Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
હોતી, પરંતુ સ્વસંવેદ્યતત્ત્વ તરફ જ હોય છે. અતીન્દ્રિય આનંદના આસ્વાદી એવા સમ્યગ્દષ્ટિ જીવને શરીરના નિભાવ માટે ભોજનનો વિકલ્પ ઊઠે છે તો ભોજન વાપરી લે છે, પણ અંતરમાં તે ભોજન પ્રત્યે સન્મુખતા નથી હોતી. સન્મુખતા તો એક નિજજ્ઞાયક તરફ જ હોય છે. તેઓ બોલે ત્યારે બોલવા તરફ ઝુકાવ નથી હોતો, પણ સ્વભાવ તરફ હોય છે. તેમને વિકલ્પ કે વાણીની રુચિ નથી, પણ નિર્વિકલ્પની રુચિ હોય છે. વિકલ્પ વખતે પણ રુચિ તો નિર્વિકલ્પની જ પોષાય છે.
‘આત્મામાં અનંતો આનંદ છે' એવી આત્મદ્રવ્યની શ્રદ્ધા થઈ હોવાથી તેમને વિષયમાં સુખબુદ્ધિ રહેતી નથી. આત્મા સિવાય કશે પણ સુખ લાગતું નહીં હોવાથી પંચ ઇન્દ્રિયના વિષયોથી તેઓ ઉદાસ થઈ જાય છે. જેમ જુવાન દીકરો મરી ગયો હોય તો તેની માતાને કશે પણ ચેન પડે નહીં, તેને ખાવું-પીવું પણ ગમે નહીં, કેમ કે તેને અંતરમાં ઘા પડી ગયો છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને અંતરમાં ઘા પડી ગયો હોવાથી વિષયોમાં ગમતું નથી. આત્માનંદમાં તેઓ એવા લીન થઈ જાય છે કે ત્યારે તેઓ બીજો કોઈ પણ વિકલ્પ કરતા નથી. તેમને પુણ્યોદયના કારણે ઈન્દ્રપદ અને ઇન્દ્રાણીનો સંયોગ કે ચક્રવર્તીપદ અને ૯૬000 રાણીઓનો સંયોગ મળે છતાં તે વૈભવમાં તેઓ કશે પણ આનંદ માનતા નથી. તેઓ તેને વિષ્ટા સમાન જાણે છે. જેમ વિષ્ટા છોડવા લાયક છે, તેમ વિષયભોગો તરફનું લક્ષ છોડવા જેવું છે એમ તેઓ જાણે છે.
સમ્યગ્દષ્ટિ જીવને શરીરની કાંતિ રાખ સમાન લાગે છે, લગ્નાદિ પ્રસંગો બાણની અણી સમાન દુઃખદાયી લાગે છે, કુટુંબનાં કાર્ય કાળ સમાન લાગે છે, પ્રશંસા ગાળ સમાન લાગે છે, આબરૂ-કીર્તિ નાકના મેલ સમાન લાગે છે. આત્માના આનંદનિધાનની દૃષ્ટિ-રુચિ થઈ હોવાથી તેમને બહાર કંઈ પણ આનંદદાયક લાગતું નથી, તેમાં રાજીપો થતો નથી. પુદ્ગલ અને પુગલની કોઈ પણ અવસ્થામાં સુખ લાગતું નથી. મિથ્યાદૃષ્ટિ જીવને અનુકૂળ સામગ્રીની હોંશમાં “આમ કરીશું, તેમ કરીશું' એવો ભાવ આવે છે. સમ્યગ્દષ્ટિ જીવને તેમાં રુચિ પણ થતી નથી. પૌદ્ગલિક પદાર્થો સુખના અભાવરૂપ ભાસતા હોવાથી તેમને એવા પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની સ્પૃહા થતી નથી.
સમ્યગ્દષ્ટિ જીવનું બાહ્ય જીવન, પૂર્વપ્રારબ્ધયોગ અનુસાર અનેક પ્રકારના ચિત્રવિચિત્ર ઉદયપ્રસંગો વચ્ચે પણ વૈરાગ્ય સહિત જ હોય છે. તેમને સર્વ બાહ્ય પ્રસંગોમાં સહજ વિરક્તિ જ રહે છે. કર્મના ઉદય અનુસાર તેઓ સાંસારિક પ્રસંગો વચ્ચે દેખાતા હોવા છતાં પણ તે પ્રત્યે તેઓ નીરસ પરિણામથી પ્રવર્તતા હોય છે. તેઓ વિષયભોગમાં પ્રવૃત્ત હોય કે લડાઈના મેદાનમાં હોય, પરંતુ દષ્ટિ એક ધ્રુવ આત્મસ્વભાવ ઉપરથી ખસતી નથી. પોતાની પર્યાય ઉપર પણ દૃષ્ટિ જતી નથી તો શરીરાદિ બાહ્ય પદાર્થોની અવસ્થા ઉપર તો દૃષ્ટિ ક્યાંથી જાય? પોતાની પર્યાયનો પણ આદર નથી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org