Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે તે ગુણો કરતાં પણ વિશેષ શક્તિશાળી એવા સમ્યગ્દર્શન આદિ ગુણો પ્રાપ્ત કરવા આવશ્યક છે. પૂર્વસેવા એટલે કે એવી ક્રિયા જે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પહેલાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં હેતુરૂપ થાય. તે ક્રિયા મોક્ષને સાધનારી થઈ શકતી નથી, કારણ કે તે મૃદુ છે. સકળ કર્મને નિર્મૂળ કરવામાં અસમર્થ એવી કોમળ હોવાથી તે મોક્ષના સાધનરૂપ ક્રિયા બની શકતી નથી. તે સ્થૂળ લક્ષતાવાળી હોવાથી દોષોને કંઈક મંદ કરીને માત્ર સમ્યકત્વાદિને પ્રાપ્ત કરાવવા જેટલી જ સમર્થતા તેનામાં હોય છે. જેમ બળવાન શત્રુના સૈન્યને નાશ કરવા સામાન્ય યોદ્ધાઓ સમર્થ નથી હોતા, તેમ સમગ્ર કર્મસમૂહને નાશ કરવા માટે પૂર્વસેવા સમર્થ નથી. સૂક્ષ્મ કર્મોને હણવાની તીવ્ર શક્તિ ધરાવનાર સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નરૂપ વ્યાપાર જ મોક્ષ સાધવામાં સમર્થ છે. મોક્ષની સાધનામાં તો અત્યંત બળવાળી ક્રિયા જોઈએ, જે માત્ર રત્નત્રયની આરાધના જ છે. પૂર્વસેવાદિ ક્રિયાઓથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ છે એ વાત ઉચિત નથી. માર્ગાનુસારીની ક્રિયા સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કારણભૂત છે, પણ મોક્ષને સાધવામાં અસમર્થ છે; જ્યારે દઢ એવી સમ્યક્ત્વાદિ ક્રિયા મોક્ષસાધનને વિષે સમર્થ છે, તેથી સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિનો ઉદ્યમ કર્તવ્ય છે.
‘તથાભવ્યત્વના કારણે અથવા કર્મના લાઘવ(હાનિ)થી સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટ થઈને વૃદ્ધિ પામે છે અને પછી મોક્ષ થાય છે, તેથી સમ્યગ્દર્શનાદિને મોક્ષના હેતુ માનવાની જરૂર નથી, સમ્યગ્દર્શનાદિ ગુણોને ખેંચી લાવનાર તથાભવ્યત્વ જ મોક્ષનું કારણ છે, પુરુષાર્થની જરૂર નથી' એમ માનવું મિથ્યા છે. તથાભવ્યતા એટલે તથા = પોતપોતાના પાકવા યોગ્ય ક્રમાગત કાળને પામીને પાકવાના સ્વભાવવાળી + ભવ્યતા = મોક્ષગમનની યોગ્યતા. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તે જીવનું તથાભવ્યત્વ. દરેક ભવ્ય જીવમાં મોક્ષગમનની યોગ્યતા તો સરખી છે, પણ તે યોગ્યતા સર્વ જીવની સમકાળે પરિપક્વ થતી નથી. ભવ્યતા કાળ આદિના ભેદથી જુદા જુદા જીવોને વિષે જુદા જુદા પ્રકારે હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે. જેમ કે કોઈ આંબાના ઝાડમાં પ00 કેરીઓ છે. તે દરેક કેરીમાં પાકવાની યોગ્યતા છે, છતાં તે બધી કેરીઓ એકસાથે પાકતી નથી. અમુક કેરીઓ પાંચ દિવસે પાકે છે, અમુક કેરીઓ છ દિવસે પાકે છે, તો કોઈ કેરીઓને પાકતાં તેથી પણ વધારે દિવસો લાગે છે. કોઈ કેરીઓ ઝાડ ઉપર જ પાકી જાય છે, તો અમુક કેરીઓ ઘાસમાં પાકે છે. તે જ પ્રમાણે દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન હોય છે. કોઈ જીવ આદિનાથ ભગવાનના શાસનમાં મોક્ષ પામે છે, તો કોઈ જીવ અન્ય તીર્થંકરના શાસનમાં મોક્ષ પામે છે. કોઈ જીવ ઉત્સર્પિણી કાળમાં, તો કોઈ જીવ અવસર્પિણી કાળમાં મોક્ષ પામે છે. કોઈ તીર્થકરરૂપે, કોઈ ગણધરરૂપે, કોઈ સામાન્ય કેવળીરૂપે મોક્ષ પામે છે. આમ, ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org