Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૦
૨૬૫
બધામાં તેને અહંકારનો ભાવ ઉત્પન્ન થાય છે. અહંકારને થોડી પણ ચોટ લાગતાં ક્રોધ ઊપજે છે. અહંકારની પુષ્ટિ કરવા અનેક જડ તથા ચેતન પદાર્થોનો સંગ્રહ કરવાની ઇચ્છાથી લોભ ઊપજે છે. પોતાની ઇચ્છા મુજબ ઉપાયો ફળીભૂત ન થતાં માયારૂપ - કપટરૂપ પરિણામ જાગે છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. આમ, શરીરને પોતારૂપ માનવાથી સર્વ કષાયો ઉદ્ભવે છે.
વળી, તે આ ઔદયિક (કર્મકૃત) ભાવોને પોતાના ભાવ માને છે. શુભાશુભ ભાવો કે જે રાગ-દ્વેષરૂપ છે તેને પોતાના સ્વભાવરૂપ માને છે. જેમ શરીરના એક ભાગમાં ગૂમડું થયું હોય અને જો આખા શરીરને ગૂમડારૂપે જ માની લેવાય તો તે માન્યતા ખોટી છે, તેમ અનંતગુણસ્વરૂપ આત્મા અનંત શક્તિથી ત્રિકાળ ટકનારો છે, તેને વર્તમાન એકેક સમય પૂરતો કે વિકાર જેટલો માની લેવામાં આવે તો તે ભૂલ છે. શુભાશુભ ભાવ ગૂમડાં જેવાં છે. આત્મસ્વભાવ તે રૂપ નથી. આત્મસ્વભાવ રાગાદિ વિકારરહિત છે, શુદ્ધ છે, સુખથી ભરપૂર છે, અતીન્દ્રિય ગુણોની બેહદ મીઠાશથી છલોછલ ભરેલો છે. જેમ શક્કરકંદ ઉપરની ઝીણી લાલ છાલ કડવી છે, પણ તે તો ઉપરનું સ્તર છે, અંદર તો મીઠાશનો પિંડ છે; તેમ વિનાશી શુભાશુભ ભાવ લાલ છાલ જેવા છે, તે ઉપરટપકે છે, અંદર તો જ્ઞાનાનંદરૂપ અમુતરસનો પિંડ છે. સ્વભાવના ભાન વડે તેમાં એકાગ્ર થવાથી તે પ્રગટ અનુભવમાં આવે છે. પરંતુ અજ્ઞાની એક સમયની પર્યાયના રાગ-દ્વેષમાં અટકી જાય છે, તેથી માત્ર કડવાશ પામે છે. તે કડવાશની પાછળ રહેલા જ્ઞાનાનંદસ્વભાવનો અનુભવ તે ચૂકી જાય છે. તે રાગદ્વેષને સ્વભાવરૂપ માનતો હોવાથી રાગ-દ્વેષનો અભાવ કરવાનું તેને સૂઝતું નથી.
આમ, કર્મકૃત અવસ્થાઓ અને કર્મકૃત ભાવોમાં એકતા એ જ રાગ-દ્વેષરૂપ વૃક્ષનું મૂળ છે. જો જીવ શરીર અને વિકાર સાથેની એકાત્મતાની મિથ્યા માન્યતા છોડી દે, પોતાના સ્વભાવને સમજીને તેનું ઘોલન કરે, વારંવાર સ્વભાવ પ્રત્યે દષ્ટિ કરે તો અવશ્ય આત્માનું દર્શન થાય અને આખું જીવન બદલાઈ જાય. માટે આવશ્યકતા છે પરમાં પોતાપણાની માન્યતા મટાડવાની.
પરમાં હુંપણું નષ્ટ કરવા જીવે પોતાના આત્મા પ્રત્યે પરમ પ્રેમ પ્રગટાવી, નિજ ભગવાન આત્માને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે પોતાના હિતનો વાંછક હોય તેણે સૌથી પહેલાં યથાર્થ તત્ત્વનિર્ણય કરવો જોઈએ કે હું શરીર નથી, શુભાશુભ ભાવો મારા નથી, હું તો સર્વથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ જ્ઞાનનો પિંડ છું. આ કાયા-મનવાણી એ મારું સ્વરૂપ નથી અને એનાથી ભોગવાતા વિષયો તેમજ સર્વ ઔદયિક ભાવો પણ મારા નથી. આ પ્રકારે પરદ્રવ્યો અને પરભાવોમાંથી પોતાપણું છોડીને ઉપયોગસ્વરૂપી શુદ્ધ ભગવાન આત્મામાં પોતાપણાની દૃઢ ભાવના કરવી એ જ આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org