________________
ગાથા-૧૦૪
૩૫૭
વિરોધ થતો નથી, પરંતુ અવચેતન મનમાં વિરોધ નોંધાય છે. ક્રોધનો પ્રસંગ બને ત્યારે મારે બોલવું નથી, મારે ક્રોધ કરવો નથી' એવા નિર્ણય કરવામાં આવે, પરંતુ આ નિર્ણય પાછળ સ્વરૂપચિંતનનો આધાર ન હોવાથી તત્કાલીન તો ઉપલક ક્ષમા ટકે છે, પરંતુ અવચેતન મનમાં તે પ્રસંગ પોતાની વિપરીત અસર છોડતો જાય છે. કુસંસ્કાર દબાઈને પડ્યો રહે છે, જે ભવિષ્યમાં સાનુકૂળ સંજોગો મળતાં અનેકગણો થઈ બહાર આવે છે. ચેતન મનને પ્રયત્નપૂર્વક હટાવી લીધું હોવા છતાં અવચેતન મન સક્રિય રહી ગાંઠો બાંધતું રહે છે, જેથી ભવિષ્યમાં નુકસાનની સંભાવના રહે છે. આત્માનો આશ્રય ન હોવાથી અભિપ્રાય તો વિપરીત જ રહે છે. અજ્ઞાની જીવનો અભિપ્રાય સમ્યક ન થયો હોવાથી તેની ક્ષમા કાર્યકારી નીવડતી નથી, તેને ક્રોધનો અભાવ થતો નથી. છતાં તે ક્રોધના પ્રદર્શનના અભાવને ક્રોધનો અભાવ સમજી બેસી પોતાને ઉત્તમ ક્ષમાનો ધારક માને છે.
નવમી રૈવેયક સુધી પહોંચવાવાળા મિથ્યાદષ્ટિ મુનિ બહારથી તો એટલા શાંત દેખાય કે કોઈ તેમની ચામડી ઉતારીને મીઠું ભભરાવે તો પણ તેમની આંખનો ખૂણો લાલ ન થાય. બાહ્યથી આટલા શાંત હોવા છતાં પણ તેઓ ઉત્તમ ક્ષમાના ધારક નથી, કારણ કે અનંતાનુબંધી ક્રોધ તેમનામાં વિદ્યમાન છે. બહાર જે ક્રોધનો અભાવ દેખાઈ રહ્યો છે તે કાંઈ આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલી શાંતિ નથી, પરંતુ ભય, પ્રલોભન આદિનાં કારણે થયેલો ક્રોધનો અભાવ છે. દા.ત. તેઓ વિચારે કે હું સાધુ થયેલો છું, તેથી જો શાંત નહીં રહું તો લોકો શું કહેશે અથવા શાંત રહીશ તો લોકો પ્રશંસા કરશે અને પુણ્યબંધ થશે.” અપયશ આદિનો ભય કે યશાદિનું પ્રલોભન જીવની ક્ષમાનું કારણ બની રહે છે, જેથી તેની ક્ષમા લૌકિક હોય છે અને પરમાર્થથી તે ક્રોધનો ત્યાગી ગણાતો નથી. જેમ રાજાદિના ભયથી કે મહંતપણાના લોભથી કોઈ પરસ્ત્રી સેવે નહીં તો પરમાર્થથી તેને પરસ્ત્રીગમનનો ત્યાગી કહી શકાય નહીં, તેમ મિથ્યાદષ્ટિ ભયથી કે લોભથી ક્રોધ કરતો નથી, માટે તે ક્રોધનો ત્યાગી નથી. તેને ક્રોધ કરવાનો અભિપ્રાય મટ્યો ન હોવાથી બાહ્યમાં ક્રોધ ન કરતો હોવા છતાં તે ઉત્તમ ક્ષમાનો ધારક નથી.
આમ, ઉત્તમ ક્ષમા તે અકષાયી ભાવરૂપ છે, વીતરાગભાવસ્વરૂપ છે, શુદ્ધ ભાવરૂપ છે. તે કષાયરૂપ નથી, રાગભાવરૂપ નથી, શુભાશુભ ભાવરૂપ નથી; પણ તે સહુના અભાવરૂપ છે. તેથી જ પૂર્વાચાર્યોએ આભાસિક (લૌકિક) ક્ષમા અને મોક્ષસાધક (લોકોત્તર) ક્ષમા, એમ બે પ્રકારે ક્ષમાનું સ્વરૂપ બતાવ્યું છે. યતિધર્મ બત્રીસી', 'વિંશતિ વિશિકા' વગેરે ગ્રંથોમાં શાસ્ત્રકારોએ ક્ષમાને પાંચ પ્રકારે બતાવી છે – (૧) ઉપકાર ક્ષમા – “આ વ્યક્તિએ મારા ઉપર ઉપકાર કર્યો છે, મારે માથે એનું ઋણ છે, માટે એના પ્રત્યે ક્રોધ ન કરવો કે એની સામે ન બોલવું.' એમ વિચારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org