Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
७४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મીઠાશ એ આત્માનો જ્ઞાતાસ્વભાવ છે, ખાંડની ગરમી એ આત્મામાં થતા શુભાશુભ ભાવ છે, વાસણ એ શરીર છે અને અગ્નિ એ પૂર્વકર્મ છે. આત્માનું જાણપણું અર્થાત્ જ્ઞાતાસ્વભાવ અને શુભાશુભ ભાવ એકસાથે હોવા છતાં જ્ઞાતાપણું સ્વયં ચેતનનું છે, જ્યારે શુભાશુભ ભાવ પૂર્વકર્મના નિમિત્તે થાય છે. શુભાશુભ ભાવનો અભાવ થતાં આત્માનો અભાવ થતો નથી, તેથી શુભાશુભ ભાવ આત્માના છે અને આત્મામાં છે, છતાં તે આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો માત્ર જાણપણું છે, જે આત્મામાં સર્વદા વિદ્યમાન રહે છે. જાણપણું કાયમ રહે છે, જ્યારે શુભાશુભ ભાવો કાયમ ટકતા નથી. શુભાશુભ ભાવોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય સ્પષ્ટપણે અનુભવી શકાય છે. પરંતુ એની ઉત્પત્તિ, સ્થિતિ અને ક્ષીણતા - આ ત્રણેને જાણનાર તત્ત્વ સતત વિદ્યમાન છે. આ જ્ઞાયકપણું તે જ આત્માનો સ્વભાવ છે. આ જ્ઞાયકસ્વભાવના અવલંબન વડે શુભાશુભ ભાવો છેદાય છે અને મોક્ષસ્વભાવ પ્રગટે છે.
જેમ “મેલું પાણી’ એ એકવસ્તુરૂપે ભાસે છે, પણ વાસ્તવમાં ત્યાં બે વસ્તુ છે, મેલ અને પાણી. પાણી મેલું દેખાય ત્યારે પણ પાણી તો સ્વચ્છ જ છે, કારણ કે મેલ પાણીમાં હોવા છતાં તેનાથી અલગ છે. આ તથ્યનો ખ્યાલ રાખીને જ્યારે મેલ અને પાણીને છૂટા કરવાની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિર્મળ જળની પ્રાપ્તિ થાય છે. વ્યવહારથી જળ હવે નિર્મળ બન્યું, પણ નિશ્ચયથી તો તે મેલું જણાતું હતું ત્યારે પણ તે નિર્મળ જ હતું. એ જ રીતે શેયને અવલંબીને પ્રવર્તનારી જ્ઞાનશક્તિ શુદ્ધ જ છે. વિકાર વખતે જ્ઞાન અને શુભાશુભ ભાવ એકત્ર થાય છે, પરંતુ ત્યારે પણ જ્ઞાન તો શુદ્ધ જ છે. તે સતત જાણવાનું કાર્ય કરે જ છે. શુભાશુભ ભાવ વખતે આ શુદ્ધ જ્ઞાનશક્તિ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શુભાશુભ ભાવ વખતે પણ સતત વિદ્યમાન એવા શુદ્ધ જ્ઞાનને પકડવું જોઈએ.
જેણે પોતાના શુદ્ધ સ્વભાવનો નિશ્ચય કર્યો છે એવો આત્માર્થી જીવ જાણે છે કે મારામાં જે શુભાશુભ ભાવરૂપી વિકાર દેખાય છે તે મારા સ્વભાવભૂત નથી, પણ મારામાં આરોપાયેલા છે.' જે ક્ષણે શુભાશુભ ભાવ વર્તે છે, તે ક્ષણે જ વિવેકજ્યોતિના કારણે તે જાણે છે કે “મારો સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમાત્ર છે, આ શુભાશુભ ભાવ તો ઉપાધિરૂપ છે. આ શુભાશુભ ભાવ મારા સ્વભાવના આશ્રયે થયા નથી, પણ કર્મના આશ્રયે થયેલા છે; પરંતુ હવે હું મારા સ્વભાવના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટાવીને આ શુભાશુભ ભાવને છેદી નાંખીશ.' પોતાના સ્વભાવનો આવો નિશ્ચય કરીને તે પ્રમાણે જે જીવ વર્તે છે, તે જીવ મુક્તિ પામે છે.
પોતાના સ્વભાવને ભૂલીને કર્મ તરફના ઝુકાવના કારણે જીવને અનાદિથી શુભાશુભ ભાવની પરંપરા ચાલી રહી છે. શુભાશુભ ભાવની પરંપરા અનાદિથી ચાલતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org