Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૦
૨૭૭ ફળની પકડ ક્યારે પણ હતી જ નહીં! જો કે જ્ઞાનીનું ઉદયાનુસાર વર્તન જોઈને અજ્ઞાનીને તો એમ લાગે છે કે “અમે પણ શુભ-અશુભ ભાવ કરીએ છીએ અને અમારી જેમ આ જ્ઞાની પણ શુભાશુભ ભાવ કરી રહ્યા છે', પણ જ્ઞાનીની પરિણતિ અંતરમાં રાગથી ભિન્ન રહીને કંઈક જુદું જ કામ કરી રહી હોય છે.
જ્ઞાનીએ પોતાના જ્ઞાનસ્વભાવને સમસ્ત શુભાશુભ ભાવોથી ભિન્ન જાણ્યો છે, એટલે તેમનો પ્રયત્ન રાગને મટાડવાનો છે, રાગને વધારવાનો નહીં. તેમને ‘રાગનો રાગ' કદાપિ હોય નહીં. ‘રાગનો રાગ' અનંતાનુબંધીનો પ્રકાર છે કે જે અજ્ઞાની જીવને જ હોય છે. અજ્ઞાની રાગને પોતાપણે અનુભવે છે. તે રાગમાં પોતાનું બળ માને છે. તેણે રાગથી ભિન્નતાનું ભાન કર્યું ન હોવાથી તે રાગને ટાળી શકતો નથી. જે રાગને પોતાના સ્વભાવમાં ખતવે તે તેને કેમ ટાળી શકે? જ્ઞાનીએ રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવના વીતરાગી આનંદનો અનુભવ કર્યો છે, એટલે તે આનંદ સાથે સરખાવતાં રાગ તેમને રોગ જેવો લાગે છે - હળાહળ ઝેર જેવો લાગે છે અને તેથી શુદ્ધતાના પરિણમન વડે તે રાગને તેઓ મટાડવા માંગે છે. અજ્ઞાનીને તો રાગ અને પોતાની ભિન્નતાનું ભાન નથી, વીતરાગી આનંદની ખબર નથી, તો તે રાગને કોની સાથે સરખાવશે? તે તો અશુભ કરતાં શુભ રાગને સારો માને છે, પરંતુ શુભ રાગમાં પણ આનંદ નથી, તેમાં પણ આકુળતા જ છે એની તેને ખબર નથી. રાગાદિ અશુદ્ધ ભાવપણે જ તે પોતાને અનુભવે છે.
રાગાદિ અશુદ્ધ ભાવપણે જ પોતાને જે અનુભવે છે તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થતો નથી. અનાદિ કાળથી જીવ જ્ઞાનાનંદસ્વભાવ તથા રાગાદિ વિભાવોની એકતામાં ગૂંચવાઈ ગયો છે. આ એકત્વની આંટી ઊકલે નહીં ત્યાં સુધી જ્ઞાનાનંદસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આ આંટી ઉપર અંતરના જોરથી પ્રજ્ઞાછીણી પટકવાથી જ્ઞાનાનંદસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્માનો સહજ જ્ઞાયકભાવ અને રાગાદિ અશુદ્ધ ભાવો કિંચિત્ પણ એકમેક નથી, પણ જુદા સ્વભાવવાળા છે. અત્યંત જાગૃતિપૂર્વક બે વચ્ચે હું માત્ર જ્ઞાયક છું. જ્ઞાયક સિવાયનું બીજું બધું ભિન્ન છે' એવું ભેદજ્ઞાન પ્રગટાવતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે. જેમ પાણી અને કાદવ સર્વથા એક નથી, તેથી ઔષધિ વડે તેને જુદા પાડી શકાય છે; તેમ ભેદજ્ઞાનરૂપી પરમ ઔષધિ વડે આત્માને અને રાગાદિ અશુદ્ધ ભાવોને ભિન્ન કરીને શુદ્ધાત્માને અનુભવ થઈ શકે છે. ભેદજ્ઞાન કરીને શુદ્ધ આત્માનો અનુભવ કરનારા જીવો વિરલા છે.
જ્ઞાયકનું સહજ અસ્તિત્વ લક્ષમાં લીધું હોવાથી, માત્ર જ્ઞાયકભાવ જ રુચતો હોવાથી જ્ઞાનીને વિભાવભાવ હોય તો પણ તે રુચતો નથી. રાગ વખતે પણ ‘રાગ તે હું નહીં' એવી જાગૃતિ વડે તેઓ રાગનો નાશ કરે છે. જેમ કોઈ પાડોશીના છોકરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org