Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૧
૧૧૯ સાધનો કહેવાય છે, તેવા કોઈ પણ પદાર્થનો તેની સાથે મુકાબલો થઈ શકતો ન હોવાથી સિદ્ધ જીવનું સુખ નિરુપમ છે. સંપૂર્ણ સંસારમાં મુક્ત જીવના સુખ જેવું અન્ય સુખ નથી, એટલે તે સુખ નિરુપમ છે. મોક્ષના સુખને સંસારના કોઈ પણ સુખની ઉપમા આપી શકાય તેમ નથી, માટે તે અનુપમ છે.
કોઈ પણ વસ્તુની ઉપમા આપીને તેની સરખામણી કરી શકાય તેમ ન હોવાથી મોક્ષસુખનું વર્ણન કરવા કોઈ મોટા વિદ્વાન પણ સમર્થ નથી. મોક્ષસુખ અતીન્દ્રિય હોવાથી અવર્ણનીય છે. તેનું વર્ણન કરવું અશક્ય છે. તેનું વર્ણન કરવા માટે કોઈ પણ શબ્દ સમર્થ નથી. મુક્તાત્માને જે આનંદ અનુભવાય છે તેનું સ્વરૂપ યથાર્થ ભાવે કહેવા માટે જગતનો શાબ્દિક વ્યવહાર અસમર્થ છે. મુક્તાત્માનું સુખ દર્શાવવા માટે એક પણ શબ્દ છે જ નહીં. તર્ક ત્યાં સુધી પહોંચી શકતો નથી, કલ્પના પણ ત્યાં સુધી જઈ શકતી નથી. મોક્ષસુખ શબ્દથી પર જ છે, માટે તે અવાચ્ય છે.
મોક્ષમાં અનિર્વચનીય આનંદ છે. સિદ્ધ ભગવાનનું સુખ અનુભવગોચર તેમજ વચન-અગોચર છે. આ જગતમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જેને જીવ જાણતો હોવા છતાં પણ તે તેને કહી શકતો નથી, જેમ કે ઘીનો સ્વાદ. જો કે આ ભૌતિક વસ્તુઓ સંપૂર્ણ શાશ્વત અને અનંત ભેદવાળી નથી, તોપણ તે કહી શકાતી નથી; તો પછી સંપૂર્ણ શાશ્વત અને અનંત ભેદવાળા સિદ્ધના સુખને કઈ રીતે કહી શકાય?
મોક્ષસુખ જાણી શકાય છે, પણ કહી શકાતું નથી. તેને ભોગવવાવાળા અનુભવે તો છે, પણ કહી શકતા નથી. પાંત્રીસ અતિશયસંપન્ન વાણી ધરાવનાર ખુદ તીર્થકર ભગવંત પણ એને વર્ણવી શકતા નથી. મોક્ષસુખ ભગવાનને પ્રત્યક્ષ અનુભવાય છે, છતાં પણ તેને કહેવા માટે તીર્થકર ભગવાન વચનથી સમર્થ નથી, તે છતાં જગતના જીવોને તેના પ્રત્યે રુચિ ઊપજે તે માટે દિશાસૂચનરૂપે કાંઈક કહે છે. મોક્ષમાં ભોગવાતા સુખને ઉપમા આપવા યોગ્ય કોઈ પદાર્થ આ જગતમાં છે જ નહીં, તેમ છતાં વાણી દ્વારા તેના પ્રત્યે કાંઈક સંકેત કરવામાં આવે છે.
અહીં કોઈ શંકા કરે કે મુક્તને અનંત અવર્ણનીય સુખ છે તે વાત બરાબર નથી. તેનું કારણ એ છે કે પુણ્યથી સુખ અને પાપથી દુઃખ થાય છે. જે સુખ-દુઃખ છે તે પુણ્ય-પાપકૃત છે. કારણના નાશથી કાર્યનો પણ નાશ થાય છે. જેમ તેલનો નાશ થવાથી દીવો નાશ પામે છે, તેમ સર્વ કર્મથી રહિત એવા સિદ્ધ જીવને કારણરૂપ પુણ્યપાપનો નાશ થયો હોવાથી, તેના નિમિત્તે ઉત્પન્ન થતાં સુખ-દુ:ખ નાશ પામે છે. માટે મુક્તાત્મા સુખ-દુઃખ બનેથી રહિત સાબિત થાય છે. મુક્તાત્મામાં તો સર્વ કર્મનો નાશ થયો હોવાથી પુણ્ય કે પાપ બનેમાંથી કશું જ નથી, તેથી મુક્તાત્મામાં આકાશની જેમ સુખ કે દુઃખ કશું જ ન હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org