Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૨
૩૧૭
મોહરૂપ શત્રુને જીતવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. મોહનીય કર્મને હણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી કાનજીસ્વામી કહે છે કે –
જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય તો જ આત્મજ્ઞાન થાય, અને ઓછું જ્ઞાન હોય તો ન થાય એમ નથી. જ્ઞાનાવરણીય કર્મ કંઈ જ્ઞાનને વિપરીત કરતું નથી. જ્ઞાનને ઉઘાડ હીન-અધિક હોય તે ગુણ-દોષનું કારણ નથી. જ્ઞાનાવરણીયનો ઉઘાડ તે નિર્જરાનું કે મોક્ષનું કારણ નથી, પણ દર્શનમોહનીયકર્મનો ઉપશમ કે ક્ષયોપશમ પુરુષાર્થ વડે કર્યું ગુણ પ્રગટે છે. તેથી મિથ્યાજ્ઞાન પલટી સુજ્ઞાન થાય છે અને મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે.'
જીવે મોહનીય કર્મને હણવા પુરુષાર્થ કરવો જોઈએ અને તે તેમ કરી શકે એમ છે. કોઈ મનુષ્યમાં ગમે તેટલી શક્તિ હોય પણ જો એ પરતંત્ર હોય તો તેની શક્તિ પોતાની રીતે વાપરી શકતો નથી, પરંતુ જીવ પરતંત્ર નથી. પોતાની અસાવધાનીથી પણ સ્વતંત્રપણે તે કર્મોદયથી પ્રભાવિત થાય છે, માટે તે જાગૃત થઈ બળ કરે તો અવશ્ય કર્મના પ્રભાવથી મુક્ત થઈ શકે છે.
કર્મના પ્રભાવથી જીવને રાગ-દ્વેષાદિ થાય છે એ સત્ય છે, તથાપિ તેના કરતાં પણ મોટું સત્ય એ છે કે જીવ ઉપર કર્મનું અત્યંત પ્રબળ સામ્રાજ્ય સ્થપાઈ જાય તોપણ તે કર્મ આત્મશક્તિને તોડવા ક્યારે પણ સમર્થ થઈ શકતું નથી. તે કર્મસામ્રાજ્ય આત્મશક્તિના અખૂટ નિધાનને મિટાવી શકતું નથી. જેમ આકાશમાં વાદળોનું ગાઢ આવરણ પથરાઈ જાય, ધરતી ઉપર રાત જેવું વાતાવરણ છવાઈ જાય, તોપણ વાદળોમાં એવી તાકાત નથી કે સૂર્યને નષ્ટ કરી શકે; તેમ કર્મોનું પ્રગાઢ આવરણ હોય, આત્મા જડવતુ બનેલો દેખાય, તોપણ કર્મમાં એવું સામર્થ્ય નથી કે આત્માના ચૈતન્યસ્વભાવને નષ્ટ કરી શકે. કર્મના ગમે તેટલા પ્રબળ વંટોળથી પણ ચૈતન્યની જ્યોતિ બુઝાતી નથી. જીવની સ્વતંત્રતાની ધારા સતત પ્રવાહિત રહે છે. જો ચૈતન્યસ્વભાવ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવતો હોત તો કર્મ જ સર્વેસર્વા હોત, પરંતુ આત્માનો સ્વભાવ ક્યારે પણ નાશ પામતો નથી અને તેથી કર્મ આત્મા ઉપર પોતાનો એકાધિકાર જમાવી શકતું નથી. કર્મ આત્મા ઉપર અનેક પ્રકારે પોતાનો પ્રભાવ પાડે છે, પરંતુ આત્માના આ ત્રિકાળી સ્વાધીન સ્વભાવના કારણે કર્મ આત્મા ઉપર એકચક્રી શાસન કરી શકતું નથી. જ્યારે ચૈતન્ય જાગૃત થાય છે ત્યારે કર્મની સત્તા હચમચી ઊઠે છે. ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૯, શ્લોક ૧૯
'मोह एव परं वैरी नान्यः कोपि विचारणात् ।
ततः स एव जेतव्यो बलवान् धीमताऽऽदरात् ।।' ૨- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org