Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધર્મના પંથે ચઢી આંતરિક શાંતિ પ્રાપ્ત કરવી હોય તો જે અશાંતિ અને દુઃખ પ્રિય નથી, તેના કારણરૂપ વિકારનો ત્યાગ કરવો ઘટે છે. રાગાદિ વિકારભાવ ટાળી ચિત્તને વિકારરહિત સ્વચ્છ બનાવવું ઘટે છે. અશાંતિનો જનક એવો વિકારભાવ જન્મે છે પ્રતિકારમાંથી. બહિર્મુખી જીવ કેવળ સાક્ષી નથી રહી શકતો. વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિમાં માનેલા ઈષ્ટ-અનિષ્ટ તત્ત્વ પ્રત્યે તેનું ચિત્ત સદૈવ પ્રતિકાર આપતું રહે છે. પ્રિય અથવા અપ્રિય ઘટનાનો પ્રતિકાર મનમાંથી નિરંતર ઊઠતો રહે છે. અવચેતન મનમાં સંગૃહીત જન્મ-જન્માંતરના સંસ્કારો અનુસાર તે જીવ જગતની ઘટનાઓ પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવતો જ રહે છે. પાંચ ઇન્દ્રિયો તથા મન સાથે તેના સંબંધિત વિષયો સંપર્કમાં આવે છે કે તરત જ ત્વરિત ગતિએ જાણવાનું, ઓળખવાનું, મૂલ્યાંકન કરવાનું, સંવેદનશીલ થવાનું અને પ્રતિક્રિયા આપવાનું કાર્ય થાય છે. સુખદ સંવેદના થતાં એ પ્રિય લાગે છે, એના પ્રતિ રાગ જાગે છે. દુ:ખદ સંવેદના થતાં એ અપ્રિય લાગે છે, એના પ્રતિ વેષ જાગે છે. અનુકૂળતા માટે તેને પ્રતિક્રિયા થાય છે - ‘જોઈએ છે, વધુ જોઈએ છે.' પ્રતિકૂળતા માટે તેને પ્રતિક્રિયા થાય છે - “નહીં જોઈએ, બિલકુલ નહીં જોઈએ.' તે સદૈવ આમ જ કરતો રહે છે. તેની પ્રતિક્રિયાની પરંપરા સતત ચાલુ રહે છે. જીવનમાં જે પણ પ્રસંગો આવે, તેને જ્ઞાયકભાવે જોવાને બદલે અજ્ઞાની જીવને ખુશાલીના (રાગાત્મક) અને વસવસાના (દ્વષાત્મક) ભાવ રહે છે. વાહ વાહ, બહુ મઝા આવી, ફરીથી મળવું જોઈએ, ફરીથી કરવું જોઈએ, જેથી ફરીથી આટલી મઝા આવે અને જીવનમાં આનંદ આનંદ રહે', એવો ખુશાલીનો ભાવ; અથવા તો “આ થાય છે તે ખોટું થાય છે, ન થયું હોત તો સારું થાત; મારે આમ કરવું જોઈતું હતું, આમ કહેવું જોઈતું હતું' એવો વસવસાનો ભાવ આવી જાય છે. સુખના પ્રસંગની ખુશી અને દુઃખના પ્રસંગનો અફસોસ - બને જીવનમાં વિક્ષેપ નાખે છે, અધ્યાત્મમાર્ગે આગળ વધવામાં વચ્ચે નડે છે અને કર્મબંધનું કારણ બને છે.
વિશ્વવ્યવસ્થાના કારણે અન્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને જીવ બદલી શકે એમ જ નથી, પરંતુ તે પ્રત્યેનો પોતાનો દૃષ્ટિકોણ બદલવા તે અવશ્ય સ્વાધીન છે. જેમ વરસાદને રોકવાની આશા રાખવી કે તથારૂપ ચેષ્ટા કરવી તે મૂર્ખતા છે, જળવૃષ્ટિથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરવામાં બુદ્ધિમત્તા છે; જેમ કેડી ઉપર પુષ્કળ કાંટાળી વનસ્પતિ પથરાયેલી હોય તો બધા કાંટાને સાફ કરવા કરતાં ચંપલ પહેરવાં વધુ ડહાપણભર્યો ઉપાય છે; તેમ સુખી જીવન જીવવા માટે બાહ્ય પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાને બદલે જીવે પોતાની અંદર જ પરિવર્તન લાવવું ઘટે છે. તેણે પરની સ્થિતિ બદલવાની નથી, પરંતુ પરથી પોતાની ભિન્નતાનું જ્ઞાન અને તથારૂપ શ્રદ્ધા કરીને દષ્ટિને તેના ઉપરથી હટાવી લેવાની છે. પરની જે સ્થિતિ છે, તે સ્થિતિએ તે ભલે રહે, પરંતુ પોતાની વૃત્તિને તેનાથી છૂટી પાડવાની છે. તે માટે ‘પરથી મને કોઈ લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org