Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૭૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેઓ માને-મનાવે છે. તેમનાં માથા ઉપર સાંપ્રદાયિકતાનું ભૂત સવાર થયું હોવાથી તેઓ ધર્મના બાહ્ય સ્વરૂપને જ મહત્ત્વ આપે છે, ધર્મને જીવનમાં ઉતારવું તેઓ માટે ગૌણ બની જાય છે. તેઓ ધર્મ માટે વિવાદ કરે છે, ધર્મ માટે ઝગડે છે, ધર્મ માટે મરવા પણ તૈયાર થાય છે, ધર્મ માટે બધું કરી છૂટવા તત્પર થાય છે; પરંતુ ધર્મમય જીવન જીવવા તેઓ તૈયાર થતા નથી. મત-દર્શનનો આગ્રહ તે અધર્મ છે, છતાં પોતાનાં મત-દર્શનને અનુસરવાથી જ ધર્મ થાય એમ માનતા હોવાથી તેઓ પોતાનો આગ્રહ છોડતા નથી. પોતાનાં મત-દર્શનની વાતને આગ્રહપૂર્વક પકડી રાખવામાં તેઓ ગૌરવ માને છે.
જીવ પોતાનાં મત-દર્શનની માન્યતાઓનો પક્ષપાતી બનીને, તે માન્યતાઓને ગમે તે પ્રકારે સાચી સાબિત કરવા માટે દરેક રીતે પરિશ્રમ કરે છે. પોતાની માન્યતાને દલીલો કરીને બચાવવાની વૃત્તિ થતી હોવાથી પોતાની કુવૃત્તિને પોષવા માટે તે ધર્મશાસ્ત્રોમાંથી અવનવાં પ્રમાણો શોધી કાઢે છે. તે પોતાનાં મત-દર્શન સર્વોપરી છે એમ સિદ્ધ કરવા મંડી પડે છે. તે અન્ય મત-દર્શન સાથે સરખામણી કરી પોતાનાં મત-દર્શન ચડિયાતાં છે એમ બતાવવાના પ્રયત્નો કરે છે. તે આ માટે અનેક ઉપાય વિચારે છે. તે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા અનેક પ્રકારનાં કપટભર્યા વચનો કહે છે, જૂઠ અને છેતરપિંડીનો આશરો લે છે. આથી કોઈ સુવિચારને માટે અવકાશ જ રહેતો નથી. તે બધાને પોતાનાં મત-દર્શનના વાડામાં બાંધવા ઇચ્છે છે. પોતાના વાડાનું એક પણ જણ તે વાડો તોડીને કોઈ બીજા વાડામાં જતું ન રહે તે અર્થે તે તેમના ઉપર પોતાનાં મતદર્શનની માન્યતાઓનો ઊંડો કેફ ચઢાવતો રહે છે. પોતાની માન્યતાઓ માનવા માટે તેમને વિવશ બનાવે છે, ન માને તો નરકનાં દુઃખોનો ભય બતાવે છે અને માને તો મુક્તિનું પ્રલોભન પણ આપતો રહે છે!
પોતાનો મત કે પંથ જ સાચો છે, બીજાનો ખોટો - આવું વલણ ધરાવનાર જીવ શાસ્ત્રોનો અભ્યાસ કરે તો પણ તે આત્મધર્મના તાત્પર્યથી અજાણ જ રહી જાય છે. તેની વિચારધારા મિથ્યા આગ્રહના કાદવમાં ખૂંપી જાય છે. જેણે શાસ્ત્રોનું કેવળ શ્રવણ-વાંચન જ નહીં પણ ચિંતન-મનન કર્યું હોય તેને સ્વપક્ષનો આંધળો મોહ રહેતો નથી. શ્રતની સાથે ચિંતન-મનન અને અનુભૂતિનું તત્ત્વ ભળતાં દૃષ્ટિ તટસ્થ, ન્યાયયુક્ત અને સારગ્રાહી બને છે. જે દૃષ્ટિરાગથી આવૃત્ત હોય, તે પોતાના ધર્મના ગ્રંથોને સમજ્યા-વિચાર્યા વિના સત્ય માની લે છે અને બીજા ધર્મના ગ્રંથોને અસત્ય માને છે. તે ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મોપનિષદ્', શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, શ્લોક ૬૮
'आये ज्ञाने मनाकपुस-स्तद्रागाद्दर्शनग्रहः । द्वितीये न भवत्येष, चिन्तायोगात्कदाचन ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org