Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૮
૪૨૫ શક્તિનો ઉપયોગ તો કરે જ છે, પરંતુ અજ્ઞાનાવસ્થામાં તેનો ઉપયોગ વિપરીતરૂપે થાય છે. શક્તિનું આ વિપરીત પરિણમન જીવને આત્મવિકાસમાં બાધક બને છે. જો જીવ ઇચ્છે તો તે આ શક્તિના પ્રવર્તનની દિશાને ફેરવીને બાધક બનતી શક્તિને સાધકરૂપે પરિણમાવી શકે છે.
જીવ શક્તિને જે દિશામાં વેગ આપે તે દિશામાં તેની શક્તિ ગતિ કરે છે. કઈ દિશામાં શક્તિને વેગ આપવો તેમાં જીવ સ્વતંત્ર છે. જ્યાં સુધી જીવ પૌગલિક વસ્તુઓને પોતાની માને, તેમાં આસક્ત બને, તેમાં જ કર્તા-ભોક્તાપણાનો ભાવ રાખે ત્યાં સુધી તેની શક્તિ વિપરીત દિશામાં જ ગતિ કરતી હોવાથી આત્મવિકાસમાં બાધક બને છે. જ્યારે તેને શુદ્ધ સ્વસત્તા પ્રગટ કરવાની રુચિ જાગૃત થાય છે ત્યારે તેની શક્તિ દિશાપરિવર્તન કરે છે. વિપરીત દિશામાં પ્રવૃત્ત થયેલ શક્તિની દિશા બદલાતાં જીવનો આધ્યાત્મિક વિકાસ વેગ પકડે છે.
અનાદિથી જીવની શક્તિ બાધક ભાવે પરિણમી રહી છે. જીવને જ્યારે વિવેક જાગે છે ત્યારે તે જ શક્તિનું સવળું પ્રવર્તન થાય છે અને તે સાધકરૂપ બને છે. જેમ ઉકળતા પાણીની વરાળ દાહક હોવા છતાં જો તેને યોગ્ય રીતે સંચિત અને કેન્દ્રિત કરવામાં આવે તો તે જ વરાળ દ્વારા વિરાટ કાર્યનું સર્જન કરી શકાય છે. તે રીતે અનાદિથી બાધક ભાવે પરિણમેલી શક્તિનું સ્વરૂપ અનુયાયી બનાવવામાં આવે તો તે સાધકરૂપ બને છે અને મોક્ષરૂપ સ્વકાર્યની સિદ્ધિ થાય છે.
મોક્ષરૂપ સ્વકાર્યની સિદ્ધિ થઈ શકે તે માટે જીવે સૌ પ્રથમ તો મોક્ષપ્રાપ્તિની વિધિનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. મોક્ષપ્રાપ્તિ અર્થે કાર્યપદ્ધતિને યથાર્થ રીતે તેને સમજીને અંગીકાર કરવી આવશ્યક છે. કાર્યપદ્ધતિનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે કાર્યપદ્ધતિનો ક્રમ. કાર્યપદ્ધતિનો ક્રમ જો સાચવવામાં ન આવે તો કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થાય, બલ્ક તેવી પ્રવૃત્તિમાં સમય અને શક્તિનો અપવ્યય થાય. મોક્ષમાર્ગ માટે પ્રયત્ન કરનારાઓની નિષ્ફળતાનું મુખ્ય કારણ પ્રાયઃ ક્રમભંગ હોય છે. ધ્યેયપ્રાપ્તિનો યથાર્થ ક્રમ સમજ્યા વિના, મતિકલ્પનાએ પ્રવર્તવાથી કાર્યસિદ્ધિ થતી નથી, તેથી અત્યંત સાવધાનીપૂર્વક આ બાબતમાં નિર્ણય થવો ઘટે છે. તે અર્થે શ્રીમદે છઠ્ઠા પદની પૂર્ણાહુતિ કરતાં પહેલાં મોક્ષમાર્ગનો ક્રમ દર્શાવ્યો છે.
મોક્ષમાર્ગના ક્રમમાં શ્રીમદે પ્રથમ પાત્રતાનું પ્રતિપાદન કર્યું છે. મોક્ષમાર્ગે પ્રયાણ શરૂ કરનાર જીવનાં પરિણામ કેવાં હોવાં જોઈએ તે અહીં બતાવવામાં આવ્યું છે. આત્મહિત કરવાની જેની સાચી કામના છે તેવા જીવની પ્રાથમિક દશા કેવી હોવી જોઈએ, આત્માની જિજ્ઞાસાવાળો જીવ કેવા ભાવો ધરાવતો હોવો જોઈએ, તેનું શ્રીમદે પ્રસ્તુત ગાથામાં કરેલું વિવરણ અવલોકીએ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org