Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જાતને દેહ અને મનની પલટાતી અવસ્થાઓથી તથા સમસ્ત દશ્ય જગતથી તદ્દન ભિન્ન અનુભવે છે. પોતે નામરૂપાત્મક શરીરથી ભિન્ન છે, વિચારો અને મનથી પણ જુદો છે, ક્ષણે ક્ષણે પલટાતા ભાવોથી પણ પૃથક્ છે - એમ પારદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવા પોતાના સહજાત્મસ્વરૂપની અનુભવ સહિતની પ્રતીતિ પ્રગટી હોવાથી જ્ઞાની કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠે છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન, સંયોગોથી જુદા, કર્મના ઉદયવિપાકોથી જુદા, રાગાદિ ભાવોથી જુદા, એક જ્ઞાયકસ્વભાવનું જ તેમને સતત ભાન વર્તે છે. તેમના અંતરમાં જ્ઞાયકની જે પકડ છે તે એક પળ પણ છૂટતી નથી. બાહ્ય પરિવર્તનો વચ્ચે તેઓ એક અખંડ સત્તારૂપે અચળ રહે છે અને તેથી તેનાથી અપ્રભાવિત રહે છે. સંયોગોની ભીડમાં તેમનું જ્ઞાન ભીંસાઈ જતું નથી, જ્ઞાન તેનાથી જુદું ને જુદું જ રહે છે. કર્મનો વિપાક તે મારો સ્વભાવ છે જ નહીં' એમ કર્મોદયને પોતાથી ભિન્ન અનુભવે છે. એવી સહજ જ્ઞાનદશા વડે જ જ્ઞાની ઓળખાય છે અને એ જ્ઞાનદશા જ જ્ઞાનીની દશા માપવાનું થર્મોમીટર’ છે. બાહ્યમાં પુણ્યનો ઉદય હોય
પાપનો, જ્ઞાનીપરષને એ ઉદય સ્પર્શતો જ નથી. જેમ ફરતી ઘંટી ઉપર બેઠેલી માખી, સંજોગદષ્ટિએ જોનારને ફરતી લાગે, પણ માખી તો સ્થિર બેઠી છે; તેમ જ્ઞાનીપુરુષના ઉદયને લક્ષમાં રાખીને કોઈ તેમની અંતરંગ દશા પારખવા જાય તો તે ગૂંચવાઈ જાય છે. તે તેમની દશા ઓળખવામાં ભૂલ કરી બેસે છે. બાહ્ય દૃષ્ટિ છોડી તેમનું અંતઃકરણ નિહાળે તો ખબર પડે કે બાહ્યના તીવ્ર સારા-નરસા ઉદયમાં પણ તેઓ તો પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર છે.
જ્ઞાની પુરુષોને તો એકમાત્ર સ્વરૂપસ્થિરતાનું જ પ્રયોજન છે. સ્વરૂપસ્થિરતાને સાધવામાં જ તેમને લાભ દેખાય છે. વીતરાગતા વધે તેવી જ રીતે તેઓ વર્તે છે. સ્વભાવની સન્મુખતા કદી છૂટે નહીં એવી જાગૃતિ તેમને સદા રહે છે. અસ્થિરતાવશ કંઈક રાગ આવી જાય તો પણ તેને ભલો ન જાણતાં એક આત્મસ્વભાવને જ હિતરૂપ જાણે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી હજી અસ્થિરતા વર્તતી હોવાથી જે અલ્પ રાગાદિ થાય છે તેને પણ ભેદવિજ્ઞાનની જાગૃતિ વડે દૂર કરી, તેઓ અવિરતપણે સ્વરૂપસ્થિરતાના પુરુષાર્થમાં લાગેલા રહે છે. પૂર્વકર્મના ઉદય અનુસાર પ્રવૃત્તિ કરવી પડે તો તે કરે છે, પણ તેમને રૂચિ તો સ્વભાવમાં સ્થિર થવાની જ રહે છે. વારંવાર નિર્વિકલ્પ ધારામાં રહેવાની – જ્ઞાયકસ્વભાવમાં રમવાની રટણા વર્તે છે. હું પૂર્ણ છું' ની ખુમારી વર્તે છે અને સાથે સાથે તે પૂર્ણ સ્વરૂપમાં પૂર્ણપણે ઠરવાની ભાવના પણ વર્તે છે. તેમને એક સ્વરૂપરમણતા સિવાય કશું ઉપાદેય લાગતું નથી. શુભ ભાવ હોય કે અશુભ ભાવ, પુણ્યનું ફળ ભોગવાતું હોય કે પાપનું - તેમના આત્મપ્રત્યયી વલણથી તે સર્વ પ્રત્યેના વલણમાં ધરખમ ફેરફાર આવી જાય છે. તેઓ બધેથી જુદા ને જુદા જ રહે છે. આત્માની પકડ એવી તો થઈ જાય છે કે જાણે શુભાશુભ ભાવ અને શુભાશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org