________________
ગાથા-૧૦૪
૩૬૧
રાજનીતિજ્ઞ વ્યક્તિ પોતાના શત્રુનો વિનાશ કરવા માટે, તેની સામે થવા કોઈ અન્ય શત્રુને ઉત્તેજિત કરીને, તેને યુદ્ધમાં ઉતારી પોતાનો હેતુ સિદ્ધ કરી લે છે. તે પ્રકારે જીવે કુસંસ્કારોનો વિનાશ કરવા માટે તેની સામે તેના વિરોધી સંસ્કારોને હાજર કરી લેવા જોઈએ, અર્થાત્ વર્તમાનમાં વિદ્યમાન ક્રોધાદિ સંસ્કારોની સામે ક્ષમાદિને કેળવવાં જોઈએ. ક્રોધને દૂર કરવો હોય તો ક્ષમા, ઉપશમ, મૈત્રી આદિના સંસ્કારોને જગાડવા જોઈએ. માનને નષ્ટ કરવા મૃદુતા, નમતા, લઘુતા આદિને પુષ્ટ કરવાં જોઈએ. માયાને દૂર કરવા ઋજુતા, સરળતા આદિના સંસ્કારને પુષ્ટ કરવાં જોઈએ. લોભને ખતમ કરવા સંતોષ આદિના સંસ્કારને વિકસિત કરવા જોઈએ. ક્ષમાદિ સંસ્કાર જેટલા સઘન થશે, તેટલા જ ક્રોધાદિ ક્ષીણ થતા જશે. તે સુસંસ્કારો જીવને મોક્ષમાર્ગે આગળ વધવામાં સહાય કરશે. અનાદિથી જે મિથ્યા પક્ષના સંસ્કારો પડ્યા છે, તેને હટાવવા તેનાથી વિપરીત એવા સમ્યક્ પક્ષના સંસ્કારોનું સુદઢપણે ઘોલન કરતા રહેવું જોઈએ.
જ્યાં સુધી પ્રતિપક્ષના સંસ્કાર પુષ્ટ નથી થતા, ત્યાં સુધી ક્રોધાદિ પાતળા નથી પડતા, તૂટતા નથી. પ્રતિપક્ષના સંસ્કારો સઘન કરવાથી ક્રોધાદિ શાંત થાય છે, નષ્ટ થાય છે, તેથી કર્મબંધ થાય એવા સંસ્કારોથી મુક્ત થવા પ્રતિપક્ષના સંસ્કારોને સઘન બનાવવાનો અભ્યાસ અત્યંત તન્મયપણે, ઉલ્લાસપૂર્વક, જાગૃતિપૂર્વક અને અવિરતપણે કરવો જોઈએ. કુસંસ્કારોના નાશ માટે દઢતાપૂર્વક પૂરી શક્તિ લગાવીને અધિકાધિક પુરુષાર્થ કરતા રહેવું ઘટે.
કુસંસ્કારોથી મુક્ત થવા પુરુષાર્થ વર્ધમાન કરતા રહી ધીરજપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. નિરંતર અભ્યાસ કરવાથી પ્રકૃતિ અને રુચિ પરિવર્તન પામે છે અને ધીરે ધીરે અનુભવ થાય છે કે આ અભ્યાસ રોજ ને રોજ સરળ બનતો જાય છે. જન્મજન્માંતરોથી જીવ અજાગૃતિમાં જ રાચ્યો હોવાથી બેહોશી તોડતા તેને વાર લાગે છે, અનાદિના સંસ્કાર તેને પારાવાર પજવે છે; પરંતુ મક્કમતાથી, નિષ્ઠાથી અભ્યાસ કરતાં સફળતા મળે છે. સાધનાક્રમને નિરંતર અનુસરી, ધીરજપૂર્વક અભ્યાસ કરતા રહેવાથી આશ્ચર્યજનક ફળની પ્રાપ્તિ થાય છે. અવિરત અભ્યાસથી જીવ અણધારી સિદ્ધિઓને વરે છે, માટે જીવે ધીરજ રાખીને અભ્યાસ કરતા રહેવું જોઈએ, તો જ પૂર્વસંસ્કારોનો નાશ થાય. પૂર્વસંસ્કારોમાંથી મુક્ત થવાનું કાર્ય કષ્ટસાધ્ય જરૂર છે, પણ અસાધ્ય નથી જ.
આ દુઃસાધ્ય અભ્યાસમાં નિષ્ઠાપૂર્વક વર્તવાનું સાચા સાધકને જ સૂઝે છે. વીતરાગમાર્ગનો જિજ્ઞાસુ દોષ જતાં વિલંબ થાય તોપણ ધીરજપૂર્વક તેનું મૂળ શોધી તેને કાઢવાના પુરુષાર્થમાં લાગેલો રહે છે. તે પોતાનાં સામર્થ્ય, ભૂમિકા, પૂર્વસંસ્કારોની પ્રબળતા આદિને ગણતરીમાં લે છે. ઉદયોની સભાનતા રાખે છે. પોતાની સર્વ ગતિ-વિધિઓ પ્રત્યે તે સભાન હોવાથી પોતાની કઈ શક્તિ ક્યારે કામે લગાડવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org