________________
૨૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રમાદ સહિત પ્રવૃત્તિ થાય ત્યારે અન્ય જીવ મરે કે ન મરે તોપણ ત્યાં અવશ્ય હિંસા છે જ. બહારની ક્રિયાઓ તો તેનાં પ્રતિફળ છે. તાત્પર્ય એ છે કે રાગ-દ્વેષનું થવું તે હિંસા છે અને રાગ-દ્વેષના મટવાને અહિંસા ધર્મ કહેવામાં આવે છે.
આમ, વિભિન્ન દષ્ટિકોણથી નિરૂપાયેલી ધર્મની વ્યાખ્યાઓને સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તે સર્વ એકાર્યવાચક જણાય છે. તે સર્વ વ્યાખ્યાઓ રાગ-દ્વેષના અભાવ પ્રત્યે સંકેત કરે છે. ધર્મની વિવિધ વ્યાખ્યાઓમાં રાગ-દ્વેષનો અભાવ એટલે કે વીતરાગતાનું લક્ષ જ દેખાય છે. આ રાગ-દ્વેષના અભાવરૂપ ધર્મથી જ જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. રાગ-દ્વેષના અભાવરૂપ ધર્મ પરમ અમૃતસ્વરૂપ છે. તે ધર્મ સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરે છે. નિરંતર ભય, ક્લેશ અને સંતાપથી ભરેલા આ સંસારમાં તે એક જ સારરૂપ છે, સુખરૂપ છે. તે ઉત્તમ શરણરૂપ ધર્મ સર્વત્ર છવાયેલી અનંત અશરણતાનો એકમાત્ર ઉપાય છે. એના વિના ભવાટવીભ્રમણમાં પ્રાણીને કોઈ સહાયરૂપ નથી. ધર્મ જીવને સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે છે, માટે સુખી થવું હોય - સર્વ ક્લેશથી છૂટવું હોય તો સર્વ રાગ-દ્વેષની ક્ષીણતારૂપ ધર્મ અંગીકાર કરવો જોઈએ, આરાધવો જોઈએ. શ્રી જૂઠાભાઈ ઉપરના એક પત્રમાં શ્રીમદ્ લખે છે –
“જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.”
અહીં પ્રશ્ન થાય કે રાગ-દ્વેષની ઉત્પત્તિનું કારણ શું છે? તો તેના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે પરદ્રવ્ય અને પરભાવમાં તાદાભ્યપણું ભાસવું તે રાગ-દ્વેષની ઉત્પત્તિનું મૂળ કારણ છે. ઉપયોગ જો પરવસ્તુની તન્મયતા છોડી આત્મામાં સ્થિર થાય, અર્થાત્ આત્મા આત્મારૂપે પરિણમે તો સંપૂર્ણ રાગ-દ્વેષનો અભાવ થતાં મોક્ષ થાય. આ વિષે શ્રીમદ્ લખે છે –
“અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે, તે તાદાભ્યપણું નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં સમાયા છે.૨
જીવ પોતે જ્ઞાયકસ્વભાવી છે, પરંતુ અજ્ઞાની સ્વયંને જ્ઞાનરૂપ નથી જાણતો પણ શરીરરૂપ જાણે છે. તે શરીરમાં હુંપણું માને છે. તેને દેહમાં આત્મબુદ્ધિ હોવાથી દેહમાં થતા ફેરફારને તે પોતાના ફેરફાર માને છે. દેહના ધર્મને પોતાનો ધર્મ માનતો હોવાથી દેહને અનુકૂળ સામગ્રીમાં તે રાગ કરે છે અને પ્રતિકૂળ સામગ્રીમાં દ્વેષ કરે છે. શરીરને પોતારૂપ માનવાથી તથા શરીર સંબંધી અનેક પદાર્થોને પોતાના માનવાથી તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૦ (પત્રાંક-૩૭) ૨- એજન, પૃ.૪૩૮ (પત્રાંક-૫૪૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org