Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૪
૩૫૫ જવાબદાર ગણે તે ધાર્મિક નથી. અધાર્મિકતાનો અર્થ છે “જવાબદારી બીજા કોઈની છે, હું તો સારો માણસ છું, બીજા લોકો મને ખરાબ બનાવી રહ્યા છે.' ધાર્મિકતાનો અર્થ છે પૂરેપૂરી જવાબદારી મારી જ છે.' ક્ષણે ક્ષણે આવી ધાર્મિકતાનું સેવન કરનારને ધાર્મિક કહેવાય. તે એમ માને છે કે “ક્રોધ થાય છે એ મારી જ નિર્બળતા છે.' તે પોતાની જવાબદારી સ્વીકારે છે અને ક્રોધમાંથી ઉપાદેયબુદ્ધિ છોડે છે.
જીવ ક્રોધને આવશ્યક અને હિતકારી માનતો હતો, પરંતુ સદ્દગુરુના બોધના આધારે તેનો મિથ્યા દૃષ્ટિકોણ બદલાય છે અને ક્રોધમાંથી ઉપાદેયબુદ્ધિ દૂર થાય છે. તે પ્રાપ્ત પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરી, ક્રોધના ઉદયને જીતી તેની કુઅસરોથી પોતાને બચાવવાનો સંકલ્પ કરે છે. ક્લેશનો અવસર ઉદ્ભવે ત્યારે તેમાં સમભાવે રહેવું છે એમ દઢતાપૂર્વક નક્કી કરી રાખે છે. જીવનમાં સમયે સમયે નવી નવી પરિસ્થિતિ તો ઉદ્ભવ્યા જ કરે છે, ત્યાં જો યથાર્થ સમજણપૂર્વક જાગૃતિ ન કેળવી હોય તો ડગલે ને પગલે ભયંકર અથડામણ થયા જ કરે છે અને જીવન ક્લેશમય બની જાય છે. તેથી સાધક તત્ત્વનિર્ણયના બળ વડે દરેક સમસ્યાનું નિરાકરણ લાવે છે કે જેથી જીવનમાં સુખ-શાંતિ સ્થપાય અને કર્મબંધથી બચાય. તે જાણે છે કે ‘પૂર્વે મેં પોતે જ કર્મ બાંધ્યાં હતાં, તેનું ફળ હું અત્યારે ભોગવી રહ્યો છું. પૂર્વનો હિસાબ ચૂકતે થઈ રહ્યો છે, તેમાં ક્લેશ કે સંતાપનું કોઈ કારણ નથી. સમતા રાખીશ તો સંવર-નિર્જરા થશે અને કર્મબંધનથી મુક્ત થવાશે.' તેથી જ્યારે, જે સ્થળે, જે રીતે કસોટી થાય; તેમાં તે ધીરજથી, નિષ્ઠાથી, ઉત્સાહથી સ્થિર રહે છે અને સમભાવની વૃદ્ધિ કરે છે. ક્લેશ ટાળવાના પોતાના નિર્ણયમાં અટલ રહે છે, નિશ્ચળ રહે છે.
ક્રોધભાવ ઉત્પન્ન થાય તો તે તરત પોતાના ક્ષમાસ્વરૂપ આત્માનું અવલંબન લઈ સજાગ થઈ જાય છે કે ‘ક્ષમા એ મારો મૂળ સ્વભાવ છે. ક્રોધભાવ મૂળ સ્વરૂપમાં નથી. માત્ર પરના અવલંબનથી તે ઊપજે છે, તો તેવા ભાડૂતી ભાવને આત્મામાં શા માટે જગ્યા આપું? પૂર્વના ક્રોધના ગાઢ સંસ્કારો ઉત્તેજિત થયા છે તો અત્યારે મારું કર્તવ્ય છે જાગૃત રહેવું. જો હું જાગૃતિ ચૂકીશ તો ક્રોધનો આ સંસ્કાર ફાટશે અને તેનું ભયંકર રૂપ બતાવશે. ક્રોધના કારણે ઘણું નુકસાન થશે. ક્રોધ અત્યારે પણ વ્યાકુળતા તથા દુ:ખ આપનારો છે અને ક્રોધ કરવાથી જે કર્મ બંધાશે તે પાછું ઉદયમાં આવતાં ભવિષ્યમાં પણ દુઃખરૂપ બનશે. આમ, ક્રોધ તો સર્વ રીતે મને હાનિકારક છે, તે અત્યંત અપવિત્ર છે, મારા સ્વભાવનો વેરી છે; તેથી આવા ક્રોધભાવને છોડીને હું હવે ક્ષમાભાવમાં - સમતાભાવમાં - જ્ઞાયકભાવમાં જ રહું.'
આ પ્રમાણે સાધક ક્રોધને જીતવા માટે ક્ષમાસ્વભાવી આત્માનું અવલંબન લે છે. ક્ષમાસ્વભાવ અને ક્રોધવિકારના ભેદજ્ઞાનના પુરુષાર્થ વડે તેનામાં મહાન આત્મબળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org