Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વગેરે પ્રત્યે ‘સર્યું હશે તેમ થશે’ એ સિદ્ધાંત છોડીને ગુસ્સો કરે છે અને મિથ્યાત્વ તથા ક્રોધાદિ કષાયોરૂપ આંતર શત્રુઓને હટાવવાને બદલે ‘સર્યું હશે તો મિથ્યાત્વાદિ જશે અને સમ્યકત્વાદિ મળશે' એવી માન્યતા કરે છે. તેણે એવી માન્યતા છોડી આંતર શત્રુઓનો પ્રતિકાર કરવા ઉદ્યમશીલ બનવું જોઈએ. દૈનિક બાબતોમાં “જે સર્યું હશે તે થશે' એમ બોલવું નથી અને ત્યાં કારણતા માનવી છે, તો પછી સમ્યગ્દર્શન આદિમાં મોક્ષકારણતા શા માટે નથી માનતો? અર્થાત્ માનવી જોઈએ. દલીલ ૨ - મોક્ષના ઉપાયનો નિષેધ કરનાર પક્ષની અન્ય એક દલીલ એ છે કે મોક્ષપ્રાપ્તિમાં કારણ-કાર્યન્યાય સ્વીકારવામાં આવે તો અનવસ્થા દોષ ઉપસ્થિત થાય. મોક્ષરૂપી કાર્યનું કારણ સમ્યગ્દર્શન આદિ હોય તો સમ્યગ્દર્શન આદિરૂપ કાર્યનું કારણ શું? અને વળી તે કારણનું કારણ શું? જો અનવસ્થા દોષ ટાળવા અર્થે એમ કહેવામાં આવે કે સમ્યગ્દર્શન આદિ ગુણો ભવિતવ્યતાના બળે જ પ્રાપ્ત થાય છે, તો જેમ સમ્યગ્દર્શન આદિ ગુણો ભવિતવ્યતાથી જ મળી જાય છે, તેમ મોક્ષ પણ આ સમ્યગ્દર્શનાદિ વિના ભવિતવ્યતાથી મળી જવો જોઈએ. મોક્ષ પ્રત્યે તે સમ્યગ્દર્શનાદિને કારણ માનવાની જરૂર નથી, અર્થાત્ મોક્ષનો ઉપાય કરવાની આવશ્યકતા નથી. સમાધાન ૨ – પાકા ઘડારૂપી કાર્યનું કારણ કાચો ઘડો છે. કાચા ઘડાનું કારણ શું? વળી તેનું કારણ શું? જો એમ કહેવામાં આવે કે તેનું કારણ સુયોગ્ય લક્ષણવાળી માટી છે, તો આમ કહેવાથી કંઈ બાકીના કારણ-કાર્યભાવોનો લોપ થઈ નથી જતો. તેવી જ રીતે ભવિતવ્યતાને સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિમાં કારણભૂત ગણવામાં આવતાં અન્ય કારણ-કાર્યભાવોનો લોપ થતો નથી. ભવિતવ્યતાથી સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટ થાય છે અને સમ્યગ્દર્શનાદિથી મોક્ષ થાય છે. આ વસ્તુસ્થિતિ છે ત્યારે મોક્ષની પ્રાપ્તિમાં આવશ્યક સમ્યગ્દર્શનાદિની અપેક્ષાને શી રીતે ટાળી શકાય?
ભવસ્થિતિપરિપાકના કારણે જીવ જ્યારે અંતિમ પુગલપરાવર્તન કાળમાં આવે છે, ૧- પુદ્ગલપરાવર્તન કાળ : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી મપાય છે. અહીં ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન કાળનો ઉપયોગ કરવાનો છે, માટે તેનો જ વિચાર કરીશું.
ચૌદ રાજલોકમાં આવેલા આકાશના અસંખ્યાત પ્રદેશોને જીવ ક્રમપૂર્વક મૃત્યુ પામવા દ્વારા સ્પર્શે ત્યારે એક ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન કાળ થાય. અર્થાત કોઈ એક જીવ હમણાં એ વખતે જે આકાશપ્રદેશમાં મૃત્યુ પામે તે પહેલો આકાશપ્રદેશ ગણવો. હવે જ્યારે તે જીવ તેની તદ્દન બાજુના જ આકાશપ્રદેશમાં મૃત્યુ પામે ત્યારે તે બીજો આકાશપ્રદેશ ગણવો. આ બન્ને વચ્ચે તે જીવ બીજા જે જે આકાશપ્રદેશમાં મૃત્યુ પામ્યો હોય તે તે ગણતરીમાં લેવા નહીં, પછી ભલે અનંત મરણ થયા હોય કે અનંત કાળ વ્યતીત થયો હોય. તે પછી બીજા આકાશપ્રદેશની તદ્દન બાજુના આકાશપ્રદેશમાં મૃત્યુ પામે ત્યારે ત્રીજો આકાશપ્રદેશ ગણવો. આ રીતે જીવ સર્વ આકાશપ્રદેશને મરણસમયે સ્પર્શે ત્યારે એક ક્ષેત્ર પુદગલપરાવર્તનનો કાળ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org