Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૮
૨૨૫ સમ્યગ્દર્શન પાકશે, આનંદ પાકશે, અનંત નિર્મળતાઓ હાલી નીકળશે. તેથી પરમાં ભટકવાનું છોડ અને ભેદજ્ઞાન વડે ચૈતન્યનો અનુભવ કર.”
ભેદજ્ઞાનની પ્રક્રિયામાં સૌ પ્રથમ બુદ્ધિપૂર્વક પ્રયાસ ચાલુ થાય છે. અહીં પ્રયાસનો અર્થ છે - પોતે માત્ર જાણનારો છે એમ જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ. હર્ષ-શોકના પ્રસંગે આંતર નિરીક્ષણ કરતાં સ્પષ્ટ સમજાય છે કે પોતાના જ્ઞાનમાં ખરેખર કંઈ વધઘટ થઈ જ નથી, અર્થાત્ હર્ષના પ્રસંગે પોતાને કંઈ મળ્યું નથી, તેમજ શોકના પ્રસંગે પોતામાંથી કંઈ ગયું નથી. આ પ્રકારે ભેદજ્ઞાનના અભ્યાસથી સમજાય છે કે “દેહાદિ પદ્રવ્ય અને રાગાદિ પરભાવ મારા ઉપર કંઈ અસર પહોંચાડી શકતાં નથી. અનંત કાળથી રાગાદિ ભાવોની અસર તળે અનેકવિધ વિકારપરિણામ વચ્ચે રહેવા છતાં મારું જ્ઞાનસ્વરૂપ સદા નિર્લેપ જ રહેલું છે.' કાર્ય કર્યું, પ્રસંગે પ્રસંગે, સ્વહિતમાં ઉત્સાહિત વીર્યથી વર્તતો સાધક પોતાનું સ્વરૂપ પર્યાયદષ્ટિથી ન નીરખતાં દ્રવ્યદૃષ્ટિથી નીરખતો હોવાથી તેને નિજસ્વરૂપ સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પરમેશ્વર સમાન ભાસે છે. પથ્થરની શિલા પડી હોય તો સામાન્ય માણસને તો એ શિલારૂપ દેખાય, પણ શિલ્પીને તેમાં મૂર્તિનાં દર્શન થાય. પોતાની કલાથી તે પારખી લે છે કે પથ્થરના કયા ભાગમાંથી મૂર્તિનું કયું અંગ નીકળશે. પોતાનાં છીણી-ટાંકણાથી પથ્થરના અનાવશ્યક ભાગને તે કાઢી નાખે છે અને પરિણામે સુંદર મૂર્તિનું નિર્માણ થાય છે. તેવી જ રીતે સાધકને વર્તમાન વિભાવદશામાં પણ પોતાનામાં ભગવાન આત્માનાં દર્શન થાય છે. પરભાવાદિ જે અન્ય અંશો છે, તેને તે પ્રજ્ઞાછીણીથી કાઢી નાંખે છે અને પરિણામે સ્વભાવના લક્ષે નિજપદને પામે છે. ભેદજ્ઞાનનો અભ્યાસ સ્વસમ્મુખતાના સહજ પુરુષાર્થને ઉત્પન્ન કરે છે, જે વૃદ્ધિગત થતાં કોઈ અપૂર્વ પરાક્રમથી જીવને આત્માનો અતીન્દ્રિય અનુભવ થાય છે. પરમાર્થપ્રાપ્તિની તીવ્ર અભિલાષામાં વર્તતા મુમુક્ષુને ભેદજ્ઞાનનો પ્રયાસ સહજપણે સફળ થાય છે.
આમ, ભેદજ્ઞાનના બળ વડે દેહાદિ સંયોગો અને રાગાદિ વિકારોથી પોતાની ભિન્નતાનો ભાવ આસ્વાદ્યો હોવાથી કર્મકૃત અવસ્થાને પોતાની નહીં જાણતાં, હિતરૂપ નહીં માનતાં, પોતારૂપ નહીં અનુભવતાં, પરદ્રવ્ય અને પરભાવથી અત્યંત ભિન્ન રહી ભેદવિજ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જ પોતાનું સ્વરૂપ જાણે છે, હિતરૂપ માને છે અને પોતારૂપે અનુભવે છે. ભેદજ્ઞાનનો આવો અપૂર્વ મહિમા છે. ચંદનના જંગલમાં ઘણા સાપ હોય છે. તે બધા ચંદનના ઝાડને વીંટળાયેલા જ રહે છે, પણ ગરુડ આવે કે બધા ભાગમભાગ કરવા માંડે છે. તેવી રીતે ભેદજ્ઞાનરૂપ ગરુડ આવે કે રાગાદિ વિભાવરૂપ સાપોમાં ભાગમભાગ મચી જાય છે! જેમ જેમ ભેદજ્ઞાનની જાગૃતિ વધતી જાય છે, તેમ તેમ રાગાદિ વિભાવોનો વિલય થતો જાય છે. ભેદજ્ઞાનનો મહિમા ગાતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org