Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આના ઉપરથી ફલિત થાય છે કે મિથ્યાષ્ટિ(ગુણસ્થાન-૧)ને મિથ્યાત્વાદિ બંધનાં પાંચ કારણ હોય છે, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ (ગુણસ્થાન-૨), સમ્ય-મિથ્યાદષ્ટિ (ગુણસ્થાન૩) અને અસંયત સમ્યગ્દષ્ટિ(ગુણસ્થાન-૪)ને મિથ્યાત્વ સિવાયના અવિરતિ આદિ ચાર કારણો હોય છે, દેશસંયમી(ગુણસ્થાન-૫)ને અંશે અવિરતિ તથા પ્રમાદાદિ ત્રણ કારણો હોય છે, પ્રમત્ત સંયમી(ગુણસ્થાન-૬)ને મિથ્યાત્વ અને અવિરતિ સિવાયના પ્રમાદાદિ ત્રણ કારણો હોય છે, અપ્રમત્તસંયમી(ગુણસ્થાન ૭ થી ૧૦ સુધી)ને કષાય અને યોગ એ બે જ કારણો હોય છે. અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાને એકમાત્ર યોગનો સદ્ભાવ છે અને ચૌદમા ગુણસ્થાને યોગ નહીં હોવાથી એકે પ્રકારના બંધનું કારણ નથી. ત્યાં અબંધદશા હોવાથી સંપૂર્ણ સંવર છે. અંતમાં અસિદ્ધત્વ નામનો ઔદયિક ભાવ જતાં સિદ્ધદશા પ્રગટે છે. શ્રીમદ્ પ્રકાશે છે –
સિદ્ધમાં સંવર કહેવાય નહીં, કેમકે ત્યાં કર્મ આવતું નથી, એટલે પછી રોકવાનું પણ હોય નહીં. મુક્તને વિષે સ્વભાવ સંભવે, એક ગુણથી, અંશથી તે સંપૂર્ણ સુધી. સિદ્ધદશામાં સ્વભાવસુખ પ્રગટ્યું. કર્મનાં આવરણો મટ્યાં એટલે સંવર, નિર્જરા હવે કોને રહે? ત્રણ યોગ પણ હોય નહીં. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ બધાથી મુકાણા તેને કર્મ આવતાં નથી; એટલે તેને કર્મ રોકવાનાં હોય નહીં. એક હજારની રકમ હોય; અને પછી થોડે થોડે પૂરી કરી દીધી એટલે ખાતું બંધ થયું, તેની પેઠે. પાંચ કારણો કર્મનાં હતાં તે સંવર, નિર્જરાથી પૂર્ણ કર્યા એટલે પાંચ કારણોરૂપી ખાતું બંધ થયું એટલે પછી ફરી કોઈ રીતે પ્રાપ્ત થાય જ નહીં.'
સંવર-નિર્જરારૂપ ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે, અર્થાત્ પંચાસરમાંથી સૌ પ્રથમ મિથ્યાત્વનો સંવર થતાં ધર્મ પ્રગટે છે. કર્મબંધનું સૌથી મહત્ત્વનું તેમજ પ્રબળ કારણ તો મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ ટાળ્યા વિના અવિરતિ આદિ બંધનાં કારણો ટળે જ નહીં એવો અબાધિત સિદ્ધાંત છે. મિથ્યાત્વનો સંવર કર્યા વિના અવિરતિનો કે કષાયનો સંવર કરવાના પ્રયત્નમાં આત્માએ અનંત કાળ ગુમાવ્યો, પણ તે પ્રયત્ન સફળ થયો નહીં. આત્મા અને બંધ વચ્ચે ભેદ જાણ્યા વગર જીવે અનંત વાર રાજપાટ છોડી, દ્રવ્યલિંગી સાધુ થઈને, નવમી રૈવેયકે લઈ જાય તેવાં ચારિત્ર પાળ્યાં અને કષાય એવા તો મંદ કર્યા કે તેને બાળી મૂકે તોપણ ક્રોધ ન કરે, છતાં નથી તેનો એક પણ ગુણ શુદ્ધ થયો કે નથી તેની એકે બંધદશાનો છેદ થયો; અને તેથી તેનો કર્મબંધ પણ અટક્યો નથી. મિથ્યાત્વના સર્ભાવમાં તેને કદી સાચો સંવર પ્રગટતો નહીં હોવાથી તેને વિકારી ભાવો થયા જ કરે છે. મિથ્યાત્વના આસવનું અવલંબન એટલે ચતુર્ગતિપરિભ્રમણરૂપ સંસારનાં અનંત દુઃખોનું અવલંબન. તેથી જ સૌથી પહેલાં મિથ્યાત્વનો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૩-૭૨૪ (ઉપદેશછાયા-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org