________________
૨૪૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેના વિષયો વગેરે પરવસ્તુઓમાં આસક્તિ સહિત ટકવાથી પરિણામો અવિરમણરૂપ થવાં તે અવિરતિ છે. અવિરતિને અસંયમ પણ કહે છે. પાંચ ઇન્દ્રિય તથા મન એમ છના વિષયો અને પાંચ સ્થાવર તથા એક ત્રસ એમ છની હિંસા - આમ, કુલ બાર પ્રકારના ત્યાગરૂપ ભાવ ન થવા તે બાર પ્રકારની અવિરતિ છે. જેને મિથ્યાત્વ છે તેને અવિરતિ હોય જ છે; પરંતુ મિથ્યાત્વ છૂટી જાય પછી પણ અવિરતિ તરત છૂટી જ જાય એવો નિયમ નથી. મિથ્યાત્વ છૂટ્યા પછી પણ તે હોઈ શકે છે. સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી દેશચારિત્રના બળ વડે અણુવ્રત ધારણ કરે તેને એકદેશવિરતિ કહે છે અને સકળ ચારિત્રના બળ વડે મહાવ્રત ધારણ કરે તેને સર્વદેશવિરતિ કહે છે. મિથ્યાત્વ છૂટ્યા પછી તરત અવિરતિનો પૂર્ણ અભાવ કરી, મહાવ્રત અંગીકાર કરીને મુનિદશા પ્રગટ કરે એવા જીવો તો વિરલા જ હોય છે. (૩) પ્રમાદ – શુદ્ધ આત્માના અનુભવથી ચલિત થવું, વ્રતમાં અસાવધાની રાખવી, ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મોમાં ઉત્સાહ ન રાખવો, અનાદરબુદ્ધિ રાખવી, અસાવધાની રાખવી, આળસ રાખવી તેને સર્વજ્ઞદેવ પ્રમાદ કહે છે. ચાર વિકથા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિયના વિષયો, નિદ્રા અને સ્નેહ - એમ પ્રમાદના પંદર પ્રકારો છે. જેને મિથ્યાત્વ અને અવિરતિ હોય અથવા માત્ર અવિરતિ હોય, તેને તો પ્રમાદ હોય જ છે; પરંતુ મિથ્યાત્વ અને અવિરતિ ટળ્યા પછી પણ પ્રમાદ તરત ટળી જ જાય એવો નિયમ નથી. તેથી અવિરતિ પછી પ્રમાદ કહ્યો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ પ્રમાદ ટાળીને અપ્રમત્તદશા પ્રગટ કરે એવા જીવો વિરલા જ હોય છે. (૪) કષાય – આત્મદશામાં ક્ષોભ ઉત્પન્ન કરનાર ક્રોધાદિ વિભાવભાવો. પોતાના શુદ્ધ, પવિત્ર, જ્ઞાનાનંદસ્વભાવમાં સ્થિર ન રહેતાં કર્મના ઉદયનો આશ્રય કરી, મલિન ઉપયોગમાં રોકાવું તે કષાય છે. કષાયના પચ્ચીસ પ્રકાર છે. ક્રોધ, માન, માયા, લોભ; તે દરેકના અનંતાનુબંધી આદિ ચાર પ્રકાર - એ રીતે સોળ તથા હાસ્ય આદિ નવ નોકષાય મળીને કુલ પચ્ચીસ પ્રકારના કષાય છે અને તે બધામાં આત્માના ગુણોનો ઘાત કરવાનું સામર્થ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણે, અથવા અવિરતિ અને પ્રમાદ એ બે, અથવા તો પ્રમાદ જ્યાં હોય ત્યાં તો કષાય અવશ્ય હોય જ છે; પણ એ ત્રણે ટળી જવા છતાં પણ કષાય હોઈ શકે છે. (૫) યોગ – મન, વચન, કાયાના નિમિત્તથી આત્મપ્રદેશનું પરિસ્પંદન. શુદ્ધ ચૈતન્યભાવ નિષ્કપ છે. તેમાં સ્થિર ન થતાં કંપન થવું તે યોગ છે. યોગ તે બંધનું ગૌણ કારણ છે. કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય છે. મન, વચન અને કાયા એમ યોગના ત્રણ પ્રકાર છે. તેના ઉત્તર ભેદ પંદર છે. મિથ્યાત્વદશાથી તેરમાં ગુણસ્થાન સુધી યોગ તો રહે જ છે. અગિયારમા, બારમા અને તેરમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org