Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૩૨
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવાં ધન-કુટુંબાદિમાં તે મમત્વ કરે છે કે આ બધાં મારાં છે'; પણ એ સર્વે કોઈ પણ પ્રકારથી તેનાં થતાં નથી.
સ્વરૂપની ભાંતિ જીવને અનાદિથી છે. અનાદિ કાળના પરિભ્રમણમાં તેણે ક્યારે પણ સ્વનો પક્ષ લીધો નથી, સત્ની અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ સેવી નથી. પરિણામે તેની વૃત્તિ અનાદિ કાળથી પરરૂપે પરિણમે છે. તેની ચેતના પોતાના શુદ્ધ સ્વરૂપને છોડી સંસારી વસ્તુઓમાં અને તે વસ્તુઓ પ્રત્યેના રાગાદિ ભાવોમાં તન્મય થાય છે. દષ્ટિની વિપરીતતાના કારણે જીવ બહાર જ અટવાઈ જાય છે. અંતર્દષ્ટિની ઊણપના કારણે જે મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે તેને તે જોઈ શકતો નથી. જે મહાન તત્ત્વ અંદર છે, તેને જોવાથી-અનુભવવાથી વંચિત રહી જાય છે. પ્રાપ્ત કરવા જેવો એકમાત્ર આત્મા છે તેને તે પ્રાપ્ત નથી કરતો અને લક્ષ્મી, અધિકારાદિ પાછળ પડી ખુવાર થતો જાય છે. તેણે સંસારક્ષેત્રે ગમે તેટલું પ્રાપ્ત કર્યું હોય તોપણ તે અસફળતા જ છે, કારણ કે તેનાથી તેણે બેહોશી જ વધારી છે, અંશમાત્ર જાગૃતિ કેળવી નથી. મિથ્યા માન્યતાના કારણે તેની વ્યાકુળતામાં વધારો થતો જ રહ્યો છે અને તે એને કોઈ રીતે અટકાવી શકતો નથી. એમાં તેને નિષ્ફળતા જ મળે છે.
આ પ્રમાણે દર્શનમોહના ઉદયથી જીવને વિપરીત તત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યા ભાવ થાય છે. તે તત્ત્વોનું જેવું યથાર્થ સ્વરૂપ છે તેવી પ્રતીતિ નથી કરતો, પણ અન્યથા પ્રતીતિ કરે છે. આ મિથ્યા દર્શનરૂપ ઊંધો અભિપ્રાય તે જ મિથ્યા બોધ છે, જે સમ્યકુ બોધ વડે હણાય છે. દર્શનમોહનો નાશ સમ્યક્ બોધથી થાય છે એમ શ્રીગુરુએ કહ્યું, ત્યાં “બોધ' શબ્દનો અત્યંત સૂચક અર્થ છે અને તેથી તેનો પરમાર્થ સમજવા યોગ્ય છે. અહીં સમ્યક્ બોધ આત્મતત્ત્વના સંબંધમાં કહેવામાં આવ્યો છે. શ્રી જિનેશ્વરદેવે પ્રતિપાદિત કરેલું આત્માનું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ ગુરુગમે સમજી, ચિત્તમાં અવધારી, સંશય-વિષમ-વિમોહથી ઉત્પન્ન થતી અનેક વિપરીત માન્યતાઓ ટાળી; શુદ્ધ, નિર્મળ, નિર્વિકારી, અખંડ, નિશ્ચલ, જ્યોતિ સ્વરૂપ આત્મા જે પ્રકારે છે તે પ્રકારે યથાર્થ જાણવોશ્રદ્ધવો અને તે રૂપે તેનો અનુભવ કરવો એ સમ્યક્ બોધ છે અને તે બોધ મિથ્યા બોધને, અર્થાત્ દર્શનમોહને હણે છે.
અનાદિથી ચાર ગતિમાં રખડતો જીવ કષાયથી દુઃખી થઈ રહ્યો છે. દુ:ખમાં રખડતાં રખડતાં તેને થાક લાગે છે અને તેને ભોગોથી પર એવા પરમ તત્ત્વની ઝંખના જાગે છે. તે સુખ-શાંતિની શોધમાં ઊપડે છે, ત્યાં મહાપુણ્યોદયે તેને સાચા દેવ-ગુરુનો ભેટો થાય છે. તે શ્રીગુરુના ચરણોમાં સર્વસ્વ અર્પણ કરે છે, તેમની આજ્ઞા શિરોમાન્ય કરે છે. આત્મહિતની જિજ્ઞાસાથી શ્રીગુરુને વિનયપૂર્વક પૂછે છે, “હે પ્રભુ! ચારે ગતિની રઝળપાટમાં મને કશે જરા પણ શાંતિ ન મળી. હવે આ રઝળપાટથી હું થાક્યો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org