્રાપ્ત કર્યું છે એવા સદ્દગુરુ જીવને જ્ઞાનની પ્રજ્વલિત મશાલ આપે છે. મશાલમાં નીચે દાંડો હોય છે અને ઉપર પ્રજ્વલિત અગ્નિ. દાંડો છે તે સદ્ગુરુએ આપેલી સાધનાપદ્ધતિ, તેમણે સૂચવેલ ક્રિયાઓનું પ્રતીક છે અને તેની ઉપરની અગ્નિ તે તેમણે પ્રગટાવેલ જ્ઞાનપ્રકાશ છે. અજ્ઞાન-અંધકારનો નાશ કરવાવાળી આ મશાલનો લાભ અનેક આત્માઓ લે છે. સદ્ગુરુના જ્ઞાનપ્રકાશથી આલોકિત થયેલ પંથ ઉપર તેમની આજ્ઞાનું આરાધન કરતાં કરતાં આગળ વધે છે અને પોતાની જ્ઞાન
જ્યોતિ પ્રગટાવી લે છે. ક્વચિત્ આ મશાલ બુઝાઈ જાય છે, અર્થાત્ તેઓ જ્યારે સદગુરુનો આશય સમજતા નથી ત્યારે તેઓ જ્ઞાનપ્રકાશનો લાભ લેવાનું ચૂકી જાય છે. તેમના હાથમાં ઓલવાયેલી મશાલ, અર્થાત્ દાંડો જ રહી જાય છે અને તેથી તેઓ પોતાનો અજ્ઞાન-અંધકાર ટાળી શકતા નથી. તેઓ આશય સમજ્યા વિના ક્રિયાઓનું આંધળું અનુસરણ કરતા રહે છે. તેઓ ખોટા મૂલ્યાંકનના આધારે રૂઢિઓમાં ફસાઈ જાય છે અને તેનો આગ્રહ કરવા લાગે છે, પરિણામે તેઓ ઉચ્ચ અવસ્થાઓ પ્રાપ્ત કરી શકતા નથી. મોક્ષ અમુક ચોક્કસ પ્રકારનાં ક્રિયાકાંડ, સાધનાપદ્ધતિ, વેષભૂષાથી જ પ્રાપ્ત થાય એવા મિથ્યા આગ્રહરૂપ વિષનું વમન કરાવી, મોક્ષમાર્ગના બાહ્ય વ્યવહાર પ્રત્યે નિરાગ્રહી વૃત્તિ રાખી, પરમાર્થમાર્ગને અનુસરવા પ્રત્યે દષ્ટિ કેન્દ્રિત કરાવતી આ ગાથા ખૂબ વિચારણીય છે. મત-દર્શનના આગ્રહનું સ્વરૂપ, તેની નિરર્થકતા, તેને ટાળવાની અગત્યતા વિષે આ ગાથાના સંદર્ભમાં હવે વિચારણા કરીએ.
દરેક દર્શન-મત-પંથ-સંપ્રદાય આત્મા, પરમાત્મા, મોક્ષ, મોક્ષમાર્ગ આદિ અંગે પોતપોતાનાં વિચારો અને વ્યાખ્યાઓ આપે છે. તેના આધારે જે નિર્ણય બંધાય તે જ માત્ર સત્ય છે એમ તે દર્શન-મત-પંથ-સંપ્રદાયના અણસમજુ અનુયાયીઓ માની બેસે છે અને દઢતાના નામે આગ્રહને ઉત્તેજન આપે છે. તે સર્વ પોતપોતાના અભિપ્રાયની સ્થાપના કરે છે અને અન્યના અભિપ્રાયનો વિરોધ કરે છે. ધાર્મિક પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિઓ પણ જ્યારે મત-દર્શનની વાતચીત કે ચર્ચામાં ઊતરે છે ત્યારે વિવેક ભૂલી જાય છે અને મતાગ્રહનો મોરચો જમાવવા મંડી પડે છે. સૌ પોતાની વાતને જ આગળ કરે છે. પોતે જ માત્ર સત્ય સમજ્યા છે અને પોતા સિવાય અન્ય સંપ્રદાયવાળાને સત્ય તો શું, સત્યની ઝાંખી પણ થઈ શકે એમ નથી એવો દાવો કરે છે. સત્યની ચાવી તેમની પાસે જ છે અને તેઓ જે માને છે કે સમજાવે છે તે જ સાચી વાત છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org