Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૧ ૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગૃહસ્થલિંગ પણ સ્વીકાર્યું છે, ત્યાં સ્વલિંગમાત્રનો જ એકાંતિક આગ્રહ કેમ થઈ શકે? નાટક કરતાં કરતાં, શૃંગાર સજતાં સજતાં, લગ્નના ફેરા ફરતાં ફરતાં - એમ અનેક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓ હોવા છતાં કેવળજ્ઞાન થયાનાં અનેક દૃષ્ટાંતો શ્વેતાંબર સાહિત્યમાં જોવા મળે છે. કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થયા પછી પણ કુર્માપુત્ર છ માસ સુધી ગૃહવાસમાં રહ્યા છે, અર્થાત્ દેખીતી બાહ્ય ચર્યા ગૃહસ્થની હોવા છતાં આંતરિક સ્તરે કુર્મા પુત્ર તેરમાં ગુણઠાણે હતા એની શાખ શ્વેતાંબર શાસ્ત્રોમાં મળે છે.
અહીં એ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે કેટલાક જીવો યોગ્ય સમજણ વિના એમ કહે છે કે “ગૃહસ્થવેષમાં પણ મોક્ષ છે, માટે સંસાર છોડીને સાધુ બનવાથી જ મોક્ષ મળે એવો નિશ્ચય સિદ્ધાંત નથી. ઘરમાં રહ્યા છતાં મોક્ષ મળી શકે છે. મોક્ષ સાથે વેષનો સંબંધ નથી. વેષથી ધર્મ થતો નથી, તેથી સાધુવેષ ગ્રહણ કરવાની જરૂર નથી.' આ કહેવું અયોગ્ય છે, કારણ કે આવું માનનારા તો કદી મોક્ષે જઈ નહીં શકે. સાધુવેષ ગ્રહણ કરવાની ભાવના વગર ઘરમાં રહીને મોક્ષ મેળવવા ઇચ્છનાર ગૃહસ્થ વેષવાળા મોક્ષે જાય એવું તો શાસ્ત્રમાં કશે પણ કહ્યું નથી. કદાચિત્ સાધુવેષ ગ્રહણ કરવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળા ગૃહસ્થને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેઓ કેવળજ્ઞાન પણ પામે; અને પછી જો તેમના આયુષ્યનો કાળ અલ્પ રહ્યો હોય તો તેઓ મુનિવેશ ધારણ કર્યા વિના મોક્ષે જાય અને કાળ પૂરતો હોય તો અવશ્ય મુનિવેશ ધારણ કરે એવો શાસ્ત્રપાઠ છે.
ચક્રવર્તી રાજા ભરતને મહેલના અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું, આઠ આઠ સ્ત્રીઓ સાથે હસ્તમિલાપની ક્રિયા ચાલતી હતી તે વખતે લગ્નની ચોરીમાં શ્રેષ્ઠીપુત્ર ગુણસાગરને કેવળજ્ઞાન થયું હતું, રાજસિંહાસન ઉપર બેઠાં બેઠાં રાજા પૃથ્વીચંદ્રને કેવળજ્ઞાન થયું હતું એ વાત સંપૂર્ણ રીતે શાસ્ત્રીય છે; પરંતુ એવું તો ક્વચિત્ કદાચિતું કોઈકને જ બને, તેથી કાંઈ એને રાજમાર્ગ ન કહેવાય. જો એ જ રાજમાર્ગ હોય તો શા માટે ભગવાન આદિનાથ વગેરે તમામ તીર્થકરો ગૃહત્યાગનો માર્ગ સ્વીકારે છે? ત્યાગમાર્ગ એ મોક્ષનો રાજમાર્ગ છે. વાસનાયુક્ત ચિત્તને નિર્મળ બનાવવાનો રાજમાર્ગ તો વાસનાજનક સામગ્રીઓથી દૂર રહેવામાં જ છે.
બાહ્ય ત્યાગમાં ધ્યેયને પ્રાપ્ત કરવાની અનુકૂળતાઓ વિશેષ રહેલી છે. બાહ્ય ત્યાગથી વિકલ્પો મંદ કરી શકાય છે, તેની માત્રા ઘટાડી શકાય છે અને વિકલ્પને પેલે પાર જ્યાં શાંતિ છે ત્યાં પહોંચવા સમર્થ થવાય છે. આત્મવિકાસની દરેક ભૂમિકાએ જીવને બાહ્ય ત્યાગના ભાવ થાય જ છે. જો ભૂમિકાનુસાર ત્યાગના ભાવ ન થાય તો એ ભૂમિકામાં હજુ પહોંચાયું જ નથી એમ કહી શકાય. પરિગ્રહવાંછા, તૃષ્ણાદિનાં તીવ્ર પરિણામના કારણે જીવને ત્યાગની ભાવના ઊઠી શકતી નથી, તેથી જીવે બાહ્ય ત્યાગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org