Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૭૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન પક્ષના સત્યાંશને સ્વીકારવાની ઉદાર મનોવૃત્તિ રાખે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મોપનિષદ્' માં વિનોદપૂર્ણ શૈલીથી કહે છે કે મધ્યસ્થનું મનરૂપી વાછરડું યુક્તિરૂપ ગાયને અનુસરે છે, તેની પાછળ પાછળ જાય છે અને તુચ્છ આગ્રહવંતનું મનરૂપી વાંદરું તે યુક્તિગાયને પૂંછડેથી ખેંચે છે.
જેણે સાધનામાં પ્રગતિ કરવી હોય તેણે પ્રથમ આગ્રહને વિસર્જિત કરવો પડે છે. આગ્રહરૂપી સાંકળ ખોલી નાખે તો જ જીવ ચૈતન્યસરિતામાં નૌકાવિહાર કરી શકે છે. આગ્રહની સાંકળ છોડ્યા વિના તે ધાર્મિક પ્રવૃત્તિનાં ગમે તેટલાં હલેસાં મારે તોપણ તેની પ્રગતિ થતી નથી. સત્સાધનાદિ વિષે બાંધી રાખેલા આગ્રહો છોડ્યા વિના સાધનામાર્ગે આગળ વધવું અસંભવિત છે. સત્યના નામ ઉપર ચાલી રહેલી પરંપરાગત ક્ષુલ્લક વાતોના કારણે જ ધર્મ નષ્ટપ્રાય થતો ગયો છે. ધર્મની સમજણના અભાવે ધર્મના નામે અનેક વિપરીતતાઓ ચાલી રહી છે. આગ્રહના કારણે ધર્મક્રિયાઓ. ધર્મસ્થાનકો. ધર્મગુરુઓ મનુષ્યને ધાર્મિક બનાવવાને બદલે ધર્મથી દૂર લઈ જનારાં નીવડે છે.
જ્ઞાનીઓ કહે છે કે જે જીવનપદ્ધતિથી કે જે ધર્મક્રિયાથી કષાયનિવૃત્તિ તથા વિષયવિરક્તિ થતી હોય, તે જીવનપદ્ધતિ કે તે ધાર્મિક ક્રિયા મોક્ષસાધક ધર્મપથ છે. કષાયો અને ઇન્દ્રિયોને જીતી લઈ, વિકારો અને વાસનાથી ઉપર ઊઠી, શુદ્ધ જ્ઞાયકભાવમાં સ્થિત થનાર આત્મા મુક્ત થાય છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી યોગશાસ્ત્ર'માં લખે છે કે કષાયોથી ગ્રસ્ત ચિત્ત એ જ સંસાર છે અને કષાયનો જય એ જ મોક્ષ છે એમ મનીષીઓ કહે છે. ૨ કષાયના કારણે કર્મપરમાણુઓનો આત્મા સાથેનો સંબંધ ઘનીષ્ઠ બને છે. કર્મની દીર્ઘકાલીન કે અલ્પકાલીન સ્થિતિ કષાય ઉપર આધારિત છે. કર્મના ફળની તીવ્રતા કે મંદતાનો આધાર કષાય ઉપર રહે છે. કર્મની સ્થિતિ અને ફળદાનની શક્તિ અને કષાય ઉપર નિર્ભર છે. કષાય જ કર્મસ્થિતિને વધારે છે કે ઘટાડે છે. કષાય જ ફળદાનની શક્તિમાં તીવ્રતા કે મંદતા લાવે છે. તેથી જે વૃત્તિમાં કષાયરસ છે, તે વૃત્તિઓથી મુક્ત થવું જોઈએ. કષાયથી મુક્ત થયા પછી જે કર્મપરમાણુ આકર્ષિત થાય તે લાંબા સમય સુધી ટકતાં નથી અને પોતાનો ગાઢ પ્રભાવ જીવ ઉપર પાડી શકતા નથી. તેથી જીવ ક્રમશઃ કર્મથી મુક્ત થતો જાય છે. આમ, કષાયોથી મુક્ત થવું એ જ મુક્તિ છે. મોક્ષ એ કંઈ એવું સ્થળવિશેષ નથી કે જ્યાં ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, “અધ્યાત્મોપનિષદ્', શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, શ્લોક ૬
'मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्याऽनधावति ।
तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः-कपिः ।।' ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૪, શ્લોક ૫
'अयमात्मैव संसारः, कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org