Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૮
૨૨૩
વચ્ચે ભેદજ્ઞાન કરવાની રીત સમજાવતાં જ્ઞાનીપુરુષો કહે છે - આત્મા ત્રિકાળી, પૂર્ણ, જ્ઞાન, આનંદસ્વરૂપે છે. તે રાગાદિ ઉપાધિરૂપે નથી. જડ કર્મના નિમિત્તને આધીન થતાં આત્માની અવસ્થામાં રાગાદિ થાય છે, પણ તેથી કાંઈ આત્માનો સ્વભાવ રાગાદિરૂપ થતો નથી. તે વિકાર વર્તમાન અવસ્થા પૂરતો જ છે. તે વિકારનો નાશ કરવાની તાકાત દરેક ક્ષણે આત્મામાં છે. આ તથ્ય દૃષ્ટાંત વડે સ્પષ્ટ થશે. પાણી સ્વભાવે શીતળ છે, છતાં પોતાની યોગ્યતાના કારણે અગ્નિનું નિમિત્ત મળતાં પાણીની વર્તમાન અવસ્થા ઉષ્ણ બને છે. આ અવસ્થા પાણીની જ છે, છતાં એ તેનો સ્વભાવ ન હોવાના કારણે આ અવસ્થા ટળી શકે છે. તેમ આત્મા સ્વભાવે શુદ્ધ છે, છતાં પોતામાં રહેલી તથારૂપ યોગ્યતાના કારણે તથા કર્મોદયના નિમિત્તે આત્માની વર્તમાન અવસ્થા અશુદ્ધ છે. એ અશુદ્ધ અવસ્થા આત્માની જ છે, છતાં એ તેનો સ્વભાવ ન હોવાના કારણે તે ટળી શકે છે. જેમ પાણીની ઉષ્ણ અવસ્થા વખતે પણ પાણીનો શીતળ સ્વભાવ વિદ્યમાન છે, તેમ આત્માની અશુદ્ધ અવસ્થા વખતે પણ આત્માનો શુદ્ધ સ્વભાવ વિદ્યમાન છે. આ તથ્ય બે પ્રકારે સિદ્ધ થઈ શકે છે – (૧) અગ્નિ ગમે તેટલો ઉગ હોય છતાં તેના ઉપર ઉષ્ણ પાણી નાખવામાં આવે તો તે પાણી અગ્નિ વડે જ ઉષ્ણ થયું હોવા છતાં અગ્નિને જ ઠંડો કરી નાખે છે. તેથી અગ્નિને ઓલવી નાખવાને સમર્થ એવો પાણીનો શીતળ સ્વભાવ નાશ પામતો નથી એમ સ્પષ્ટતઃ જાણી શકાય છે. તેવી જ રીતે આત્માનો સ્વભાવ વિકારને પુષ્ટિ આપવાનો નથી, પણ વિકારને નાશ કરવાનો જ છે. આત્મસ્વભાવમાં એકાગ્ર થવાથી વિકારનો નાશ થાય છે. (૨) પાણીની ઉષ્ણ અવસ્થા સ્વાભાવિક નથી, કારણ કે અગ્નિના નિમિત્તે તે ઉષ્ણ થાય છે. ઉષ્ણ અવસ્થા ઉત્પન્ન કરવા માટે અગ્નિરૂપ પરસંયોગની અપેક્ષા રહે છે. ઉષ્ણતાનું નિમિત્ત દૂર ખસેડતાં પાણી આપોઆપ ઠંડું થઈ જાય છે. તેવી જ રીતે આત્માની વિકારી અવસ્થા સ્વાભાવિક નથી, કારણ કે આત્મા કર્મોદયમાં જોડાય ત્યારે જ વિકાર થાય છે. પરનિમિત્તમાં જોડાણ કર્યા વિના વિકાર ઉત્પન્ન થતો નથી. વિકાર ઉત્પન્ન કરવા માટે પરના અવલંબનની અપેક્ષા રહે છે. જો કે નિમિત્ત કાંઈ જીવને રાગ, દ્વેષ કે મોહ કરાવતું નથી, પણ આત્મા પોતે નિમિત્તને આધીન થઈ વિકાર કરે છે. જો તે નિમિત્ત તરફ લક્ષ ન આપે અને સ્વલક્ષ કરે તો વિકાર ઉત્પન્ન થાય નહીં.
જેમ પાણીની વર્તમાન અવસ્થા ઉષ્ણ હોવા છતાં તે પાણીનો વાસ્તવિક સ્વભાવ નથી, તેના સ્વભાવમાં તો ત્રિકાળી શીતળતા જ છે; તેમ વર્તમાન અવસ્થામાં આત્મા અશુદ્ધ હોવા છતાં તે અશુદ્ધિ આત્માનો વાસ્તવિક સ્વભાવ નથી, તેના સ્વભાવમાં તો ત્રિકાળી શુદ્ધતા જ છે. પાણીના સ્વભાવમાં ખરેખર ઉષ્ણતા પ્રવેશી નથી, માત્ર તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org