Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૨
૩૧૫
મોહનીય કર્મના ઉદય વડે જીવને અયથાર્થ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ થાય છે તથા ક્રોધાદિ કષાયભાવ થાય છે. તે ભાવો જીવના અસ્તિત્વમાં છે, જીવથી જુદા નથી, જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણમનરૂપ જ એ કાર્ય થાય છે; પરંતુ તે ભાવોનું હોવું મોહનીય કર્મના કારણે જ છે. મોહનીય કર્મ દૂર થતાં તેનો અભાવ થાય છે, માટે એ જીવનો સ્વભાવ નથી, પણ ઔપાધિક ભાવ છે અને તેથી એ ભાવો વડે નવીન કર્મબંધ થાય છે. આમ, મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધમાં કારણભૂત છે.
અઘાતી કર્મના ઉદયથી આત્માને બાહ્ય સામગ્રીનો સંયોગ થાય છે. તેમાં શરીરાદિ તો જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી થઈ, એકબંધનરૂપ હોય છે તથા ઘર, ધન, કુટુંબાદિ આત્માથી ભિન્ન પ્રદેશમાં હોય છે. તે બધાં બંધનાં કારણે થતાં નથી, કારણ કે પરદ્રવ્ય બંધનું કારણ હોઈ શકે નહીં. આત્માને જે મિથ્યાત્વાદિ ભાવ થાય છે, તે જ બંધનના કારણરૂપ છે.
જીવ મોહનીય કર્મના કારણે પોતાને ભૂલી, પરમાં ઇષ્ટ-અનિષ્ટ કલ્પના કરી વિભાવરૂપે પરિણમન કરે છે અને તે જ કર્મબંધનું કારણ છે. જીવના વિકારી ભાવના નિમિત્તે કાર્મણ વર્ગણા (કર્મરજ) કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશો સાથે જોડાઈ જાય છે. જીવના એક સમયના વિકારી ભાવમાં આયુષ્ય સિવાયનાં સાત કર્મના બંધમાં અને દરેક ભવમાં કોઈ એક વખતે આયુષ્ય સહિત આઠે કર્મના બંધમાં કારણભૂત થવાની તાકાત હોય છે. આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એક જ વખત પડે છે, જ્યારે બાકીનાં સાત કર્મોનો બંધ સતત ચાલ્યા કરે છે. એ કેવી રીતે તે જોઈએ – (૧) જીવ પોતાના સ્વરૂપની અસાવધાની રાખે છે, તે મોહનીય કર્મના બંધનું નિમિત્ત થાય છે. (૨) સ્વરૂપની અસાવધાની હોવાથી જીવ તે સમયે પોતાનું જ્ઞાન પોતા તરફ ન વાળતાં પર તરફ વાળે છે, તે ભાવ જ્ઞાનાવરણીય કર્મના બંધનું નિમિત્ત થાય છે. (૩) તે જ સમયે, સ્વરૂપની અસાવધાનીના કારણે જીવ પોતાનું દર્શન પોતા તરફ ન વાળતાં પર તરફ વાળે છે, તે ભાવ દર્શનાવરણીય કર્મના બંધનું નિમિત્ત થાય છે. (૪) તે જ સમયે, સ્વરૂપની અસાવધાની હોવાથી જીવ પોતાનું વીર્ય પોતા તરફ ન વાળતાં પર તરફ વાળે છે, તે ભાવ અંતરાય કર્મના બંધનું નિમિત્ત થાય છે. (૫) સ્વરૂપની અસાવધાનીના સમયે પર તરફ લક્ષ હોવાથી પરનો સંયોગ થાય છે, તેથી તે સમયનો ભાવ શરીર વગેરે નામ કર્મનું નિમિત્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org