Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાની પુરુષો અનંતી કરુણા કરી જીવને વસ્તુસ્થિતિનું દર્શન કરાવે છે. તેઓ જીવને સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતાનું ભાન કરાવે છે. જેમ પિતા મિલકતના બે ભાગલા પાડીને પુત્રને સમજાવે કે “જો ભાઈ! આ તારો ભાગ. તારો ભાગ તું લઈ લે અને રાજી થા.” તેમ ચૈતન્યદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય એવા બે ભાગ પાડીને જ્ઞાનીઓ જીવને સમજાવે છે કે “ચૈતન્યદ્રવ્ય નિત્ય ઉપયોગસ્વભાવરૂપ છે અને એ તારો ભાગ છે. નિત્ય ઉપયોગસ્વભાવ સિવાયનું બીજું બધું જ પુદ્ગલદ્રવ્યનો ભાગ છે. હે જીવ! હવે તું તારો ભાગ લઈ લે અને રાજી થા. ઉપયોગસ્વભાવ - જ્ઞાયકસ્વભાવ વિના બીજા બધામાંથી આત્મબુદ્ધિ છોડીને એક જ્ઞાયકભાવનો જ તારા સ્વરૂપપણે અનુભવ કર, તેમાં જ એકાગ્ર થા. તું અનાદિથી પોતાને શરીરરૂપ માની રહ્યો છે. જે જે સ્થળે જે જે શરીર પ્રાપ્ત થયું, ત્યાં ત્યાં તે માન્યું કે “આ શરીર તે જ હું છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું સ્વરૂપવાન છું' ઇત્યાદિ. આવી માન્યતાઓ કરી તું તારું અસલી સ્વરૂપ ભૂલી ગયો. સ્વરૂપના અજ્ઞાનમાં તે હું ચૈતન્ય ચમત્કાર માત્ર છું' એવું જાણ્યું નહીં, શ્રદ્ધયું નહીં, અનુભવ્યું નહીં. તેથી સાવધાન થઈને એમ જાણ કે “અહો! હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું. પૂર્વે પણ હું ચૈતન્યસ્વરૂપ જ હતો. શરીર સદા મારાથી અત્યંત ભિન્ન જ છે. આત્મા અને દેહના ગુણધર્મોમાં આકાશ-પાતાળ જેવો ભેદ છે. આત્મા અવિનાશી ચૈતન્યપદાર્થ છે, જ્યારે દેહ જડ પુદ્ગલપરમાણુઓના સંયોગથી બનેલ ક્ષણભંગુર પદાર્થ છે. આત્મામાં જ્ઞાન ગુણની મુખ્યતા છે, દેહમાં જડત્વની મુખ્યતા છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે, પુદ્ગલમાં જડત્વ હોવાથી આ ગુણ એનામાં નથી. એનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણો છે. સડવું, પડવું, વીખરવું, મળવું એ એનો સ્વભાવ છે. આત્મા અને પુદ્ગલ વચ્ચે સદૈવ ભિન્નતા જ છે. જીવ કદી પુગલરૂપ થતો નથી અને પુદ્ગલ કદી જીવરૂપ થતું નથી. અનાદિથી અજ્ઞાનવશ પુદ્ગલ સાથે એકક્ષેત્રાવગાઈ રહ્યો હોવા છતાં તારું ચૈતન્યસ્વરૂપ સદૈવ જડથી ભિન શુદ્ધ જ રહ્યું છે, એમ જાણીને આનંદમાં આવ. હું ચૈતન્ય પરમેશ્વર છું' એમ સમજી તારું ચિત્ત ઉજ્વળ કર. તારા ચૈતન્યસ્વરૂપને ઓળખતાં જ તને અંતરમાં અપૂર્વ પ્રસન્નતા થશે. અંતરમાં ઊતરી ચૈતન્યસ્વરૂપ તરફ તારી પરિણતિને વાળ તો તું ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્યને જ સ્વદ્રવ્યપણે અનુભવશે. તેથી તેમાં જ તારી પરિણતિને એકાકાર કર અને પરદ્રવ્યમાં એકાકાર થવાનું છોડ.'
આત્મા અને પરદ્રવ્ય વચ્ચેની ભિન્નતાનું ભાન કરાવવાની સાથે જ્ઞાની પુરુષ સ્વભાવ અને વિભાવ વચ્ચેની ભિન્નતા પણ સમજાવે છે. જેમ ચૈતન્યસ્વરૂપ આત્માને અને જડને એકતા નથી પણ અત્યંત જુદાપણું છે, તેમ ચૈતન્યસ્વરૂપને રાગાદિ વિભાવ સાથે પણ એકતા નથી. ચૈતન્યસ્વભાવ વિભાવથી પણ જુદો છે. સ્વભાવ અને વિભાવને ક્યારે પણ એકમેકપણું થયું જ નથી. શુભાશુભ મલિન વિભાવ તથા સહજ શુદ્ધ સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org