________________
૨૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કેમ કે આત્મામાં શરીર, પૈસા વગેરેની નાસ્તિ છે. આત્મા તો જ્ઞાનનો પુંજ છે, અર્થાત્ જેટલું જ્ઞાન તેટલો આત્મા છે. જેમ સાકર કેટલી તો કે જેટલું ગળપણ છે તેટલી, કચરો કે મેલ તે સાકર નથી; તેમ આત્મા કેટલો તો કે જેટલું જ્ઞાન તેટલો આત્મા છે, જડનો સંયોગ કે રાગાદિ મેલ તે આત્મા નથી. આત્માને સંયોગરૂપ કે રાગાદિરૂપ માનવો તે માત્ર આભાસ છે.
આભાસ એટલે જે યથાર્થ ન હોય તે. જ્યાં આભાસ છે ત્યાં યથાર્થતા નથી હતી. રણમાં દેખાતાં ઝાંઝવાનાં જળ તે યથાર્થ નથી પણ આભાસ છે, તેથી તે કદી તૃષા છિપાવી શકે નહીં, તેમ આત્મા સર્વ દેહાદિ સંયોગ અને વિભાવના આભાસથી રહિત છે. કર્મકૃત અવસ્થા અને કર્મકૃત ભાવો તે આત્માનું યથાર્થ સ્વરૂપ નથી, આભાસ છે. તેને જો આત્માનું સ્વરૂપ માની લેવામાં આવે તો આત્માનું સત્ય સ્વરૂપ લક્ષગત થાય નહીં અને તેથી મોક્ષપ્રાપ્તિ સંભવે નહીં. આ વિષે સ્ફટિકનું પ્રસિદ્ધ દૃષ્ટાંત આપતાં શ્રીમદે લખ્યું છે
‘શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાભ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી.'
સ્ફટિક રત્નનો સ્વભાવ નિર્મળ હોવા છતાં જેવો સંયોગ હોય તેવો તેમાં આભાસ થાય છે. લાલ ફૂલનો સંયોગ થાય તો તે લાલ જણાય છે, પણ તે ખરેખર લાલ થઈ જતું નથી. લાલપણું તે માત્ર આભાસ છે, કારણ કે તેનો સ્ફટિકની અંદર પ્રવેશ થતો નથી, માત્ર બહારથી તેવો આભાસ થાય છે, અંતરનિર્મળતા જેવી હતી તેવી જ રહે છે. આત્મા પણ સ્ફટિક મણિ સમાન નિર્મળ અને ઉજ્વળ છે. નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મરૂપ ઉપાધિના કારણે આત્મા તેવો ભાસે છે, પણ તે તેનું સાચું સ્વરૂપ નથી. દેહાદિ સંયોગ અને રાગાદિ વિભાવનો આત્મસ્વભાવમાં પ્રવેશ થતો નથી, માત્ર બહારથી એવો ભાસ થાય છે. ૨ આત્માની દર્શન-જ્ઞાનની અંતરશક્તિ જેવી ને તેવી જ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૮૯ (હાથનોંધ-૧, ૧) ૨- જુઓ : (૧) આચાર્યશ્રી યોગીન્દ્રદેવકત, ‘પરમાત્મપ્રકાશ' , અધિકાર ૨, ગાથા ૧૭૭
'जेम सहाविं णिम्मलउ कलिहउ तेम सहाउ ।
भंतिए मइलुम मण्णि जिय मइलउ देक्खवि काउ ।।' (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૨, કડી ૧૭, ૧૮
જિમ નિરમલતા રે રતનસ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબલ કષાય-અભાવ. જિમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તિમ અગિ જીવને, રાગદ્વેષ-પરિણામ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org