Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૦
૨૭૫
સળગી ઊઠીને થોડી જ ક્ષણોમાં રાખ બની જાય છે, તેમ અનેક જન્મોથી સંચિત થયેલો કર્મરાશિ સમતાયુક્ત અધ્યવસાયનો સંપર્ક થતાં પળવારમાં નિર્જરી જાય છે. તેથી જ જ્ઞાની ભગવંતોએ વારંવાર ઉપદેશ્ય છે કે “સમત્વભાવનો અભ્યાસ કરો. વસ્તુ-વ્યક્તિપરિસ્થિતિ પ્રત્યે ન રાગ કરો, ન ટ્રેષ; ન અપેક્ષા, ન ઉપેક્ષા; માત્ર તટસ્થતાથી તેને જાણો. વૃત્તિઓ અંગે નિરંતર જાગૃત રહો. પોતાની વૃત્તિઓનું અવલોકન કરો. જેવી અશુદ્ધ વૃત્તિ જાગે કે તરત જ તેનું પ્રતિક્રમણ કરી લો, તેનું પ્રત્યાખ્યાન લો. જો તાત્કાલિક આમ નહીં થાય તો તે અશુદ્ધ વૃત્તિ કાં તો અભિવ્યક્ત થઈ જશે કાં તો અવચેતન મનમાં સંગૃહીત થઈ જશે. માટે જેવી વૃત્તિ ઊઠે કે તરત જ અવલોકનપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરી લેવાં. સ્વરૂપની જાગૃતિ ટકાવી રાખવી. આમ કરવાથી નવીન કર્મોનું આવવું અટકે છે તથા પૂર્વસંચિત કર્મપુદ્ગલોનો જથ્થો હાનિ પામતો જાય છે.' આ પ્રકારે કર્મના ઉદયમાં ઉપયોગની સંધિ ન કરતાં રાગ-દ્વેષરહિત સાક્ષીભાવમાં રહેવું એ માત્ર સંવરનું જ નહીં, નિર્જરાનું પણ પ્રબળ સાધન છે. પ્રસ્તુત ગાથાના વિવેચનમાં બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી આ જ તથ્યને સરળ ભાષામાં સમજાવતાં કહે છે –
‘કર્મ તો પૂર્વે બાંધેલાં ઉદય આવે પરંતુ આત્મા છે તેમાં તન્મયપણે ન પરિણમે, પોતાના સ્વરૂપમાં સ્થિર રહે, જુદો રહે, રાગદ્વેષ ન કરતાં સમભાવમાં વર્તે તો જૂનાં કર્મની ગાંઠ છૂટી જાય ને નવા બંધ ન પડે.'
સ્વરૂપજાગૃતિથી કર્મની નવી ગાંઠો બંધાતી નથી અને જૂની ખૂલવા લાગે છે. નવાં કર્મ બંધાતાં નથી અને જૂનાં ખરી જાય છે; પરંતુ જેઓ ઘોર મિથ્યાત્વવશ પર પ્રત્યેની અ-મમબુદ્ધિમાં રાચે છે, તેઓ નિરંતર કર્મોનો આસવ કરતા રહે છે, કર્મોને આવવાનાં દ્વાર ખોલતા રહે છે. જો મોહની વૃત્તિઓ શાંત થાય, ઓછી થાય, તો કર્મોનું દબાણ આપોઆપ ઓછું થવા લાગે; અને તેથી વિભાવપરિણામ દૂર હટે, સ્વરૂપદૃષ્ટિનું બળ રહે-વધે તથા અજ્ઞાનની નિવૃત્તિ થઈ આત્મજ્ઞાન પ્રગટે. આનંદસ્વરૂપ વ્યક્ત થતાં અવિદ્યાની શૃંખલા, તૃષ્ણાનું મૂળ, વ્યાકુળતાનું કારણ, દુ:ખનો પહાડ ચૂરેચૂરો થઈ સમાપ્ત થઈ જાય. અજ્ઞાનનું નિવારણ થવાથી આખું જીવન બદલાઈ જાય અને સંસાર મૃત:પ્રાય બનીને રહી જાય.
આત્મજ્ઞાનના કારણે વ્યક્તિ એટલી બધી રૂપાંતરિત થઈ જાય છે કે પહેલાંની વ્યક્તિ અને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીની વ્યક્તિ એક નથી રહેતી. તેના વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન આવી જાય છે. પોતે કેવળ જ્ઞાયક હોવા છતાં પૂર્વે ભાંતિના કારણે દેહ, વાણી વગેરે પરપદાર્થોમાં અને વિકારોમાં ખોવાઈ ગયો હતો; તેણે શ્રદ્ધાનમાં નિજસ્વરૂપમાં પરની અને વિભાવની ભેળસેળ કરી લીધી હતી, પરંતુ હવે તે પોતાની ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, “આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org